મુંબઇમાં આખા એપ્રિલમાં કોરોનામાં 281 મોત: મેના માત્ર 12 દિવસમાં 266 મરણ



મુંબઇ તા.13 મે, 2020, બુધવાર

આ મહાનગરમાં કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ને કારણે સમગ્ર એપ્રિલ મહિનામાં ૨૮૧ જણાના મોત થયા હતા. જ્યારે અત્યારે ચાલી રહેલા મે માસના હજુ તો માત્ર ૧૨ દિવસ જ ગયા છે તેટલામાં આ મહામારી એ ૨૬૬ લોકોના જીવ લીધા છે.

હકીકતમાં તો આ ૧૨ દિવસમાં નવ તો એવા હતાકે જેમાં રોજ ૨૦ થી પણ અધિક કોરોના દરદીઓએ પ્રાણ ગુમાવ્યા હતા. આ હકીકત દર્શાવે છે કે કોરોનાના કેસ અથવા તેના મરણદર (ડેથ રેટ) ઓછા કરવા માટેના પ્રયાસોને ધારી સફળતા મળી નથી.

મુંબઇમાં કોવિડ-૧૯નો સૌ પ્રથમ કેસ ૧૧મી માર્ચે નોંધાયો હતો.તેના છ દિવસ બાદ આ રોગચાળાથી પહેલું મોત થયું હતું. આખા માર્ચમાં કોરોનાના ૧૫૧ કેસ હતા તથા માત્ર સાત લોકોના મોત થયાં હતા. પરંતુ કોરોનાના ચેપે એપ્રિલમાં મોટી છલાંગ લગાવી હતી. આ મહિનામાં ૬૯૧૦ કેસ તથા ૨૮૧ મોત નોંધાયા હતા. પરંતુ મે ના અત્યાર સુધીમાં દિવસોમાં  કેસ તથા મોતની સંખ્યાએ માઝા મૂકી દીધી છે.

આ માસના પ્રથમ ૧૨ દિવસમાં કેસ તથા મોત, બન્નેની સંખ્યા અનુક્રમે ૭૮૮૬ તથા ૨૬૬એ જઇ પહોંચી છે. અને હજુ મેના આજ સહિત ૧૯ દિવસ બાકી છે. ગઇકાલ મંગળવાર સુધીમાં મુંબઇમાં કોવિડના કુલ મળીને લગભગ ૧૫ હજાર કેસ તથા ૫૫૬ મોત નોંધાયા છે.

નિષ્ણાતોના મતે કેસની સંખ્યા સતત વધતી રહે તો જ પ્રતિદિન મરણાંક પણ વધે. એક અંદાજ મુજબ કોરોનાના દસ ટકા કેસ ઓકસિજન અથવા વેન્ટિલેટર પર રાખવા પડે તેટલી દહે ગંભીર સ્થિતિમાં થઇ શકે.

વધારાના પાલિકા કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું કે કોવિડ મહામારીની ઉગ્રતા તથા દરદીઓમાં અન્ય બિમારીઓ હોય તે  બન્ને મોટા પડકારો બની રહ્યા છે.

જોકે, પાલિકાના અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે વર્ષોથી મુંબઇનો એપ્રિલ દરમિયાનનો ડેથરેટ ૩.૨ ટકાથી ૪.૨ ટકાનો રહ્યો છે. આથી વધુ ડેથરેટ થાય નહીં ત્યાં સુધી પરિસ્થિતિ ભયસૂચક થઇ ગઇ છે તેમ કહેવું યોગ્ય નથી.

પરેલની કેઇએમ હોસ્પિટલમાં કોરોનાના ૧૬૩ મોત થયા હતા. આ હોસ્પિટલે કરેલા અભ્યાસમાં જણાયું હતું કે ૩૭ ટકા દરદીઓતો હોસ્પિટલમાં આવ્યાના ૨૪ કલાકમાં જ મરણ પામે છે. ૨૫ ટકા દરદી ૪૮ કલાક દરમિયાન મરણ પામે છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cqy2aJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments