
(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ તા.1 મે 2020, શુક્રવાર
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને માર્ચ ૨૦૨૧ સુધીમાં દેવા મુક્ત કરવાની યોજનાને મુકેશ અંબાણી આ લક્ષ્યાંકથી વહેલા ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં જ પાર પાડવાની તૈયારીમાં હોવાના સંકેત મળી રહ્યા છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રૂ.૧.૬૧ લાખ કરોડના ચોખ્ખા દેવા-ઋણને ચૂકતે કરવા બહુ પાંખિયો વ્યુહ અપનાવી તાજેતરમાં જ ફેસબુક સાથે ૯.૯૯ ટકા શેરો રિલાયન્સ જીઓમાં વેચીને રૂ.૪૩,૫૪૭ કરોડ ઊભા કરવાની ડિલ કર્યા બાદ હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરધારકોને ૧૫ શેર દીઠ એક શેર ધોરણે રૂ.૧૨૫૭ ભાવે રાઈટ શેરો ઈસ્યુ કરીને રૂ.૫૩,૧૨૫ કરોડ ઊભા કરવાનું જાહેર કર્યું છે. કંપનીએ આ અગાઉ સાઉદી અરેબિયાની અરામકોને પણ પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં હોલ્ડિંગ વેચવાના કરાયેલા કરાર પણ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની શકયતા છે. આમ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં આ લક્ષ્યાંકો પાર પાડવા સાથે કંપનીને દેવા મુક્ત કરવાની યોજના છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જોઈન્ટ ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર શ્રીકાંત વેન્કટચારીએ જણાવ્યું હતું કે, ઝીરો નેટ ડેટનું લક્ષ્ય કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં જ પાર પાડવાનો ઉદ્દેશ છે. ઓગસ્ટમાં જાહેર કર્યા બાદ અંબાણી દ્વારા ડિજિટલ પ્લેટફોર્મમાં ૯.૯૯ ટકા હોલ્ડિંગ ફેસબુકને વેચવાનું અને આ પૂર્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઓઈલ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસને અલગ કંપનીમાં ફેરવીને સાઉદી અરેબિયાની ઓઈલ જાયન્ટ અરામકોને હોલ્ડિંગ વેચીને ફંડ મેળવશે અને બાકી જોગવાઈ રાઈટ ઈસ્યુ થકી કરશે.
કંપની તેની આ કુલ રૂ.૧.૦૪ લાખ કરોડ મૂડી ઊભી કરવાની યોજના જૂન ૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરે એવી શકયતા વેન્કટચારીએ બતાવી છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના દરેક ૧૫ શેરો દીઠ એક શેર રાઈટ ધોરણે ઈસ્યુ કરવાનો પણ સમાવેશ છે. આ સિવાય કંપની યુ.કે.ની બીપી પ્લેક.ને ફયુલ રીટેલિંગ સાહસમાં ૪૯ ટકા હોલ્ડિંગ વેચીને રૂ.૭૦૦૦ કરોડ ઊભા કરશે. આ સિવાય સાઉદી અરબિયાની અરામકોનું ડયુ ડિલિજન્સ સારી પ્રગતિમાં હોવાનું પણ તેમણે કહ્યું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SrDqm9
via Latest Gujarati News
0 Comments