
મુંબઈ, તા.1, મે, 2020, શુક્રવાર
મે મહિનાના અંત સુધી મુંબઈમાં કોવિડ-૧૯ના દરદીઓની સંખ્યા ૭૦,૦૦૦ સુધી પહોંચી જશે એવું પ્રક્ષેપણ કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલય તરફથી આવ્યા પછી બીએમસીએ આ મહામારીનો શિકાર બનનારા દરદીઓ માટે ઓક્સિજનની સુવિધા સહિતની વધારાની ૪૦૦૦ પથારીઓ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. મહાપાલિકાએ પ્રવર્તમાન રૃગ્ણાલયોમાં પથારીઓ વધારવા સાથે દરેક પથારીને ઓક્સિજનની સુવિધાથી સજ્જ કરવાનું આયોજન પણ કર્યું છે.
ગયા અઠવાડિયે યોજાયેલી બેઠક દરમિયાન બીએમસીએ બધી હોસ્પિટલોના ડીન, સુપરીટેન્ડન્ટ તેમજ સીઈઓને તેમના રૃગ્ણાલયોમાં પથારીઓની ક્ષમતા વધારવાનું સૂચન કર્યું હતું. તેથી પાલિકા સંચાલિત નાયર હોસ્પિટલમાં મે મહિનાના મધ્ય ભાગ સુધી પથારીઓની સંખ્યા ૧૦૦૦ સુધી લઈ જશે. જ્યારે મરોલ સ્થિત સેવન હિલ્સ રૃગ્ણાલયમાં આ ક્ષમતા ૧૩૦૦ સુધીની થશે. જોગેશ્વરી સ્થિત એચબીટી ટ્રોમા હોસ્પિટલમાં પણ બેડની સંખ્યા ૧૦૦ જેટલી થસે. આ સિવાય બીમસી એક્સિબિશન સેંટર્સ, ખુલ્લા મેદાનો અને શાળાઓ હસ્તગત કરશે. આ સ્થળોનો ઉપયોગ કોવિડ-૧૯ના સંપર્કમાં આવ્યાં હોય, પણ જેમનામાં આ રોગના લક્ષણો ન દેખાતા હોય એવા જોખમી દરદીઓને રાખવા માટે કરવામાં આવશે. જ્યારે ધારાવી જેવા ગીચ વિસ્તારમાં આ મહામારીનું જોખમ ઊંચુ હોવાથી અહીંથી ક્વોરન્ટીન કરવામાં આવેલા લોકોને સમાવવા માટે પથારીઓની ક્ષમતા ૫૦૦૦ સુધી લઈ જવા બીએમસી લોજો, મ્યુનિસિપલ શાળાઓ તેમજ કોલેજોની હોસ્ટેલો હસ્તગત કરશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YkMOM2
via Latest Gujarati News
0 Comments