
મુંબઇ, તા.4 મે, 2020, સોમવાર
માલેગાંવમાં કોવિડ-૧૯ (કોરોનાવાઇરસ)ના સૌ પ્રથમ કેસની ભાળ એપ્રિલના શરૃઆતના દિવસોમાં લાગી ત્યારથી અત્યાર સુધીમાં આ બિમારીને કારણે થયેલા મોતની સંખ્યા સત્તાવાર રીતે માત્ર ૧૧ની જ છે. પરંતુ આ શહેરમાં એપ્રિલમાં થયેલા એકંદર મોતની સંખ્યામાં અસાધારણ વધારો જણાયો છે.
માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેકોર્ડઝ મુજબ એપ્રિલમાં આ શહેરમાં કુલ ૫૮૦ મોત થયાં હતાં. ગયા વર્ષના આજ મહિનામાં ૨૬૭ મોત થયા હતા તે જોતાં આ વર્ષે એપ્રિલમાં ૪૮ ટકા અધિક મોત થયાં હતાં.
નાશિક જિલ્લાના છ લાખની વસ્તિવાળા માલેગાંવમાં કોવિડ-૧૯નો સૌ પ્રથમ કેસ તથા મોત આઠમી એપ્રિલે નોંધાયો હતો. ત્યારથી ગઇકાલ (રવિવાર) સુધીમાં ૨૨૯ કેસ અને ૧૨ લોકોનાં મોત નોંધાવા સાથે માલેગાંવ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. જો કે, સત્તાવાર રેકોર્ડઝ મુજબ ૨૭મી એપ્રિલ બાદ અહીં કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.
ગયા ગુરુવારે માલેગાંવના સૌથી મોટી દફનભૂમિ બડા કબ્રસ્તાન ખાતે બે જ કલાકના સમયમાં નવ મૃતદેહો લાવવામાં આવ્યા હતા. કબ્રસ્તાનના વહિવટદાર રઇસ અહમદ અન્સારીએ કહ્યું હતું કે રાબેતા મુજબના દિવસે છથી સાત જનાજા આવે છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં પ્રત્યેક દિવસે ૩૦ જનાજા આવ્યા છે. ગયા વર્ષના એપ્રિલમાં માત્ર ૧૪૦ દફનવિધી થયા હતા જ્યારે આ વર્ષે એપ્રિલમાં ૪૫૭ મૃતદેહ દફનાવાયા હતા.
ઉલ્લેખનીય છે કે માલેગાંવની વસતિમાં ૭૯ ટકા મુસ્લિમો છે. આથી વિપરીત હિન્દુઓની મરણ સંખ્યામાં ઝાઝો ફરક પડયો નથી. ગયા વર્ષના એપ્રિલમાં ૨૨ તો આ વખતના એપ્રિલમાં ૨૬ હિન્દુઓના મરણ થયા હતાં.
માલેગાવમાં એપ્રિલમાં મરણસંખ્યામા વધારો થયો છે. આમાંના કેટલાક મોત કોવિડ-૧૯ને લીધે થયા છે કે નહીં તે પૂરો અભ્યાસ કર્યા વગર કહેવું મુશ્કેલ છે. ૧૦મી એપ્રિલ પછી મરણ પામનારા તમામ લોકોના પરિવારજનોને કોરાનાનો ચેપ તો લાગ્યો નથી. તેની તપાસ કરવા અડસટ્ટે અમે તેમના કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે એમ કોરોનાનો ઉપદ્રવ ફાટી નીકળતા શરૃ કરાયેલા મ લેગાંવ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો અખત્યાર સંભાળતા સનદી અધિકારી પંકજ આશિયાએ કહ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35uUvAK
via Latest Gujarati News
0 Comments