
મુંબઈ, તા.1, મે, 2020, શુક્રવાર
કોવિદ-૧૯ની મહામારી સંબંધમાં મુંબઈમાં બે વિરોધાભાસી ચિત્ર જોવા મળી રહ્યા છે. એક તરફ, ૧૭થી ૨૭ એપ્રિલ વચ્ચે શહેરમાં કોરોનાના કેસ બમણાં થવા (ડબલિંગ રેટ)નો સમયગાળો ૮.૩થી ૧૦ દિવસ થયો છે. જ્યારે બીજી તરફ, મુંબઈમાં નવ વોર્ડ એવા છે કોવિદના કેસો ડબલ થવા માટે લાગ્યા દિવસો ઘટયા છે. આ ચોંકાવનારી બાબત છે.
દક્ષિણના મુંબઈના બે વોર્ડ- એ અને બી વોર્ડે સરેરાશ ડબલિંગ રેટ ઘટાડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. બી વોર્ડમાં પહેલા કોરોનાના કેસ ડબલ થવામાં ૫.૪ દિવસ લાગતા પરંતુ હવે એ માટે ૩૭.૬ દિવસ લાગે છે. જ્યારે એ વોર્ડમાં અગાઉ કેસ, ડબલ થવામાં ૩.૪ દિવસ લાગતા પણ હવે ૩૪.૨ દિવસ લાગે છે.
ટુંકમાં, મુંબઈમાં હવે સમગ્રતયા કેસની સંખ્યા ડબલ થવામાં બે દિવસ વધુ લાગે છે. એટલે કે કોરોનાનો ફેલાવો ધીમો પડયો છે. જ્યારે ચેમ્બુર (એમ/ વેસ્ટ વોર્ડ), તાડદેવ અને મલબાર હિલ (ડી વોર્ડ), બાન્દ્રા પૂર્વ (એચ/ ઈસ્ટ વોર્ડ), મરીનલાઈન્સ અને કાલબાદેવી (સી વોર્ડ), મુલુન્ડ (ટી વોર્ડ), શિવડી અને પરેલ (એફ/ સાઉથ વોર્ડ), માનખુર્દ (એમ/ ઈસ્ટ વોર્ડ) અને દહીંસર તથા બોરીવલીના વિસ્તારો (આર/ નોર્થ અને આર/ સેન્ટ્રલ વોર્ડ)માં પરિસ્થિતિ એનાથી બિલ્કુલ વિપરીત છે. ઉપર દર્શાવેલા તમામ ૯ વોર્ડમાં કોરોનાના કેસ ઝડપથી બમણાં થઈ રહ્યા છે. અહીં કેસ ડબલ થતાં ૦.૯ દિવસથી ૧૧.૪ દિવસ વચ્ચેનો સમય લાગે છે.
આ પૈકીના કમસેકમ ચાર વોર્ડસમાં ગીચોગીચ વસતિ ધરાવતા સ્લમ્સ અને ચાલીઓ વધુ છે. જેમકે માનખુર્દ અને ગોવંડી જ્યાં ફક્ત ૧૦ દિવસમાં ૧૧૦ કેસનો ઉમેરો થયો હતો. આટલા જ ગાળામાં બાન્દ્રા ઈસ્ટમાં ૧૫૬ કેસ, પરેલ અને શિવડીમાં ૭૬ કેસ ઉમેરાયા હતા. જ્યારે તાડદેવ અને ગિરગામમાં ૧૦ દિવસમાં ૧૨૧ અને કાલબાદેવીમાં આજ અવધિમાં ૨૧ નવા કેસ નોંધાયા હતા.
૧૭થી ૨૭ એપ્રિલ વચ્ચેના ૧૦ દિવસમાં બીએમસીએ તમામ ૨૪ વોર્ડમા ંકોવિદ-૧૯ પોઝિટીવ કેસોની વધતી સંખ્યાનું મોનિટરીંગ કર્યું હતું. એમાં એ વાતને પુષ્ટિ મળી હતી કે શહેરમાં કોરોના પોઝિટીવ કેસોનો સરેરાશ ડબલિંગ રેટ ઘટયો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fao2UP
via Latest Gujarati News
0 Comments