
નવી દિલ્હી, તા. 1 મે 2020, શુક્રવાર
તા. ૩ મેના રોજ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થયા બાદ એક શહેરથી બીજા શહેરમાં જવા માટે ઉપયોગમાં લેવાતી પેસેન્જર ટ્રાન્સપોર્ટેશન સવસ એટલે કે ટ્રાવેલ બિઝનેસ હાલ તુરંત તો ચાલુ થાય તેમ જણાતું નથી. કારણ કે લોકડાઉનના અમલ સાથે જ આ બિઝનેસ પણ ઠપ થઈ ગયો છે.
કોરોના મહામારીના કારણે અમલી બનેલ લોકડાઉનના પગલે દેશમાં પેસેન્જર ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સની અંદાજે ૧૬ લાખ જેટલી બસ અને ૧૦ લાખ કારનાં પૈડાં થંભી ગયાં છે કારણ કે, તેમની પાસે ડ્રાઇવર્સ જ નથી. ઉદ્દભવેલ આ પ્રતિકૂળતાના કારણે પેસેન્જર ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સનો બિઝનેસ સંપૂર્ણપણે પડી ભાંગ્યો છે.
ટ્રાન્સપોર્ટેશન બિઝનેસ સાથે સંકળાયેલ સૂત્રોના જણાવ્યા મુજબ બસ અને કાર ટૂર સેગમેન્ટમાં અંદાજે ૩૬ લાખ ડ્રાઇવરને રોજગારી મળે છે. આ ઓપરેટર્સને હાલ લોકડાઉનના કારણે દરરોજ અંદાજે રૂ. ૧,૦૦૦ કરોડની આસપાસ ખોટ થઈ રહી છે. બીજી તરફ તેમના માથે સ્ટાફનો પગાર, વાહનોના હપ્તા, મેઇન્ટેનન્સ તેમજ રૂટિન અન્ય ખર્ચાનો પણ બોજો છે.
પેસેન્જર ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સમાં દેશભરમાં દોડતી ઇન્ટરસિટી બસ, ટૂરિસ્ટ બસ, સ્કૂલ બસ, કંપની બસ, સ્ટેજ કેરિજ, ટૂરિસ્ટ ટેક્સી અને મેક્સી કેબનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. વર્તમાન મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે તેમની સંસ્થા દ્વારા સરકાર સમક્ષ આ મુદ્દે રજુઆત કરાઈ છે. ઓપરેટરો દ્વારા ડ્રાઇવરોને માર્ચનો પગાર તો ચૂકવી દેવાયો હતો પરંતુ એપ્રિલનો પગાર ચૂકવવો તો અશક્ય બાબત છે.
ટૂર ઓપરેટર્સની સૌથી મોટી સમસ્યા ડ્રાઇવર્સની છે કારણ કે, તેમનાં લગભગ ૭૦ ટકા ડ્રાઇવર્સ એટલે કે ૨૫ લાખ ડ્રાઇવર્સ લોકડાઉનના કારણે પોતાના વતન ભેગા થઈ ગયા છે. અને હાલ તુરંત પાછા આવવાની ના પાડી દીધી છે. ઓપરેટરોની બોડી દ્વારા ફાઇનાન્સ કંપનીઓને પણ લોનના હપતા ભરવાનો મોરેટોરિયમ ત્રણ મહિનાથી વધારીને છ મહિના કરવાની રજુઆત કરાઇ છે તેમજ મોરેટોરિયમના સંપૂર્ણ સમય માટે લોનના વ્યાજમાં પણ રાહત આપવા રજુઆત કરાઈ છે. આ ઉપરાંત લોકડાઉન પછીના છ મહિના ટોલ ચાર્જ નહીં વસલૂવાની પણ અમે રજૂઆત કરી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2z6yfRt
via Latest Gujarati News
0 Comments