પાલિકાના કે. પશ્ચિમ વોર્ડમાં કોવિડના પોઝિટીવ કેસ નવ દિવસમાં 60 ટકા વધ્યા


મુંબઇ, તા. 6 મે 2020, બુધવાર

મહાનગર મુંબઇના અંધેરી (પશ્ચિમ), વર્સોવા, જૂહુ, વિલેપાર્લે (પશ્ચિમ) તથા અન્ય કેટલાક વિસ્તારોનો સમાવેશ કરતા કે-પશ્ચિમ વોર્ડમાં ૨૫મી એપ્રિલથી ચોથી મે સુધીના માત્ર નવ જ દિવસમાં કોવિડ-૧૯ના કુલ પોઝિટીવ કેસમાં ૬૦ ટકાનો વ્યાપક વધારો થયો હતો.

આ વોર્ડ વિશેના કન્ટેનમેન્ટ ઝોન રીપોર્ટમાં જણાવ્યા મુજબ આ નવ દિવસમાં અહીં ૧૩૦ નવા કન્ટેનમેન્ટ (અવરજવર પર નિયંત્રણવાળા) ઝોન ઉમેરવામાં આવ્યા હતા અને આ સાથે આવા ઝોનની કુલ સંખ્યા ૨૮૫ની થઇ હતી.

નવા કેસ પૈકીના મોટાભાગનાની ભાળ ગિલબર્ટ હિલ, જુહુ ગલી, ગાંવદેવી, ડોંગરી, વર્સોવા વિલેજ (અંધેરી પશ્ચિમ), નેહરુ નગર (વિલેપાર્લા પશ્ચિમ) તથા બેહરામ બાગ (જોગેશ્વરી પશ્ચિમ)માંથી લાગી હતી. આ વિસ્તારોમાં કન્ટેન્ડ કરાયેલી ઇમારતોમાં મોટા ભાગની ચાલીઓ છે.

પાલિકાના ૨૪ વોર્ડમાંથી આ જ (કે-પશ્ચિમ) વોર્ડને કોરોનાવાઇરસની સૌથી માઠી અસર થઇ છે. અહીંના ૧૩૧ કોવિડગ્રસ્તો સાજા થયા હતા જ્યારે ૨૧ દરદીઓનાં મોત થયાં છે. ચોથી મે મુજબ અહીં કોરોનાના કુલ ૬૧૯ પોઝિટિવ કેસ હતાં.

મોટાભાગની ઝૂંપડપટ્ટીઓમાં ઘરદીઠ શૌચાલય ન હોવાથી રહિશોએ સાર્વજનિક શૌચાલયોનો ઉપયોગ૮ કરવો પડે છે અને તેથી ચેપ લાગવાનું જોખમ વધે છે. મોટાભાગના પરપ્રાંતીય એવા નવથી દસ લોકો દસ બાય દસ ફૂટની રૂમમાં રહે છે. જ્યાં હવાની અવરજવરની પણ યોગ્ય વ્યવસ્થા દુર્લભ છે. જેમના ટેસ્ટ પોઝિટીવ આવ્યા હોય તેમના પરિવારને ક્વોરન્ટીન (સંસર્ગહીન) કરવાનું મુશ્કેલ છે કેમ કે તેમના રહેઠાણમાં એટલી જગ્યા હોતી નથી.

જોકે, આ વોર્ડના મદદનીશ મ્યુનિસિપલ કમિશનર વિશ્વાસ મોટેએ કહ્યું હતું કે ગયા સપ્તાહે હાથ ધરાયેલા વ્યાપક ટેસ્ટિગ તથા બારીક નિરીક્ષણને કારણે કેસ વધ્યા છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YGOaB1
via Latest Gujarati News

Post a Comment

0 Comments