
મુંબઈ, તા. 2 મે 2020, શનિવાર
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ સોવેરિન ગોલ્ડ બોન્ડના ભરણાંમાં સરકારે રૂપિયા ૮૨૨ કરોડની કિંમતના સોવેરિન ગોલ્ડ બોન્ડસનું વેચાણ કર્યું છે. સરકારે જ્યારથી આ સ્કીમ બહાર પાડી છે ત્યારપછી આ ત્રીજી મોટી રકમ છે. સપ્ટેમ્બર ૨૦૧૬ બાદ આ સૌથી મોટી રકમ છે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ગોલ્ડ બોન્ડ સાથે સંકળાયેલ ગોલ્ડની ક્વોન્ટિટી પણ ૧.૭૭ ટન્સ સાથે જુલાઈ ૨૦૧૭ બાદ સૌથી વધુ રહી છે. લોકડાઉન દરમિયાન રોકાણકારો ફિઝિકલ ગોલ્ડની ખરીદી કરી શકતા નહીં હોવાથી ગોલ્ડ બોન્ડ તરફ આકર્ષણ વધ્યું હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત ગોલ્ડ બોન્ડના ભરણું બંધ થવાની તારીખ અક્ષય તૃતિયાની તારીખના બે દિવસ પહેલાની હતી.
સોવેરિન ગોલ્ડ બોન્ડ સ્કીમની વર્તમાન નાણાં વર્ષની પ્રથમ શ્રેણી માટે પ્રતિ ગ્રામ રૂપિયા ૪૬૩૯નો ભાવ નિશ્ચિત કરાયો હતો. દેશમાં સોનાની ફિઝિકલ માગ ઘટાડવાના હેતુ સાથે સરકારે ૨૦૧૫થી આ સ્કીમ જારી કરવાનું ચાલુ કર્યું છે. આ સ્કીમમાં નાણાં રોકનારાને તેમના રોકાણ પર વાષક અઢી ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે અને મુદતના અંતે તે વેળાએ પ્રવર્તતા ગોલ્ડના ભાવ પ્રમાણે રિડમ્પશન થઈ શકે છે.
પાકતી મુદતે સરકાર રોકાણકારને બોન્ડસની સામે રોકડ નાણાંની ચૂકવણી કરે છે. સરકાર વતિ આ બોન્ડસ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવે છે.ફિઝિકલ ગોલ્ડના વિકલ્પ તરીકે સોવેરિન ગોલ્ડ બોન્ડ ઉપરાંત ગોલ્ડ એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફ) પણ ગોલ્ડ ખરીદીનું એક સાધન છે, પરંતુ તેમાં ખાસ આકર્ષણ જોવા મળતું નથી. માર્ચમાં ગોલ્ડ ઈટીએફમાં રૂપિયા ૧૯૪ કરોડનો નવો ઈન્ફલોઝ જોવા મળ્યો હતો.
૨૦૧૯ના અક્ષય તૃતિયાના દિને ૩૦ ટનથી વધુ ગોલ્ડનું વેચાણ થયાના અહેવાલો હતા જ્યારે આ વર્ષે આમાંથી માત્ર ૧૦ ટકા જેટલું જ ગોલ્ડ વેચાયું હોવાનું બજારના સુત્રો જણાવી રહ્યા છે. લોકડાઉનને કારણે આ વર્ષે ગોલ્ડની અખાત્રીજ ઉપરાંત લગ્નસરાની માગ પણ ધોવાઈ ગઈ છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Sqs9SU
via Latest Gujarati News
0 Comments