
- લોકડાઉનને કારણે ડિમાન્ડ ઘટી જતા સ્થાનિક વપરાશમાં દસ લાખ ટનનો ઘટાડો થવા સંભવ
ઘણાં લાંબા સમયથી સપ્લાય પ્રેશર તળે દબાયેલી રહેલી ખાંડ બજારમાં જાન્યુઆરી- ૨૦માં ભારતે મલયેશિયાનું નાક દબાવતા અને તેણે ભારતીય ખાંડની આયાત વધારતા, સ્થાનિક મિલોમાં માલ- બોજો હળવો થવાની ધરપત વ્યક્ત કરાતી હતી. તે અગાઉ ૨૦૧૮-૨૦૧૯ની આખી સિઝન ખાંડ માટે બહુ પ્રોત્સાહિત નહોતી રહી અને ભાવ એકંદરે દબાયેલા રહ્યા હતા, વધઘટ અત્યંત સિમીત રહી હતી. પરિણામે ૨૦૧૯-૨૦૨૦ની સિઝનનો પ્રારંભ ૧૪૫ લાખ ટનના જંગી ઉઘડતા સ્ટોક સાથે થયો હતો. અત્યારે હવે જ્યારે ચાલુ વર્ષની પિલાણ સિઝન પુરી થવાને આરે છે, અને ઉત્પાદન અગાઉની ધારણા કરતા ઓછું અંજાય છે. તો પણ બજારમાં જાણે પગ નથી એવો વસવસો વ્યક્ત કરાઈ રહ્યો છે.
બોમ્બે સુગર મર્ચન્ટસ એસોસીએશનના પ્રવકતા મુકેશ કુવાડિયાએ જણાવ્યું હતું કે મિલો પાસે પુષ્કળ જથ્થો હોવાથી બજારમાં સપ્લાય ઘણી છે. કોરોનાના પ્રકોપને લીધે લોકડાઉનની સ્થિતિ દેશમાં હોવાથી બલ્ક વપરાશી માગમાગ સાવ અટકી પડી છે. બલ્ક વપરાશ કાર ઉદ્યોગોના ભૂંગળા બંધ છે. એટલે માત્ર ને માત્ર ઘરગથ્થુ વપરાશી માગ ઉપર બધો મદાર રહ્યો છે. બીજી બાજુ મિલોને નુકસાન ન જાય એ માટે સરકારે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૩૧૦૦ લઘુત્તમ વેચાણ ભાવ નિશ્ચિત કર્યા છે જેથી મિલો એનાથી નીચે વેચી શકતી નથી. આમ વાશી બજાર વર્તમાન રૂ.૩૩૦૦થી રૂ.૩૬૦૦ના ભાવે અથડાયેલી રહે એવી સંભાવના વધુ છે.
ઈન્ડિયન સુગર મિલ્સ એસોસીએશન (ઈસ્મા)ના તાજા આંકડા અનુસાર ૧૫ એપ્રિલ- ૨૦૨૦ સુધીમાં દેશમાં ૧૩૯ મિલોએ (ગયા વર્ષે ૧૭૨ મિલોએ) શેરડીના પિલાણ થકી ૨૪૭.૮૦ લાખ ટન (ગયા વર્ષે ૩૧૧.૭૫ લાખ ટન) ખાંડનું ઉત્પાદન કર્યું હતું. તેમાં ઉત્તર પ્રદેશમાં ૧૦૮.૨૦ (૧૦૫.૫૦) મહારાષ્ટ્રમાં ૬૦.૧૦ (૧૦૬.૭૦), કર્ણાટકમાં ૩૩.૮૦ (૪૩.૨૦), તામિલનાડુમાં ૪.૯૫ (૬.૮૫) લાખ ટન અને દેશના અન્ય રાજ્યોમાં કુલ ૩૧.૮૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. સામે સ્થાનિક વપરાશ અગાઉ ૨૬૫/૨૭૦ લાખ ટન વ્યક્ત કરાતો હતો તે હવે ડિમાન્ડ ઘટી જતા ૨૪૫/૨૫૦ લાખ ટન રહેવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.
કૃષિબજાર વિશ્લેષક ચંદ્રકાત જાનીએ જણાવ્યું હતું કે ખાંડના સરપ્લસ જથ્થાના નિકાલનો વિકલ્પ સ્થાનિક માગ ઉપરાંત નિકાસ હોવાથી એ દીશામાં ભારત તકની રાહ જોતું રહ્યું. જાન્યુઆરી- ૨૦માં મલયેશિયાએ ભારતની નિતીઓની ટીકા કરતા, મોદી સરકારે ત્વરિત પગલાં લઈને તેઓની પામઓઈલની ભારત ખાતે થતી નિકાસ ઉપર અંકુશો લાદી દેતા અને બારગેઈનમાં ભારતીય ખાંડની આયાત કરવા માટે નાક દબાવતા છેવટે મલયેશિયાએ નમતું જોખ્યું હતું અને ભારત ખાતેથી ખાંડની આયાત વધારી હતી. તેણે માર્ચ- ૨૦ સુધીમાં ૩.૨૪ લાખથી ખાંડ આયાત કરી હતી જે પાછલા વર્ષે ૧.૧૦ લાખ ટન રહી હતી.
આમ ત્રણ ગણો વધારો જોવાયો હતો. એવી જ રીતે તાંઝાનિયા પણ સ્થાનિક માગ સંતોષવા ૪૦,૦૦૦ ટન કે તેથી વધુ ખાંડ આયાત કરે એવી સંભાવના છે. ઉપરાંત ઈન્ડોનેશિયાએ પણ પ્રાથમિકતાને ધોરણે ઓછું ડયુટીએ ભારતીય ખાંડની આયાત માટે રસ્તો મોકળો કર્યો છે. ઉપરાંત ભારત સરકારે ટેરિફ રેટ ક્વોટા (ટીઆરકયુ) હેઠળ અમેરિકા ખાતે ૭૪૫ ટન વધુ કાચી ખાંડના નિકાસ છૂટ આપતા કુલ નિકાસ જથ્થો ૯૧૬૯ ટન થયો છે. તેમાં ભારતીય રૂપિયાની નબળાઈ (હાલમાં ડોલર દીઠ રૂ.૭૬થી વધુ) સારો ટેકો પૂરો પાડે છે પણ કોરોનાને કારણે પ્રતિબંધિત અને અત્યંત સિમિત થઈ ગયેલા વૈશ્વિક અને સ્થાનિક વેપારમાં ઉત્સાહનો સંચાર થતો દેખાતો નથી. કેલેન્ડર વર્ષ ૨૦૨૦ના આરંભમાં એવું ચિત્ર નિર્માણ થયું હતું કે ભારત ૫૦થી ૬૦ લાખ ટન ખાંડ આરામથી નિકાસ કરી શકશે પણ હવે ચિત્ર થોડું ધુંધવાયું છે. અત્યાર સુધીમાં ભારત ૩૮ લાખ ટનના નિકાસ સોદામાંથી ૩૨ લાખ ટન ખાંડનું શીપમેન્ટ કરી ચૂક્યું હોવાનો અંદાજ છે.
કેર રેટિંગના રિપોર્ટ મુજબ વેપાર અને પરિવહનના અનેક પ્રકારના પ્રતિબંધોને કારણે ખાંડનો નિકાલ અટકી પડયો છે. મિલોમાં ઈનવેન્ટરી વધી છે,
માગ નોંધપાત્ર ઘટી ગઈ છે. પરિણામે મિલો નાણાકીય કટોકટીમાં અટવાઈ રહી છે. સ્થાનિક વપરાશ અગાઉની ધારણા કરતા ૧૦ લાખ ટન ઓછો રહેવાની શક્યતા છે.
વિશ્લેષક ચંદ્રકાંત જાનીએ કહ્યું હતું કે લોકડાઉનની સ્થિતિ હળવી થતાં જ સ્થાનિક માંગમાં ધીમો સુધારો જોવા મળશે પણ નિકાસ બાબતે, મુખ્ય નિકાસકાર દેશો થાઈલેન્ડમાં ઉત્પાદનમાં ૬૫ લાખ ટનથી, વધુનો ઘટાડો અને બ્રાઝિલમાં ક્રુડ ઓઈલના ભાવ સાવ તળીયે જતાં બાયોફયુલમાં શેરોનો વપરાશ ન વળતા ખાંડ ઉત્પાદન તરફ વળે એવી પરસ્પર વિરોધી ફેકટર્સ ઉપસ્થિત થતા ઈન્ટરનેશનલ પ્રાઈસમાં અચાનક ઉછાળો આવી જાય એવી શક્યતા ઓછી છે.
બોમ્બે સુગર મર્ચન્ટસ એસો.ના મુકેશ કુવાડિયાએ જણાવ્યું હતું કે સરકારે મે- ૨૦૨૦ માટે ૧૭ લાખ ટનનો જથ્થો મિલોને ફાળવ્યો છે. જે એપ્રિલ ૨૦ માટે ૧૮ લાખ ટનનો હતો. જાન્યુઆરીથી માર્ચ ૨૦ના પ્રથમ ત્રણ માસમાં કુલ ક્વોટાં ૬૩ લાખ ટનનો હતો. ગયા મહિને ન વેચાયેલો જથ્થો આ મહિને કેરી ફોરવર્ડ થયો છે. આમ સ્થાનિક બજારમાં 'ખાંડ' લબાલબ ભરેલી છે. ખાંડના કુલ વપરાશમાં ૬૦ ટકા હિસ્સો ધરાવતાં બલ્ક વપરાશકારોની માગ ઠપ્પ હોવાથી તેજી ફાટી નીકળે એવી શક્યતા નહિવત છે. બલ્ક વપરાશકારોની સામાન્યત ૧૦થી ૧૫ લાખ ટનની ભરેલી રહેતી પાઈપ લાઈન હાલમાં ખાલી થઈ ગઈ હોવાથી તેઓની માંગનો નજીવો ટેકો બજારને ઉપાડ રૂપે જોવા મળી શકે પણ ભાવ તો અથડાયેલા જ રહે એવી શક્યતા છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2z79DZa
via Latest Gujarati News
0 Comments