મુંબઇમાં પેટ્રોલ 76.31 રૂપિયા અને ડિઝલ 66.21 રૂપિયા પ્રતિ લીટર


મુંબઈ, તા. 06 મે 2020, બુધવાર

દેશભરમાં કોરોના વાઇરસના રોગચાળાએ રૌદ્રસ્વરૂપ ધારણ કરતાં તેને નાથવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન લાદતાં ઉદ્યોગ ધંધાઓ ઠપ થઇ ગયા છે. પરિણામે દેશની અર્થવ્યવસ્થા પર ભારે અસર પડી છે. આ અર્થવ્યવસ્થાને ધીમે ધીમે પાટા ઉપર લાવવા અને આવક રળવા માટે કેન્દ્ર સરકારે પેટ્રોલ ઉપર ૧૦ રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલ ઉપર ૧૩ રૂપિયા પ્રતિ લીટર એકસાઇઝ ડયુટી આજથી અમલમાં મૂકાયો છે. આથી મુંબઇમાં પેટ્રોલની કિંમત ૭૬.૩૧ રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલની કિંમત ૬૬.૨૧ રૂપિયા પ્રતિ લીટર થઇ હતી. આથી મોંઘવારી વધશે. અને આવા સમયમાં લોકોના ખિસ્સા પર બોજા વધશે.

ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડિઝલના દર ઉપર લાદેલા અધધધ એકસાઇઝ ડયુટી પર મહારાષ્ટ્રમાં ભાજપના એક પણ નેતા વિરોધ દર્શાવવાથી તો ઠીક પણ ચૂપકીદી સેવી છે. આના પર નિવેદન આપવાનું ટાળ્યું હતું. કારણ કે કેન્દ્ર સરકાર ભાજપની છે.

જ્યારે મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારમાં શિવસેના, કોંગ્રેસ તથા એન.સી.પી.એ પણ કોઇ તીવ્ર પ્રતિક્રિયા આપી નથી. કારણ કે ૨૧મેના રોજ વિધાન પરિષદની ચૂંટણી હેમખેમ પારપાડવી હોવાના કારણે ચૂપકીદી સેવતા હોવાનું  રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.

કોરાના વાઇરસના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઇલની  કિંમતમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. એક મહિનામાં ક્રુડ ઓઇલ ૮૫ ટકા સુધી સસ્તુ થઇ ગયું છે. કારણ કે ક્રુડ ઓઇલની કિંમત ૬૫ ડોલર પ્રતિ બેરલ ઘટીને ૧૦ ડોલર પ્રતિબેરલ પર આવ્યું ગયું છે. જોકે લીટરમાં બદલીએ તો તે પાણી કરતાં સસ્તુ છે. છતાં પણ ભારત સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવ સ્થિર રાખયા હતા. હવે હદ કરીને એકસાઇઝ ડયુટી અધધધ નાંખીને પેટ્રોલ-ડિઝલ વધુ મોંઘુ કરી દીધું છે.

પેટ્રોલ ડિઝલના ભાવ વધતાં  તમામ ક્ષેત્રે મોંઘવારી વધશે. ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર, પ્લાસ્ટિક ઉદ્યોગ સહિત પેટ્રોલ-ડિઝલમાંથી  ઉત્પાદન કરતાં અન્ય ચીજવસ્તુઓ મોંધી થશે. પરિણામે લોકોના ખિસ્સા પર બોજો વધશે.

અત્યારે ઉદ્યોગ ધંધા ઠપ છે. લોકોની નોકરીઓ પર જોખમ મંડરાઇ રહ્યું છે. બેરોજગારી વધશે, આ વચ્ચે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો કરતાં ભારત સરકાર દેશ જનતાની કરોડરજુજુ પર ફટકો મારી રહી છે. એું નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YE2Sse
via Latest Gujarati News

Post a Comment

0 Comments