
મુંબઈ, તા.30 એપ્રિલ, 2020, ગુરુવાર
ઘણાં એથ્લીટસ લોકડાઉનને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ગરીબોને મદદરૃપ થવા પૈસાનું દાન કરી રહ્યા છે. ત્યારે એશિયન ગેમ્સની એક સિલ્વર મેડલ વિજેતા સૈલર (નાવિક)એ અનોખુ બીડુ ઝડપ્યું છે. એણે કોરોના વાયરસની મહામારીને પગલે અમલમાં આવેલા પ્રતિબંધોથી જેમનું જીવવું મુશ્કેલ બન્યું છે. એવા રોજમદારો (ડેઈલી વેજ વર્કર્સ)નું કાઉન્સેલિંગ શરૃ કર્યું છે.
શ્વેતા શેર્વેગાર નામની આ સૈલર એક હોમિયોપેથીક ડોક્ટર છે અને હાલ નવી મુંબઈની યેરલા મેડીકલ કોલેજમાં ઈન્ટર્નશીપ કરી રહી છે. લોકડાઉનમાં રોજગાર વિનાના થઈ ગયેલા ડેઈલી વેજ વર્કર્સને આવા કપરા સમયનો સામનો કરવા નૈતિક ટેકાની જરૃર છે એમ શ્વેતા કહે છે. લોકડાઉનને કારણે હાલ એની સેઈલિંગની પ્રેકટીસ બંધ છે. એટલે એણે પોતાની કોલેજના એનએસએસ વોલંટિયર્સ સાથે મળીને નવી મુંબઈના આવા વર્કરોને મળી એમની મદદ કરવાનું નક્કી કર્યું હતું.
'અમારા એક પરિચિત પાસેથી અમે ડેઈલી વેજર્સનું લિસ્ટ મેળવી લીધું છે. હવે અમે નવી મુંબઈના રબાળે, ઘણસૌલી, કોપર ખેરને, તુર્ભે અને નેરૃળ ઉપરાંત મુંબઈના બે ઉપનગરો માનખુર્દ અને ગોવંડીમાં રહેતા મજુરોનું ફોન પર કાઉન્સેલિંગ કરીએ છીએ.' એમ શ્વેતા શેર્વેગરે જણાવ્યું હતું. એણે ૨૦૧૮માં ઈન્ડોનેશિયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
શેર્વેગરના જણાવવા મુજબ એમના ગુ્રપનો દરેક વોલંટિયર એક દિવસમાં ૧૦ મજુરો સાથે ફોનમાં વાત કરી એમને પોતાનું આત્મબળ મજબુત રાખી ગભરાયા વિના પરિસ્થિતિનો સામનો કરવા જણાવે છે.
'અમે એમને સોશ્યલ ડિસ્ટન્સિંગ કઈ રીતે જાળવવું એનું પણ માર્ગદર્શન આપીએ છીએ. ઉપરાંત, એમને જાહેરમાં ઉધરસ કે છીંક ખાતી વખતે સાવચેતી વર્તવાની સલાહ આપીએ છીએ. અમે એમને ટોળે ન વળવા અને વારંવાર હાથ ધોવા પણ કહીએ છીએ' એવી માહિતી શ્વેતાએ આપી હતી. મજુરોને કાપડના માસ્ક બનાવવાનું પણ શીખવાડાય છે.
શ્વેતાના ગુ્રપને નવી મુંબઈની બીજી કોલેજોના એનએસએસ વોલંટિયર્સ પણ મદદ કરે છે એમઆઈ સ્પેશ્યાલિસ્ટ પ્રશાંત થોરાત કહે છે. થોરાત મોબાઈળ ક્લિનકમાં રોજમદારોની આંખ તપાસી એમને મફતમાં ચશ્મા પણ પુરા પાડે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VRBWU7
via Latest Gujarati News
0 Comments