વાઈરસનો ડર રાખ્યા વિના મુંબઈમાં ઠેરઠેર દારૂની દુકાનો બહાર લાંબી કતારો લાગી


મુંબઈ,તા. 5 મે 2020, મંગળવાર

 લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થતાંની સાથે જ દારૂની દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવતાં આજે સતત બીજે દિવસે મુંબઈમાં વાઈન શોપની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. કેટલેક ઠેકાણે સોશિયલ ડિસ્ટંસિંગનો ભંગ કરવામાં આવતાં પોલીસે બળપ્રયોગ પણ કરવો પડયો હતો. 

સામાન્ય રીતે રેશનિંગની દુકાનોની બહાર અનાજ ખરીદવા લાઈન લાગેલી જોવા મળતી હોય છે એવી લાઈન છેલ્લાં બે દિવસથી દારૂની દુકાનોની બહાર દેખાઈ રહી છે. દુકાનોની બહાર ગ્રાહક ચોક્કસ અંતર જાળવીને ઊભા રહે તે માટે કુંડાળા કે ચોકઠાની નિશાની કરવામાં આવી છે. એક દુકાનની બહાર એક સાથે પાંચ જ ગ્રાહકને ઊભા રહેવાની છૂટ છે. છતાં આ નિયમનો છડેચોક ભંગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

પિંપરી-ચિંચવડમાં પોલીસનો બળપ્રયોગ

 પુણે પાસેના પિંપરી-ચિંચવડમાં આજે સવારથી જ વાઈન શોપની બહાર પ્રચંડ ભીડ ઉમટી હતી. દોઢ મહિના સુધી દારૂ વગર માંડ માંડ ખેંચી કાઢનારા અનેક શરાબના તલબગારોએ આજે વહેલી સવારથી ધસારો કર્યો હતો. આથી પોલીસે બળપ્રયોગ કરવો પડયો હતો.

મુંબઈમાં પહેલે દિવસે ૭૦ કરોડનો દારૂ વેંચાયો

 મુંબઈમાં વાઈનશોપ ખોલવાની સોમવારથી છૂટ અપાયા પછી પહેલે જ દિવસે લગભગ ૭૦ કરોડ રૂપિયાના દારૂનું વેચાણ થયું હોવાની માહિતી સત્તાવાર સૂત્રોએ આપી હતી. ગઈ કાલે ત્રણ-ચાર કલાક ખુલ્લી રહેલી દુકાનોમાંથી ભારે પ્રમાણમાં વેચાણ થયું હતું.  



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wx3QUt
via Latest Gujarati News

Post a Comment

0 Comments