મુંબઈ, તા.9 મે, 2020, શનિવાર

નવા કોરોના વાઈરસના પ્રાગટય પછી સતત બની રહેલા કરૃણ બનાવો વચ્ચે મન પુલક્તિ થઈ ઉઠે એવા સમાચાર શુક્રવારે આવ્યાં છે. મુંબઈની મહાપાલિકા સંચાલિત બીવાયએલ નાયર હોસ્પિટલમાં કોવિડ-૧૯નો શિકાર બનેલી એક મહિલાએ ત્રણ શિશુઓને જન્મ આપ્યાં છે. તબીબોએ કહ્યું હતું કે ત્રણે બાળકોનું વજન બબ્બે કિલોગ્રામ જેટલું છે અને ત્રણે સ્વસ્થ પણ છે.

શહેરની કોવિડ-૧૯ હોસ્પિટલો પર દેખરેખ રાખતાં પ્રમુખ સચિવ મનિષા મ્હૈસકરે કહ્યું હતું કે એ હકીકત ખરેખર અદ્ભૂત ગણાય કે નાયર હોસ્પિટલમાં ૪૦ જેટલી કોરોનાગ્રસ્ત સ્ત્રીઓની પ્રસૂતિ થઈ છે. પરંતુ કોઈના બાળકોને આ મહામારીએ સ્પર્શ નથી કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે નાયર હોસ્પિટલમાં કોવિડ-૧૯ના સકંજામાં જકડાઈ હોય એવી ગર્ભવતી મહિલાઓ માટે ૧૧૦ પથારીઓ અલાયદી રાખવામાં આવી છે.

નાયર રૃગ્ણાલયના તબીબોએ કહ્યું હતું કે ૨૪ વર્ષની આ મહિલાને તેણે અગાઉ જ્યાં નામ નોંધાવ્યું હતું એ હોસ્પિટલ સહિત સાત રૃગ્ણાલયોએ તેનો કોવિડ-૧૯ પોઝિટિવ રિપોર્ટ જોઈને પાછી વાળી દીધી હતી. છેવટે તે ગયા અઠવાડિયે અહીં દાખલ થઈ હતી.

અહીંના ગાયનેકોલોજી વિભાગના વડા ડો. ગણેશ શિંદેએ કહ્યું હતું કે અમે એ બાબતે ખાસ સાવધ હતા કે તેને અધૂરા મહિને પ્રસૂતિ ન થઈ જાય. પોતાની ટુકડી સાથે મળીને સંબંધીત મહિલાની પ્રસૂતિ કરાવનાર ડો. પદમજા કુંભારે કહ્યું હતું કે તેને ખોળે બે પુત્ર અને એક પુત્રી અવતર્યાં હતાં. તેની પ્રસૂતિ શસ્ત્રક્રિયા દ્વારા કરવી પડી હતી. અમે આવશ્યક જણાય તો જ સીન્સેકશનમાં પ્રસૂતિ કરાવીએ છીએ. ત્રણ નવજાત શિશુઓની આ માતાએ કુદરતી રીતે જ ગર્ભ ધારણ કર્યું હતું અને આ તેનું સૌપ્રથમ ગર્ભાધાન હતું.

ડો. ગણેશ શિંદેએ વધુમાં કહ્યું હતું કે કોરોનાગ્રસ્ત માતાઓ મોઢા પર માસ્ક બાંધીને પોતાના નવજાત શિશુઓને સ્તનપાન કરાવી શકે છે. તેમણે ઉમેર્યું હુતં કે અમે કોરોનાગ્રસ્ત પ્રસૂતાના પરિવારજનોને અહીં આવવાની પરવાનગી નથી આપતાં. પરંતુ આ પ્રસ્તૂના પતિને અહીં આવવાની છૂટ આપવામાં આવી હતી.

નાયર રૃગ્ણાલયના એક વરિષ્ટ તબીબે કહ્યું હતું કે ગર્ભવતી મહિલાઓને નવા કોરોના વાઈરસનો ચેપ લાગે ત્યારબાદ તેમણે અગાઉથી જે હોસ્પિટલમાં પોતાનું નામ નોંધાવ્યું હોય એ નર્સિંગ હોમ્સ તેમની પ્રસૂતિ કરવાની ના પાડી દે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે વાંદરામાં રહેતા એક જાણીતા પરિવારની મહિલાને તો કોરોના લાગૂ પડતાં તેના પરિવારજનોએ તરછોડી દીધી હતી. તે એક ખાનગી એમ્બ્યુલન્સમાં એકલી જ અહીં પહોંચી હતી. લોકોનો કોરોના પ્રત્યેનો આટલી હદ સુધીનો ભય ખરેખર કમનસીબ લેખાય.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bfJjtb
via Latest Gujarati News