ગુજરાત, કેરળ, દિલ્હી કરતાં પણ કોવિડ-19ના વધુ ટેસ્ટ મુંબઇમાં કરાયા


- બીજી મે સુધીમાં મુંબઇમાં ૯૩,૫૦૦ ટેસ્ટ, ગુજરાતમાં ૮૦ હજાર, કેરળમાં ૩૨ હજાર તથા દિલ્હીમાં ૪૭ હજાર ટેસ્ટ કરાયા

મુંબઇ, તા. 6 મે 2020, બુધવાર

બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની માહિતી મુજબ મુંબઇમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ના ૯૫ હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. બીજી મેની સ્થિતિ મુજબ આ મહાનગરમાં કરાયેલા ટેસ્ટની સંખ્યા (૯૩,૫૦૦) કેરળ (૩૨ હજાર ટેસ્ટ), ગુજરાત (૮૦ હજાર) તથા દિલ્હી (૪૭ હજાર)માં કરાયેલા ટેસ્ટની સંખ્યાને વળોટી ગઇ હતી.

મુંબઇમાં અત્યાર સુધીમાં તેની દર દસ લાખની વસતિએ લગભગ ૭૨૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ શહેરમાં મંગળવારે કોવિડ-૧૯ના નવા ૬૩૫ કેસ નોંધાયા હતા. આ સાથે જ પોઝિટિવ દરદીઓની સંખ્યા ૯૯૪૫ની થઇ હતી. ૬૩૫ કેસ પૈકી પહેલીથી ત્રીજી મે દરમિયાન ખાનગી લેબમાં  ૧૨૦ દરદીઓનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. આ સંખ્યા મંગળવાર, પાંચમી મેના રીપોર્ટમાં સામેલ કરાઇ હતી

મંગળવારે મુંબઇમાં ૨૬ કોરોના પીડિતોના મોત થયા તે સાથે કુલ મોત ૩૮૭ના થયા હતા. આમાંના છ મોત પહેલી અને બીજી મેએ થયાં હતા. મુંબઇમાં કોરોનાનો મરણદર (મોર્ટાલિટિરેટ) ૩.૮૯ ટકાનો છે.

૨૬ મૃતકોમાં ૧૬ પુરુષ અને ૧૦ મહિલાઓનો સમાવેશ થતો હતો. ૨૬ પૈકી ૨૨ જણાને આરોગ્યની અન્ય તકલીફો પણ હતી,. ૧૧ જણા ૬૦ વર્ષથી વધુ વયના હતા. જ્યારે બે દરદી ૪૦ વર્ષથી ઓચી વયના હતા.

અત્યાર સુધીમાં કુલ ૨,૧૨૮ લોકો સાજા થયા  છે. હવે મુંબઇમાં ૨,૦૮૩ કન્ટેનમેન્ટ (અવરજવર પર નિયંત્રણવાળા) ઝોન છે. ૨૪મી એપ્રિલે આ ઝોન ૯૮૩ હતા પરંતુ છેલ્લા દસ દિવસમાં તેની સંખ્યા બમણી થઇ છે. મંગળવારે ધારાવીમાં ૩૩ નવા કેસ નોંધાતા કેસની કુલ સંખ્યા ૬૬૫ થઇ હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zeM8NG
via Latest Gujarati News

Post a Comment

0 Comments