
મુંબઇ તા.13 મે, 2020, બુધવાર
છેલ્લા એક મહિનાથી મુંબઇના જી-દક્ષિણ વોર્ડના વરલી કોલિવાડા તથા જિજામાતા નગર ઝૂંપડપટ્ટી આ મહાનગરમાં કોરોનાની સૌથી વધુ ખરાબઅસર પામેલા વિસ્તારો તરીરે સમાચારોમાં સતત ચમકતા રહ્યા છે. પરંતુ હવે સારા સમાચાર છે. અને તે એ કે મુંબઇના કોરોના વાઇરસના સૌ પ્રથમ કન્ટેનમેન્ટ ઝોનની આ ઝૂંપડપટ્ટી તથા કોલિવાડાના ૭૦ ટકા વિસ્તાર મુંબઇ મહાનગર પાલિકાએ સોમવારે અવરજવર પરના નિયંત્રણો (સીલ)માંથી મુક્ત કર્યા હતા.
કોરોના વિષાણુંઓને પાંગરવા માટે સામાન્યરીતે ૧૫ દિવસ જોઇતા હોય છે પરંતુ છેલ્લા એખ પખવાડિયાથી જિજામાતા નગર ઝૂંપડપટ્ટી તથા વરલી કોલીવાડામાંથી કોરોનાના નવા એક પણ પોઝિટિવ કેસ નહીં નોંધાતા આ બન્ને વિસ્તારોને સીલમુક્ત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ, આ બન્ને વિસ્તારોમાંથી પ્રત્યેકમાં લગભગ એકસો પોઝિટિવ કેસ કેસ નોંધાયા હતા. જી-દક્ષિણ (વરલી, પ્રભાદેવી, લોઅર પરેલ તથા મહાલક્ષ્મી) વોર્ડની સ્થિતિ લાબા સમયથી મુંબઇના ૨૪ વોર્ડ પૈકીના કોરોનાની સૌથી માઠી અસર પામેલા વોર્ડમાંના એખ તરીકેની હતી. પરંતુ હવે કોવિડની અસરની દ્રષ્ટિએ આ વોર્ડનું સ્થાન પ્રથમ નહીં પરંતુ બીજા ક્રમનું થયું છે.
ઝૂંપડપટ્ટી તથા કોલિવાડાના ૭૦ ટકા વિસ્તારના કન્ટેનમેન્ટઝોનના લેબલને અમે રદ કરીએ છીએ. પરંતુ કોલિવાડાનો બાકીનો ૩૦ ટકા વિસ્તાર સીલ કરાયેલી સ્થિતિમાં જ રહેશે. કેમ કે તે ભાગમાંથી નવા સક્રિય કેસ સતત નોંધાતા જ રહ્યા છે. એમ મદદનીશ પાલિકા કમિશનર (જી-દક્ષિણ) શરદ ઉધાડેએ કહ્યું હતું.
અમે સીલમુક્ત કર્યા હોવા છતાં બન્ને વિસ્તારોની સ્થિતિ પર બારીક નજર રાખી છે અને લોકડાઉનના નિયમોનું યોગ્યપણે પાલન કરવા તથા સોશ્યલ ડિસ્ટન્સિંગ ડાળવવા લોકોને જણાવ્યું છે. એમ તેમમે ઉમેર્યું હતું.
સોમવારની સ્થિતિ મુજબ જી-દક્ષિણ વોર્ડમાં કોવિડના ૧,૦૭૯ કેસ હતા. પણ કેસની સંખ્યા બમણી થવાનો દર (ડબલિંગ રેટ) સુધરીને ૧૯ દિવસનો થતાં આ વોર્ડ પ્રથમ ક્રમેથી બીજા ક્રમના સ્થાને પહોંચ્યો હતો. મુંબઇમાં કોરોનાના સૌથી વધુ કેસ જી-ઉત્તર (ધારાવી, માહિમ, દાદર) વોર્ડમાં છે. સોમવારની સ્થિતિ મુજબ આ વોર્ડમાં ૧,૨૩૦ કેસ હતા.
જી- દક્ષિણ વોર્ડમાં કોરોનાનો સૌ પ્રથમ કેસ ૨૧મી માર્ચે નોંધાયો હતો. અને ૨૨મી એપ્રિલ સુધીમાં તો કેસની સંખ્યા ૫૦૭ ની થઇ હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bwqYrV
via Latest Gujarati News
0 Comments