
મુંબઈ, તા. 1 મે 2020, શુક્રવાર
હાલની સ્થિતિ દેશના ચા ઉદ્યોગ માટે જો કે સારી નથી પરંતુ ચાના ટ્રેડરો માટે આવનારા દિવસો કદાચ લાભદાઈ નિવડવાની આશા જાગી છે. ભારતની ગ્રીન ટીસ માટે અમેરિકા ખાતેથી પૂછપરછ શરૂ થઈ છે, એમ ચાના એક સ્થાનિક નિકાસકારે જણાવ્યું હતું. જો કે આ સંદર્ભમાં હાલમાં કોઈ ચોક્કસ ધારણાં બાંધી શકાય એમ નથી.
સામાન્ય રીતે અમેરિકા તેની ગ્રીન ટીની આવશ્યકતા ચીન ખાતેથી પૂરી કરતું હોય છે. જો કે કોરોનાવાઈરસના ફેલાવાને લઈને અમેરિકા તથા ચીન વચ્ચે વાદવિવાદ ઊભા થતા અમેરિકાએ પોતાની ગ્રીન ટીની આવશ્યકતા માટે અન્યત્ર નજર દોડાવવાનું શરૂ કર્યું છે.
ભારતના ચા ઉદ્યોગના ટ્રેડરો અને નિકાસકારો આ સ્થિતિને પોતાની માટે નવી બજારને વિકસાવવાની તક તરીકે જોઈ રહ્યા છે. જો કે અમેરિકા કવોલિટીના મુદ્દે કોઈજ સમાધાન કરતું નહીં હોવાથી દેશના ચા ઉદ્યોગ માટે કવોલિટી જાળવવાનું પડકારરૂપ બની શકે છે, એટલું જ નહીં ભારતની ચા ચીન કરતા સસ્તી અને સારી હોવાનું પણ તેમણે પૂરવાર કરવાનું રહેશે.
દરમિયાન કોરોનાને કારણે પોતે નાણાંભીડનો સામનો કરી રહ્યા હોવાનો ટ્રેડરો દાવો કરી રહ્યા છે. નાણાંભીડને કારણે પેમેન્ટસ કરી શકાતા નથી. લોકડાઉન વધુ લંબાવાશે તો સ્થિતિ વણસતા વાર નહીં લાગે એમ એક ટ્રેડરે જણાવ્યું હતું. ચાના બગીચાધારકોએ ચાનું વેચાણ શરૂ કરી દીધું છે અને તેમને નાણાંની આવક પણ થઈ રહી છે ત્યારે નિકાસકારો તથા ટ્રેડરોએ નાણાંભીડનો સામનો કરવો પડી રહ્યો છે. નાણાંભીડ થોડાક દિવસ પૂરતું ખમી શકાય પરંતુ લાંબો સમય ચાલુ રહેશે તો ટકી રહેવાનું મુશકેલ બની શકે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yivwED
via Latest Gujarati News
0 Comments