
મુંબઈ,તા. 3 મે 2020, રવિવાર
સ્પર્ધા પરીક્ષાની તૈયારી માટે ગયેલાં અને લોકડાઉન મૂકાતાં દિલ્હીમાં અટવાઈ ગયેલાં આશરે ૧૫૦૦ વિદ્યાર્થીઓને મહારાષ્ટ્રમાં પાછા લાવવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે અને સરકારે તુરંત આ વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે કાર્યવાહી કરવા સંબંધિત યંત્રણાને જણાવ્યું છે.
આ સંદર્ભે કલ્યાણના સાંસદ ડા. શ્રીકાંત શિંદેએ પણ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને જાણ કરી હતી. તેમને શુક્રવારે રાત્રે દિલ્હીમાં ૧૫૦૦ વિદ્યાર્થીઓ અટવાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ તેમણે અમુક વિદ્યાર્થીઓ સાથે વિડીયો-કોન્ફરન્સ કરતાં વિદ્યાર્થીઓએ પરત આવવાની માગ કરી હતી. શિંદેના જણાવ્યાનુસાર, મુખ્યમંત્રીએ પ્રિન્સિપલ સેક્રેટરીને આ વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક ધોરણે પાછા ફરવાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.
આ વિદ્યાર્થીઓ માટે વિશેષ બસ મોકલવામાં આવશે. દિલ્હીમાં મુંબઈના ૩૭, થાણેના ૪૩ નાગપુરના ૬૨, કોલ્હાપુરના સોએક વિદ્યાર્થીઓ સહિત કુલ ૧૫૦૦ વિદ્યાર્થીઓ અટકી પડયાં છે. જેમના વાલીઓ પણ અહીં ચિંતામાં છે. આ તમામ વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં જ પાછા ફરે તેવી શક્યતા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fjgTS3
via Latest Gujarati News
0 Comments