
મુંબઇ, તા. 2, મે, 2020, શનિવાર
કોરોનાનો ઉપદ્રવ ફાટી નીકળવા સાથે હોસ્પિટલોની મોટી ચેઇન્સથી માંડીને નાના સ્તરના નર્સિંગ હોમની સ્થિતિ કફોડી થઇ ગઇ છે. એક તરફ તેમની આવકમાં ૭૦થી ૮૦ ટકાનો ઘટાડો થયો છે ત્યારે બીજી તરફ હોસ્પિટલોએ તેમના કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહન, પીપીઇ (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ), આવવા જવા વાહન વ્યવસ્થા તથા જરૃર પડયે રહેવાની વ્યવસ્થા પૂરી પાડવા સાથે તેમના રોજબરોજના ખર્ચા વધ્યા છે.
મુંબઇના ખારની હિન્દુજા હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડો. અવિનાશ સુપેએ કહ્યું હતું કે અમારી હોસ્પિટલની ૮૦ ટકા આવક પસંદગીની સર્જરીથી થતી હતી. પરંતુ કોસ્મેટિક પ્રોસીજર જોઇન્ટ રીપ્લેસમેન્ટ જેવી પસંદગીની સર્જરી કરવાનું સંપૂર્ણપણે બંધ હોવા સાથે માત્ર ૨૦ ટકા દરદીઓ જ સારવારમાં છે. હાલમાં અમે માત્ર કેન્સર અને ફ્રેક્ચરના દરદીઓની જ સારવાર કરીએ છીએ. ઓપીડીના દરદીઓની સંખ્યા પણ ઘટી છે.
બીજી તરફ, પીપીઇ, આરોગ્યકર્મીઓ માટે વાહન તથા રહેવાની વ્યવસ્થાને કારણે હોસ્પિટલના ખર્ચમાં દસ ટકાનો વધારો થયો છે. એમ તેમણે ઉમેર્યું હતું.
માત્ર કોવિડની સારવાર માટે હોસ્પિટલ ચલાવવી અત્યંત ખર્ચાળ છે. અમારા આરોગ્યકર્મીઓને કોરોનાનો ચેપ લાગે નહી તે માટે તેમના રક્ષણ માટેની ચીજવસ્તુઓ તથા તેમના ટેસ્ટ માટેના ખર્ચને કારણે સામાન્ય હોસ્પિટલની તુલનાએ કોવિડ હોસ્પિટલનો ખર્ચ ત્રણ ગણો વધી જાય છે એમ મોક્સ હેલ્થકેરના ચેરમેન તથા રેડિઅન્ટ લાઇફકેરના સીએમડી અભય સોઇએ કહ્યું હતું.
આરોગ્યકર્મીઓના કોરોના ટેસ્ટનો ખર્ચ કેટલો આવે તે જાણવા માટે દક્ષિણ મુંબઇની ભાટિયા હોસ્પિટલનં દ્રષ્ટાંત પૂરતું છે. આ હોસ્પિટલના ૫૧ આરોગ્યકર્મીઓના કોરોના ટેસ્ટ માટે રૃ. ૩૨ લાખ ખર્ચ્યા હતા. તેના મેડિકલ ડિરેક્ટર આર.બી. દસ્તુરે કહ્યું હતું કે વાત માત્ર આટલેથી અટકતી નથી, સ્વાસ્થ્યકર્મીઓના આ ટેસ્ટ રાબેતા મુજબ વારંવાર કરાતા જશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YrpIU3
via Latest Gujarati News
0 Comments