વિશ્વબજારમાં સોયાતેલના ભાવ ઓવરનાઈટ ઊછળ્યા પછી શુક્રવારે સાંજે ફરી ગબડયા


મુંબઈ, તા.૧ મે 2020, શુક્રવાર

મુંબઈ તેલ-તેલીબિયાં બજાર આજે મહારાષ્ટ્ર દિન નિમિત્તે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે ખાનગીમાં વેપારો પાંખા હતા તથા ભાવમાં હવામાન સૂસ્ત રહ્યું હતું. વિશ્વબજારમાં મલેશિયા ખાતે પણ પામતેલના બજારો આજે લેબર-ડેના કારણે બંધ રહ્યા હતા, જ્યારે અમેરિકામાં શિકાગોનો તેલ વાયદો ઓવરનાઈટ ૪૫ પોઈન્ટ ઊછળ્યા પછી આજે સાંજે પ્રોજેક્શનમાં ભાવ ૩૫થી ૩૬ પોઈન્ટ માઈનસમાં રહ્યા હોવાના સમાચાર હતા.

મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના રૂ.૭૧૫થી રૂ.૭૨૦ બોલાતા હતા. સિંગતેલ, કપાસિયા તેલ, સોયાતેલ, સનફ્લાવર તેલ વિગેરે ખાદ્યતેલોના ભાવ પણ શાંત રહ્યા હતા. દરમિયાન, સૌરાષ્ટ્ર ખાતે સિંગતેલના ભાવ રૂ.૧,૨૯૦, કોટન વોશ્ડના રૂ.૭૯૦ તથા કપાસિયા તેલના રૂ.૮૩૦ રહ્યા હતા. કંડલા ખાતે સોયાતેલના ભાવ રૂ.૭૬૯ તથા સનફ્લાવરના રૂ.૮૨૫ બોલાતા હતા, જ્યારે મુંદ્રા ખાતે આરબીડીના ભાવ રૂ.૬૯૫, સોયાતેલના રૂ.૭૯૮ તથા સનફ્વારના રૂ.૮૯૫, જ્યારે હજીરા ખાતે આરબીડીના ભાવ રૂ.૭૧૦, સોયાતેલના રૂ.૮૧૦ તથા સનફ્વારના રૂ.૮૯૫ના ભાવ ૭મી મે સુધીની ડિલિવરી માટે બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, અમેરિકામાં કૃષિ બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનનો વાયદો ૧૮૦થી ૧૮૫ પોઈન્ટ ઊછળ્યો હતો, જ્યારે સોયાખોળનો વાયદો ૬૦થી ૬૫ પોઈન્ટ ઊંચકાયો હતો. ન્યૂયોર્ક કોટન વાયદો પણ પ્લસમાં રહ્યો હતો. દરમિયાન, વિશ્વબજારના જાણકારોના જણાવ્યા મુજબ યુરોપમાં સાનુકૂળ હવામાન વચ્ચે સનફ્લાવર તથા રાયડાનો પાક અને ઓસ્ટ્રેલિયામાં રાયડાનો પાક વધુ આવવાની શક્યતા બતાવાતી હતી. મલેશિયા તથા ઈન્ડોનેશિયામાં જૂન, જુલાઈમાં પામતેલનું ઉત્પાદન ઊંચું જવાની ગણતરી પણ જાણકારો બતાવી રહ્યા હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d6zaQF
via Latest Gujarati News

Post a Comment

0 Comments