
મુંબઇ, તા. 16 મે, 2020, શનિવાર
મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સતત વધતી જતી સંખ્યાને કારણે સર્જાયેલી બેડની તંગી નિવારવા માટે રાજ્ય સરકારે વિવિધ પગલાં ભરવા માંડયા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ બાન્દ્રામાં કેબીસી ખાતે આવેલાં આઇસોલેશન કેન્દ્રની મુલાકાત લઇ જણાવ્યું હતું કે હાલ રાજ્યના આરોગ્ય તંત્રમાં ખાલી પડેલી ૩૦૦૦૦ જગ્યાઓને મહિનામાં તાબડતોબ ધોરણે ભરવામાં આવશે. આ જગ્યાઓ ભરવા માટે કોઇ પરીક્ષા લેવામાં નહીં આવે અને ઉમેદવાર પાસે તેણે પાસ કરેલી પરીક્ષાના પ્રમાણપત્રને આધારે જ તેની નિમણૂંક કરવામાં આવશે.
મુંબઇમાં સતત કોરોનાનું સંક્રમણ ધરાવતાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાથી હાલ મુંબઇમાં બેડની તંગી સર્જાઇ છે. બેડની તંગીને પહોંચી વળવા માટે ટૂંક સમયમાં રાજ્યની ખાનગી હોસ્પિટલો અને નસગ હોમમાં ૬૦ ટકા બેડ કોવિડ-૧૯ના દર્દીઓ માટે રિઝર્વ રાખવાનો આદેશ આપવા માટે સરકાર વિચારણા કરી હોવાનું આરોગ્ય પ્રધાન ટોપેએ જણાવ્યું હતું.
૬ મેથી મહારાષ્ટ્રમાં સરેરાશ રોજ ૧૦૦૦ કરતાં વધારે કોરોનાના દર્દીઓનો ઉમેરો થઇ રહ્યો છે. ગુરૃવારે એક જ દિવસે ૧૬૦૦ કરતાં વધારે દર્દીઓ નોંધાતા સરકારી તંત્રમાં હોબાળો મચી ગયો હતો. મુંબઇમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૮ હજારને આંબવાની તૈયારીમાં છે. ટોપેએ જણાવ્યું હતું કે જુન મહિનામાં કોરોનાના કેસોની સંખ્યા મહત્તમ સ્તરે પહોંચશે તેમ નિષ્ણાતોએ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે જો કે કેસો વધવાની મોટાભાગની આગાહીઓ અત્યાર સુધી સાચી પડી નથી. પરંતુ ગાણિતિક મોડેલના આધારે કરવામાં આવેલી આગાહી અનુસાર જુન મહિનામાં મુંબઇમાં કોરોનાના કેસોની સંખ્યાનો આંકડો ચાર ગણો વધીને ૬૦૦૦૦ થઇ જવાની ધારણા છે. અમે હાલ આ પરિસ્થિતિ નિવારવાના પ્રયાસો કરી રહ્યા છીએ. હાલ આપણે અત્યંત ખરાબ પરિસ્થિતિ માટે સુસજ્જ થવાની જરૃર છે અને સારું થાય તેવી આશા રાખવાની છે.
રાજ્યના અન્ય રેડ ઝોનની। સરખામણીમાં મુંબઇમાં કોવિડ-૧૯ના દર્દીઓ માટે અલગ હોસ્પિટલની સુવિધા ન હોવાથી બેડની તંગી અનુભવાઇ રહી છે. આઇસીયુ બેડની પણ તંગી અનુભવાઇ રહી હોવાનું ઉમેરી તેમણે જણાવ્યું હતું કે મેં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મુંબઇની તમામ ખાનગી હોસ્પિટલો અને નસગ હોમ્સમાં ૬૦થી ૮૦ ટકા બેડ કોવિડ-૧૯ના દર્દીઓ માટે રિઝર્વ રાખવા માટે જણાવતો આદેશ બહાર પાડવાની વિનંતી કરી છે.
શહેરની મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં હાલ બેડ ખાલી પડયા છે. હાલ ખાનગી હોસ્પિટલોમાં ૨૫ ટકા બેડ પણ ભરાયેલાં નથી. આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે આવા કપરાં સમયમાં ખાનગી હોસ્પિટલો મદદે નહીં આવે તો ક્યારે આવશે. અમે તેમને જમીનો આપી છે અને આ હોસ્પિટલો સખાવતી ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. જો આ ખાનગી હોસ્પિટલો આદેશનું પાલન કરવાની ના પાડશે તો તેમની સામે વિવિધ કાયદાઓ હેઠળ પગલાં ભરવા માટે પણ સરકાર કૃતનિશ્ચયી છે. એક જાણીતી હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર બેડ રિઝર્વ રાખવાનો આદેશ આપે તો તેમના માટે વર્તતેમાન સંજોગોમાં તેનું પાલન કર્યા વિના છૂટકો નથી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dSIYy9
via Latest Gujarati News
0 Comments