
લખનઉ, તા. 2 મે 2020, શનિવાર
કોરોનાવાઈરસના ફેલાવાને કારણે ચીનમાંથી પોતાના ઈન્વેસ્ટમેન્ટ પાછા ખેંચવાની શકયતા તપાસી રહેલી કોરિઆની કંપનીઓએ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં રોકાણ કરવા રસ બતાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. કોરિઆ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ ઉત્તર પ્રદેશની સરકાર સમક્ષ આ રજુઆત કરી હોવાનું સુત્રોએ ઉત્તર પ્રદેશના માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝ ખાતાના એક સચિવને ટાંકીને સુત્રોએ જણાવ્યું હતું.
ચીનમાંથી રોકાણ પાછા ખેંચી લેવા માગતી કોરિઆની ઈલેકટ્રોનિકસ ક્ષેત્રની કંપનીઓ ઉત્તર પ્રદેશમાં ઉત્પાદન શરૂ કરવા માગે છે. કોરિઆના રોકાણકારોને ઉત્તર પ્રદેશ સરકાર પ્લાન્ટસ સ્થાપવા દરેક ટેકા પૂરા પાડશે એવી માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝ ખાતા તરફથી ખાતરી ઉચ્ચારવામાં આવી છે. પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજિત એક વીડિયો કોન્ફરન્સિંગ વેળાએ આ ખાતરી આપવામાં આવી હતી.
કોરિઆ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એ કોરિઆની એક સૌથી મોટી વેપાર સંસ્થા છે. કોરિઆના ૭૩ પ્રાદેશિક વેપાર સંગઠનો તેના સભ્યો છે અને વિવિધ ક્ષેત્રોની મળીને ૧૮૦૦૦૦ જેટલી કંપનીઓ આ ચેમ્બર સાથે જોડાયેલી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીએ રાજ્યના અધિકારીઓને ચીનમાં હાલમાં કાર્યરત વિદેશી કંપનીઓ સાથે ચર્ચા કરવા તથા તેમને ઉત્તર પ્રદેશમાં ઈન્વેસ્ટમેન્ટ માટે આકષત કરવા આવશ્યક યોજના તૈયાર કરવા સૂચના આપી છે.
આ સૂચનાના ભાગરૂપ ઉત્તર પ્રદેશ સરકારના અધિકારીઓએ જાપાન, દક્ષિણ કોરિઆ, અમેરિકા વગેરે દેશોની કંપનીઓ જે અન્ય દેશોમાં ખાસ કરીને ચીનમાં પોતાના પ્લાન્ટસ ધરાવે છે તેમને ઓળખી કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશના દરેક રાજ્યોના મુખ્ય પ્રધાનો આ સંદર્ભમાં કામગીરી કરવા સૂચન કર્યું છે. ચીન પ્રત્યેની વિશ્વની હાલની નારાજગીને ભારતે એક તક તરીકે લેવી જોઈએ એમ વડા પ્રધાન માની રહ્યા છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fcOwVz
via Latest Gujarati News
0 Comments