
મુંબઈ, તા. 9 મે 2020, શનિવાર
સ્થાનિક સોનાચાંદી બજાર શનિવાર નિમિત્તે સત્તાવાર બંધ રહ્યું હતું પરંતુ બંધ બજારે ખાનગીમાં સોનાચાંદીમાં મિશ્ર પ્રવાહ જોવા મળ્યા હતા. સોનામાં ઘટાડો જ્યારે ચાંદીમાં સુધારો જોવાતો હતો. કરન્સી બજાર પણ બંધ રહી હતી પરંતુ ખાનગીમાં ડોલરમાં મજબૂતાઈ રહી હોવાના અહેવાલ હતા. વિશ્વના વિવિધ દેશોમાં લોકડાઉન હળવું થઈ રહ્યાના અહેવાલે પેલેડિયમ તથા પ્લેટિનમમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને ક્ડ તેલમાં પણ સપ્તાહ અંતે સુધારો જળવાઈ રહ્યો હતો.
સ્થાનિકમાં ગોલ્ડ ૯૯.૫૦ના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે શુક્રવારે રૂપિયા ૪૬૧૦૭ બંધ રહ્યા હતા તે આજે ખાનગીમાં ઘટીને રૂપિયા ૪૫૬૦૦ બોલાતા હતા. ગોલ્ડ ૯૯.૯૦ના ભાવ રૂપિયા ૪૬૨૯૨વાળા ઘટીને રૂપિયા ૪૫૭૫૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા કવોટ કરાતા હતા. સોનાની સરખામણીએ ચાંદીમાં તેજી જોવા મળી હતી. .૯૯૯ ચાંદી એક કિલોના ભાવ જે ગઈકાલે રૂપિયા ૪૨૬૦૦ રહ્યા હતા તે આજે સુધરીને રૂપિયા ૪૩૦૦૦ બોલાતા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં ગોલ્ડ સપ્તાહ અંતે પ્રતિ ઔંસ ૧૭૦૩ ડોલર બંધ રહ્યું હતું જ્યારે ચાંદી એક ઔંસ દીઠ ૧૫.૪૦ ડોલર ઊંચી બંધ રહી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમના ભાવ એક ઔંસના વધીને ૭૭૯ ડોલર જ્યારે પેલેડિયમ ઔસ દીઠ ૧૮૯૨ ડોલર બંધ રહ્યું હતું. લોકડાઉન ખુલી ગયા બાદ ઓટો ઉદ્યોગ તરફથી માગ નીકળવાની ધારણાંએ કિંમતી ધાતુ ઉંચકાઈ હતી.
અમેરિકામાં જોબલોસના આંકડા અપેક્ષા કરતા સારા રહેતા ડોલર ઈન્ડેકસમાં વધારો થયો છે. ૨૨૦ લાખની સામે જોબલોસના આંક ૨૦૫ લાખ આવ્યા છે અને બેરોજગારીનો દર ૧૬ ટકાની અપેક્ષા સામે ૧૪.૭૦ ટકા રહ્યો છે. ફેડરલ રિઝર્વ બોન્ડસ બાદ હવે ઈક્વિટીઝમાં પણ ખરીદી કરવા નીકળે તેવા અહેવાલોએ સેન્ટીમેન્ટ સુધાર્યું છે. ડોલર ઈન્ડેકસ વધ્યો છે અને ગોલ્ડમાં ફન્ડહાઉસોની વેચવાલી આવી છે.
ઘરઆંગણે ખાનગીમાં ડોલર જે ગઈકાલે ૭૫.૫૪ રૂપિયા બંધ રહ્યો હતો તે આજે ખાનગીમાં ૭૫.૬૫ રૂપિયા જેવો બોલાતો હોવાનું જણાવાતું હતું.
સપ્તાહ અંતે ક્ડ તેલ સુધારા સાથે બંધ રહ્યું હતું ન્યુયોર્ક ક્ડ તેલ પ્રતિ બેરલ ૨૪.૭૫ ડોલર જ્યારે બ્રેન્ટ ૩૦.૯૭ ડોલર બંધ આવ્યું હતું.
નાઈજિરિયામાં ફયુઅલ સબસિડી કાઢી નંખાતા સ્થાનિક જનતામાં રોષ ફેલાયો છે જેને કારણે ક્ડ તેલનો પૂરવઠો ખોરવાવાનો ભય ઊભો થયો છે. નાઈજિરિયા ક્ડનો મોટો પૂરવઠેદાર દેશ છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bfKhWl
via Latest Gujarati News
0 Comments