
મુંબઇ, તા.7 મે, 2020, ગુરુવાર
આ મહાનગરની બ્લડ બેંકોમાં રક્તનો સંગ્રહ ઓછો થઇ રહ્યો છે ત્યારે આગામી થોડાક દિવસોમાં લોહીની તીવ્ર અછત ઉભી થવાની શક્યતા છે. હકીકતમાં તો કેટલીક બ્લડ બેંકોનો લોહીનો જથ્થો આ સપ્તાહે ખલાસ થવા સાથે હવે તેમની પાસે બિલકુલ લોહી નથી.
એક તરફ અનેક દાતાઓ કોવિડ-૧૯નો ચેપ લાગવાના ભયને કારણે રક્તદાન માટે હોસ્પિટલોએ જતાં ખચકાય છે ત્યારે બીજી તરફ રેડ ઝોનમાં યોજાવા નિશ્ચિત કરાયેલી અનેક રક્તદાન શિબિરોને પોલીસે છેક છેલ્લી ઘડીએ મોકૂફ રખાવી હતી.
એક કાર્યકરના જણાવ્યા મુજબ મુંબઇમાં દસેક દિવસ ચાલે તેટલો જ રક્તનો જથ્થો છે. આ સ્થિતિમાં લોહીનો પુરવઠો સતત જળવાઇ રહે તે માટે સરકાર તથા કાર્યકરો નાના પાયે રક્તદાન શિબિરો યોજવા હાઉસિંગ સોસાયટીઓને તૈયાર કરી રહી છે.
સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ (એસબીટીસી)ના એક અધિકારીએ કહ્યું હતું કે અમને મુશ્કેલીઓ પડી રહી છે. અને રક્ત મેળવવા સામે હાઉસિંગ સોસાયટીઓ તથા એનએસએસ(નેશનલ સોશ્યલ સવસ) એકમોનો સંપર્ક કરવાનો તથા મોબાઇલ વેન્સ શરૃ કરવા પ્રયાસ કરી રહ્યા છીએ.
રક્તની અછતની સમસ્યા માત્ર મુંબઇની જ નહી પરંતુ હવે સમગ્ર વિશ્વની છે. સ્પસ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને નાના સ્તરે રક્તદાન શિબિરો યોજવા સામાજિક મંડળોને અમારો અનુરોધ છે. એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તથા આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેના અનુરોધને પગલે માર્ચના અંતિમ તથા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં અનેક રક્તદાન શિબિરો યોજાઇ હતી. દેશના અન્ય શહેરોથી વિપરીત મુંબઇમાં આખા એપ્રિલમાં લોહીનો પૂરતો પુરવઠો હતો. પરંતુ કોવિડના કેસ વધવા સાથે અનેક નિયમીત રક્તદાતાઓ રક્તદાન માટે જતા ગભરાય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wb8lFu
via Latest Gujarati News
0 Comments