બિનકોવિડ બિમારીઓના દરદીઓ માટે આશીર્વાદ બનેલી પાલિકાની હેલ્પલાઇન



મુંબઇ, તા.30 એપ્રિલ, 2020, ગુરુવાર

કોરોનાના રોગચાળા વચ્ચે મુંબઇ મહાનગર પાલિકાએ બિનકોરોનાવાઇરસ બિમારીઓથી પીડાતા નાગરિકો માટે એક હેલ્પલાઇન ફોન નંબરની વ્યવસ્થા કરી છે. મુંબઇમાં કોવિડ-૧૯ (કોરોનાવાઇરસ)ના ન હોય તેવા દરદીઓની સારવાર કરતી હોસ્પિટલોની માહિતી તથા તે સંબંધી માર્ગદર્શન મેળવવા બિનકોવિડ દરદીઓ હવે આ હેલ્પલાઇન નંબર ૧૯૧૬ પર સંપર્ક સાધી શકે છે. આ હેલ્પલાઇન અન્ય માંદગીના દરદીઓ માટે આશીર્વાદ બની રહી છે.

બિનકોવિડ દરદીઓને પાલિકાની તેમજ ખાનગી હોસ્પિટલો તેઓ કોરોનાના કેસ ન હોવાને કારણે જાકારો આપતી હોવાનું ધ્યાનમાં આવતા આ  હેલ્પલાઇન શરૃ કરવામાં આવી છે. આવશ્યક્તા હશે તો પાલિકા આવા દરદીઓ માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરી શકશે.

પાલિકાની બીવાયએલ નાયર હોસ્પિટલને પૂર્ણપણે કોરોનાના દરદીઓની હોસ્પિટલમાં ફેરવી નખાઇ તેના એક દિવસ બાદ કિડનીની ગંભીર બિમારીવાળા એક ૩૦ વર્ષીય દરદીને ત્યાં દાખલ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ દરદી તથા તેના પરિવારજનોને જે.જે. હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જે.જે.એ તેમને સેન્ય જ્યોર્જ હોસ્પિટલમાં મોકલ્યા હતા. જ્યાં છેવટે દરદીને દાખલ કરવામાં આવ્યો હતો.

પરંતુ તે દરમિયાન તેની સ્થિતિ વધુ ગંભીર બની હતી અને આખરે ૨૦મી એપ્રિલે તેનું મોત થયું હતું.

બિનકોવિડ દરદીઓને હોસ્પિટલો જાકારો આપતી હોવાની અને તેને કારણે તેઓની રાબેતા મુજબની તબીબી તપાસ રખડી પડતાં હોવાની અનેક ફરિયાદો અમને મળી હતી. તમામ ફરિયાદો સાંભળ્યા બાદ અમે અન્ય બિમારીઓના દરદીઓને બિનકોવિડ હોસ્પિટલો વિશે માર્ગદર્શન આપવા પાલિકાની આ હેલ્પલાઇનનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો એમ વધારાના પાલિકા કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું.

ગયા સપ્તાહથી શરૃ કરાયેલી  આ હેલ્પલાઇન પર રોજના ૩૦થી વધુ કોલ આવતા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wi8fuz
via Latest Gujarati News

Post a Comment

0 Comments