સાંતાક્રુઝ, ખાર અને બાન્દ્રા પૂર્વના સ્લમ્સમાં ક્વોરીન્ટાઈન પાળવુ લગભગ અશક્ય



મુંબઈ,  તા.30 એપ્રિલ, 2020, ગુરુવાર

મુંબઈ મહાપાલિકાના એચ- ઈસ્ટ વોર્ડનાં સાંતાક્રુઝ, ખાર અન ેબાન્દ્રા પૂર્વના વિસ્તારોમાં ઘણાં બધા સ્લમ્સ (ઝુંપડપટ્ટી વિસ્તારો) છે. અહીં મોટી સંખ્યામાં કોવિદ-૧૯ના કલસ્ટર કેસીસ નોંધાયા છે. ૨૯મી એપ્રિલ સુધીમાં કોરોનાના ૩૧૩ પોઝિટીવ કેસ નોંધાયા છે. આમ એચ- ઈસ્ટ વોર્ડનો મુંબઈના  ૧૦ સૌથી વધુ કોરોનાગ્રસ્ત વોર્ડસની યાદીમાં સમાવેશ થઈ ગયો છે. આ  વોર્ડમાં ૫૮થી વધુ કન્ટેનમેન્ટ ઝોન છે. પાલિકાના એક અધિકારીએ આપેલી માહિતી મુજબ આ વોર્ડમાં નોંધાયેલા ૩૧૩ કેસમાંથી ૨૩ પોઝિટીવ કેસ એકલા બુધવારે નોંધાયા હતા. ૨૩ નવા દર્દીઓમાંથી ૧૬ જણાને કોવિદ-૧૯ના પેશન્ટના સંપર્કમાં આવવાથી વાયરસનો ચેપ લાગ્યો હતો.

એચ- ઈસ્ટ વોર્ડમાં ૬૦ ટકાથી વધુ વસ્તી વસાહતી કામદારો, ગરીબ મજુરો અને ડેઈલી વેજ વર્કર્સની છે. આ મજુરો નર્સો અને વોર્ડ બોય જેવા હેલ્થ વર્કર્સના રહેણાંક વિસ્તારોમાં જ રહે છે. વોર્ડની વસતિ ૫.૭૯ લાખ છે. વોર્ડમાં નોંધાયેલા કેટલાક મોટા કન્ટેનમેન્ટ ઝોન્સમાં ગવર્નમેન્ટ કોલોની અને સિધ્ધિવિનાયક બિલ્ડીંગ સામેલ છે. વોર્ડ ૮૬ના સ્થાનિક નગરસેવક વિશ્વનાથ મહાડેશ્વરના જણાવવા મુજબ પાલિકાની ટીમ અહીં અસાધારણ કામગીરી બજાવી રહી છે. જે લોકોમાં શરદી, ઉધરસ અનેતાવ જેવા હળવા લક્ષણો પણ દેખાય એમનું તુરત ચેક-અપ કરી મેડીકલ કેમ્પસમાં લઈ જવાય છે. સ્લમ્સમાં લોકો કોમન ટોઈલેટસનો ઉપયોગ કરતા હોવાથી અહીં હોમ ક્વોરન્ટાઈન શક્ય નથી. એટલે એમને ક્વોરન્ટાઈનના હેતુસર એક હોટલમાં રખાય છે એમ મહાડેશ્વરે વધુમાં જણાવ્યું હતું.

વોર્ડ નંબર ૯૬ના નગરસેવક હાજી મોહમ્મદ હલીમ ખાન કહે છે કે એચ- ઈસ્ટ વોર્ડના સૌથી પડકારજનક વિસ્તારો ગોલીબાર નાકા, બેહરામપાડા અને ભારત નગરની ઝૂંપડપટ્ટીઓ છે. પાલિકાનો સ્ટાફ સોશ્યલ ડિસ્ટન્સિંગ પળાય છે કે નહિ એના પર નજર રાખે છે પરંતુ ૧૦- ૧૫ જણા એક નાનકડી ઓરડીમાં રહેતા હોય ત્યારે આવા નિયમો કઈ રીતે પળાય એવો પ્રશ્ન ખાને કર્યો હતો. ઉક્ત ૩ વિસ્તારોના સ્લમ્સમાં કોરોનાના સંખ્યાબંધ કલસ્ટર કેસ નોંધાયા છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YnTp8C
via Latest Gujarati News

Post a Comment

0 Comments