
મુંબઈ,તા.2 મે, 2020, શનિવાર
મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)માં કોરોનાના કેસ વધવા માંડતા વેપારીઓ સહિત કામગારોમાં પણ ભયનું વાતાવરણ ફેલાયું છે. તેનું પરિણામ વેપાર પર દેખાવા લાગ્યું છે. શનિવારે શાકભાજી માર્કેટમાં માત્ર ૪૦ વાહનોની જ આવક થઈ છે.
મુંબઈ તેમજ નવી મુંબઈનો જીવનાવશ્યક વસ્તુનો પુરવઠો યથાવત્ રહે તે માટે સરકારે એપીએમસીની તમામ પાંચેય માર્કેટ ચાલું રખાવી છે. પરંતુ ગત અમિક દિવસોથી માર્કેટમાં કોરોનાના કિસ્સા વધી રહ્યા છે. પહેલી મે સુધીમાં પાંચેય માર્કેટના મળી કુલ ૨૬ પોઝિટિવ દર્દી મળ્યાં છે. માર્કેટના દર્દીના સંપર્કમાં આવતાં દસ જણને કોરોનાનો સંસર્ગ થયો હોઈ એપીએમસી બહારના ફળવિક્રેતાને પણ સંસર્ગ થયાનું સામે આવ્યું છે. આથી વેપારી તેમજ માથાડી કામગારોમાં ભયનું વાતવરણ નિર્માણ થયું છે. શાકભાજી માર્કેટની બે દિવસથી આવક ઘટી છે. શુક્રવારે ૯૫ ટ્રક-ટેમ્પોથી શાકભાજીની આવક થઈ હતી તો શનિવારે માત્ર ૪૦ વાહનોની જ આવક થઈ છે. કાંદા બટાટા અને મસાલાની આવક પ્રત્યેકે ૬૮ વાહનમાં તો ફળ લઈને ૩૨૬ અને ધાન્ય લઈને ૩૦૦ વાહન દાખલ થયા છે. સુરક્ષા માટે ઘરમાં જ રહેવાનું આવાહન વેપારી સંગઠને આ પહેલાં પણ કર્યું છે. આથી અનેક લોકોએ વ્યવસાય બંધ રાખ્યો છે
ફળ તેમજ ધાન્ય માર્કેટમાં આવક સંતોષકારક છે. પરંતુ મસાલા તેમજ કાંદા-બટાટા માર્કેટમાં આવક ઘટી છે. એપીએમસીના દર્દીઓની સંખ્યા વધતી રહી તો આવક વધુ ઘટવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35oBbFr
via Latest Gujarati News
0 Comments