રિલાયન્સનો 53,125 કરોડનો ઇસ્યુ 15 શેર દીઠ એક શેર ઇસ્યુ કરાશે


- ડિજિટલ સર્વિસિઝ આવક ૩૦ ટકા વધીને રૂ.૧૮,૬૩૨ કરોડ

- રીટેલ બિઝનેસની આવક ૪.૨ ટકા વધીને રૂ.૩૮,૨૧૧ કરોડ થઈ

(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ તા. 30 એપ્રિલ 2020, ગુરૂવાર


કોરોના મહામારીની અસર અને લાઈસન્સ ફીઝની વધારાની અસાધારણ જવાબદારીના કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ૩૦,એપ્રિલ ૨૦૨૦ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિકના એનાલિસ્ટોની અપેક્ષાથી નબળા પરિણામ જાહેર કર્યા છે. કોન્સોલિડેટેડ ધોરણે કંપનીનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૂ.૧૦,૪૨૭ કરોડની તુલનાએ ૩૭.૨૨ ટકા ઘટીને રૂ.૬૫૪૬ કરોડ થયો છે. જે ત્રીજા ત્રિમાસિકના રૂ.૧૧,૮૪૧ કરોડની તુલનાએ ૪૪.૭૧ ટકા ઘટયો છે. 

અસાધારણ અન્ય જોગવાઈ પૂર્વે કંપનીનો ચોખ્ખો નફો રૂ.૧૦,૪૨૭ કરોડની તુલનાએ ૩.૭ ટકા વધીને રૂ.૧૦,૮૧૩ કરોડ થયો છે. જે ત્રીજા ત્રિમાસિકના રૂ.૧૨,૦૧૮ કરોડની તુલનાએ ૧૦ ટકા ઘટયો છે. કંપનીએ શેર દીઠ રૂ.૬.૫૦ ડિવિડન્ડ જાહેર કર્યું છે.આ સાથે કંપનીએ શેરધારકોને ૧૫ શેરો દીઠ એક શેર(૧:૧૫ રેશીયો) શેર દીઠ રૂ.૧૨૫૭ ભાવે રાઈટ ધોરણે ઈસ્યુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઈસ્યુની સાઈઝ રૂ.૫૩,૧૨૫ કરોડની થશે. કંપની એ અસાધારણ આઇટમ પેટે  ચોથા ત્રિમાસિકમા ૪૨૬૭ કરોડની જોગવાઇ કરી છે.

કંપનીની કુલ આવક ગત વર્ષના સમાનગાળાના રૂ.૧,૫૫,૧૫૧ કરોડની તુલનાએ ૨.૫ ટકા ઘટીને રૂ.૧,૫૧,૨૦૯ કરોડ થઈ છે. જે ત્રીજા ત્રિમાસિકની રૂ.૧,૬૯,૦૯૮ કરોડની તુલનાએ ૧૦.૬  ટકાનો ઘટાડો થયો છે. રીફાઈનીંગ માર્જિન બેરલ દીઠ ગત વર્ષના સમાનગાળાના ૮.૨ ડોલરની તુલનાએ આ વખતે વધીને ૮.૯ ડોલર મેળવ્યું છે. જે ત્રીજા ત્રિમાસિકમાં ૯.૨ ડોલર હાંસલ થયું હતું. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ ડી. અંબાણીએ કંપનીના પરિણામ વિશે જણાવ્યું હતું કે, ભારત અને વિશ્વ અત્યારે સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યા છે ત્યારે આ કોવિડ-૧૯ મહામારી દ્વારા સર્જાયેલા સંજોગોમાં રિલાયન્સના અસાધારણ પ્રતિસાદથી દિલથી સંતુષ્ટ છું. હું મજબૂતી સાથે માનું છું કે વિશ્વમાં માનવ જીવનના મૂલ્યથી વિેશેષ કોઈ કિમતી નથી. રિલાયન્સે રિલાયન્સ ફાઉન્ડેશન, રિલાયન્સ રીટેલ, જીયો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ પરિવારના અન્ય તમામ મેમ્બરો બન્ને કેન્દ્ર અને રાજય સરકારો તેમ જ સ્થાનિક સ્તરે થઈ રહેલા પ્રયાસોમાં સુસંકલન સાથે કામ કરી રહ્યા છે. કંપનીએ આ પડકારરૂપ સંજોગોમાં ફરી એક વખત નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ની મજબૂત કામગીરી આપી છે. 

રિલાયન્સના સંગઠિત રીટેલ બિઝનેસમાં ત્રિમાસિક આવક રૂ.૩૬,૬૬૩ કરોડની તુલનાએ ૪.૨ ટકા વધીને રૂ.૩૮,૨૧૧ કરોડ થઈ છે. ઈબીટા ૪.૭ ટકા વધીને રૂ.૨૦૬૨ કરોડ મેળવ્યો છે. ડિજીટલ સર્વિસિઝ બિઝનેસમાં કંપનીની આવક રૂ.૧૪,૩૨૮ કરોડની તુલનાએ ૩૦ ટકા વધીને રૂ.૧૮,૬૩૨ કરોડ થઈ છે. જેમાં ઈબીટા રૂ.૨૬૬૫ કરોડથી ૫૪ ટકા વધીને રૂ.૪૧૦૪ કરોડ હાંસલ થયો છે. સબસ્ક્રાઈબરોની સંખ્યા ૩૦.૬૭ કરોડ થી વધીને ૩૮.૭૫ કરોડ થઈ છે. રીફાઈનીંગ-માર્કેટીંગ બિઝનેસની આવક રૂ.૮૭,૮૪૪ કરોડની તુલનાએ ૩.૪ ટકા ઘટીને રૂ.૮૪,૮૫૪ કરોડ થઈ છે. પેટ્રોકેમિકલ્સ બિઝનેસની ત્રિમાસિક આવક રૂ.૪૨,૪૧૪ કરોડની તુલનાએ ૨૪.૧ ટકા ઘટીને રૂ.૩૨,૨૦૬ કરોડ થઈ છે. ઈબીટા રૂ.૭૯૬૧ કરોડની તુલનાએ ૪૨.૮ ટકા ઘટીને રૂ.૪૫૫૩ કરોડ મેળવ્યો છે. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સંપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નો કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો અસાધારણ અન્ય જોગવાઈ પૂર્વે રૂ.૩૯,૮૩૭ કરોડની તુલનાએ ૧૧.૩ ટકા વધીને રૂ.૪૪,૩૨૪ કરોડ અને જોગવાઈ બાદ રૂ.૩૯,૮૩૭ કરોડની તુલનાએ ૦.૧ ટકા વધીને રૂ.૩૯,૮૮૦ કરોડ થયો છે. જ્યારે કુલ આવક રૂ.૬,૨૫,૨૧૨ કરોડની તુલનાએ ૫.૪ ટકા વધીને રૂ.૬,૫૯,૨૦૫ કરોડ હાંસલ કરી છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3f4Qes5
via Latest Gujarati News

Post a Comment

0 Comments