છેલ્લા દોઢ વર્ષમાં થયેલા રાઈટ ઇશ્યુનું કદ રિલાયન્સ કરતા માત્ર રૂ. 3000 કરોડ વધુ


અમદાવાદ, તા. 1 મે 2020, શુક્રવાર

મુકેશ અંબાણી હસ્તકની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રણ દાયકા પછી પ્રથમ વખત ૧:૧૫ના રેશિયામાં રાઇટ ઇશ્યુ થકી રૂ. ૫૩૦૦૦ કરોડ એકત્ર કરવાની જાહેરાત કરાઈ છે. આ રકમ છેલ્લા ૧૬ માસમાં ૧૫ કંપનીઓ દ્વારા રાઇટ ઇશ્યુ થકી એકત્ર કરાયેલ કુલ ભંડોળથી માત્ર રૂ. ૩૦૦૦ કરોડ જ ઓછી છે. તો બીજી તરફ રાઇટ ઇશ્યુ થકી હયાત શેરહોલ્ડરોને એકંદરે સરેરાશ મિશ્ર વળતર મળ્યું છે.

છેલ્લા દોઢ વર્ષમાં કંપનીઓ દ્વારા કરવામાં આવેલ રાઇટ ઇશ્યુના ડેટા પર નજર કરીએ તો, ૨૦૧૯થી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા ૧૬ માસમાં ૧૫ કંપનીઓ દ્વારા રાઇટ ઇશ્યુ થકી રૂ. ૫૬,૦૦૦ કોડ ઉભા કરાયા હતા. જો કે, મહત્ત્વની બાબત એ છે કે આ ૧૫ રાઇટ ઇશ્યુ પૈકી માત્ર છ કંપનીના શેર તેમના ઇશ્યુ પ્રાઇસથી ઉપર ટ્રેડ થઇ રહ્યા છે. આમ, રાઇટ ઇશ્યુમાં રોકાણકારોને એકંદરે મિશ્ર વળતર મળ્યું છે.

રિલાયન્સ ઇન્ડ. દ્વારા દર ૧૫ શેરની સામે એક શેર રૂ. ૧૨૭૫ના ભાવે ઓફર કરાશે. જે તા. ૩૦ એપ્રિલના બંધ બજારભાવના ૧૪ ટકા ડિસ્કાઉન્ટ દરે ઓફર કરાશે. આ રાઇટ ઇશ્યુ થકી કંપની રૂ. ૫૩,૧૨૫ કરોડ એકત્રિત કરશે. આમ, આ આંકડો છેલ્લા ૧૬ માસમાં રાઈટ ઇશ્યુથી એકત્ર થયેલ કુલ ભંડોળ કરતા થોડુંક જ ઓછું છે.

રાઇટ ઇશ્યુ થકી મળતા વળતર પર નજર કરીએ તો, છેલ્લા ૧૬ માસમાં ૧૫ કંપનીઓએ રાઇટ ઇશ્યુ કર્યા હતા. તેમાંથી છ કંપનીમાં તેમના ઇશ્યુ ભાવથી ઊંચા ભાવે ટ્રેડિંગ થાય છે. બાકી તમામમાં ડિસ્કાઉન્ટથી ટ્રેડિંગ થાય છે. આમ, રાઇટ ઇશ્યુ થકી પોઝીટીવ વળતરનું પ્રમાણ નીચું છે. ગત વર્ષે મે માસમાં ભભારતી એરટેલે રાઇટ ઇશ્યુ કર્યો હતો. આ ઇશ્યુમાં રોકાણ કરનાર રોકાણકારોના નાણાં, બમણાં થઇ ગયા છે. બીજી તરફ વોડાફોન આઇડિયા કંપનીએ રાઇટ ઇશ્યુ કર્યો હતો તે શેર તેના ઇશ્યુ ભાવથી ૬૬ ટકા ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઇ રહ્યા છે. આ બેઉ ટેલીકોમ કંપનીઓએ રાઇટ ઇશ્યુ થકી ૨૫૦૦૦ કરોડ ઉભા કરાયા હતા.

આમ, આઈપીઓ રૂટની તુલનાએ રાઇટ ઇશ્યુ રૂટ થકી મળતા વળતરનુંપ્રમાણ એકંદરે નીચું રહેવા પામ્યું છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3f6YV5g
via Latest Gujarati News

Post a Comment

0 Comments