મહારાષ્ટ્રમાં 15 જૂનથી સ્કૂલો તબક્કાવાર રીતે ફરીથી શરૂ થઈ શકે છે


મુંબઇ,તા.24 મે 2020 રવિવાર 

ભારતમાં કોરોના વાયરસ મહામારીનું કેન્દ્ર બિન્દુ બની ગયેલું મહારાષ્ટ્ર ૧૫ જૂનથી પોતાની સ્કૂલો ક્રમશઃ ફરીથી ખોલવા વિચારી રહ્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે ઉક્ત નિર્દેશ આપતા જણાવ્યું હતું કે સ્કૂલો ક્રમશઃ અને તબક્કાવાર શરૂ થશે અને રાજ્યમાં નોન-રેડ ઝોન્સની સ્કૂલો પહેલા ખુલશે.

લોકડાઉનના ચોથા તબક્કામાં મહારાષ્ટ્ર સરકારે મુંબઈ, પુણે, થાણે, નાગપુર અને રાજ્યના બીજા ૧૫ શહેરોના મહાપાલિકા વિસ્તારોને રેડ ઝોનમાં મૂક્યા છે. રાજ્યના બાકીના વિસ્તારોને નોન-રેડ ઝોન્સમાં મૂકી ૨૨ મેથી  ત્યાંના પ્રતિબંધને નોંધપાત્ર રીતે હળવા કરી દેવાયા છે. મુંબઈના એક અંગ્રેજી દૈનિકને આપેલા ઇન્ટરવ્યુમાં શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે સ્કૂલના વર્ગો શિફ્ટ (પાળી)માં ચલાવવાની, સ્કૂલનો સમય ઘટાડવાની, સવારથી પ્રાર્થના અને રમતગમતની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી.

'સ્કૂલોમાં સોશ્યલ ડિસ્ટસિંગ જાળવવું ફરજિયાત હશે. અમે ઓડ રોલ નંબરના વિદ્યાર્થીઓને પહેલી શિફ્ટમાં અને ઇવન રોલ નંબર ધરાવતા સ્ટુડન્ટ્સને બીજી શિફ્ટમાં બોલાવવાનું પણ વિચારી રહ્યા છીએ. બીજો વિકલ્પ વિદ્યાર્થીઓના દરેક ક્લાસના બેચને એકાંતરે સ્કૂલે, બોલાવવાનો છે. કોઈ પણ કિંમતે સ્કૂલોએ વિદ્યાર્થીઓ વચ્ચે ફિજિકલ ડિસ્ટન્સ (અંતર) તો જાળવવું જ પડશે. એક ડેસ્ક પર માત્ર એક, સ્ટુડન્ટને જ બેસવા દેવાશે, એવી માહિતી ગાયકવાડે વધુમાં આપી હતી.

એમણે એવો મત દર્શાવ્યો હતો કે સ્કૂલો લાંબો સમય બંધ રહેવાથી બાળકોની પ્રગતિ પર એની માઠી અસર થશે. મુંબઈ અને બીજા રેડ ઝોન્સમાં કોરોનાની સ્થિતિ વધુ સુધર્યા બાદ જ ત્યાંની સ્કૂલો ફરી ખોલવા વિશે વિચારાશે. બાળકો અને શિક્ષકો સ્કૂલમાં પાછા ફરે ત્યારે એમને ઇન્ફેક્શન થવાનું ઓછામાં ઓછું જોખમ રહે એ માટે રાજ્ય સરકાર નવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સ ઘડી રહી છે. હાલ મહારાષ્ટ્રની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સપ્તાહમાં ૪૮ કલાક ભણાવવાનો નિયમ છે. શરૂમાં સ્કૂલો અડધો દિવસ જ ખૂલી રહેશે એટલે ભમાવવાનો કલાકો પણ એ પ્રમાણમાં ઘટશે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2X05OhR
via Latest Gujarati News

Post a Comment

0 Comments