હવે જ્હોન અબ્રાહમ બનાવશે મલયાલયમ ફિલ્મની હિન્દી રિમેક


મુંબઈ,  તા. 27 મે 2020, બુધવાર

અભિનેતા- નિર્માતા જ્હોન અબ્રાહમના બેનર જેએ એન્ટરટેનમેન્ટે મલયાલમ એક્શન થ્રિલર 'અય્યપનમ કોશિયમ'ની હિન્દી રિમેક બનાવવા માટેના હકો ખરીદી લીધાં છે. આ વાતની જાહેરાત કરતાં સર્જકોએ કહ્યું હતું કે આ મલયાલમ ફિલ્મનું દિગ્દર્શન સેચીએ કર્યું હતું. તેમાં પૃથ્વીરાજ સુકુમારન્ અને બીજુ મેનને મુખ્ય પાત્રો ભજવ્યા હતા. આ વર્ષના આરંભમાં રજૂ થયેલી સંબંધિત ફિલ્મને બોક્સ ઓફિસ પર અપ્રતિમ સફળતા સાંપડી હતી.

જ્હોન અબ્રાહમે કહ્યું હતું કે 'અય્યપનમ્ કોશિયમ્' એકશન- થ્રિલર- સરસ કહાણીનો ત્રિવેણી સંગમ ધરાવતી મનોરંજક મૂવી છે. અમે અમારા નિર્માણ ગૃહના માધ્યમથી આવી સરસ ફિલ્મો બનાવવાનો ધ્યેય રાખ્યો છે. અમે આ ફિલ્મ પણ સંપૂર્ણ સમર્પણ સાથે બનાવીને દર્શકો સમક્ષ રજૂ કરીશું. અમે માનીએ છીએ કે કોવિડના સંકટકાળ બાદ હિન્દી ફિલ્મોદ્યોગ સોળે કળાએ ખીલી ઉઠશે. તેથી અમે આ વિકટ સમય પછી સૌથી પહેલાં આ ફિલ્મનું નિર્માણ હાથ ધરીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેતા જ્હોન અબ્રાહમે અગાઉ 'વિકી ડોનર', 'મદ્રાસ કાફે', 'રોંકી હેન્ડસમ', 'ફોર્સ-૨', 'પરમાણુઃ સ્ટોરી ઓફ પોખરણ' જેવી ફિલ્મો બનાવી છે. આ બધી ફિલ્મોમાં તેણે અભિનય પણ કર્યો હતો. જોકે આ વર્ષના આરંભમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જ્હોન જાણીતા ઔદ્યોગિક સાહસિક રેવતી રોયની બાયોગ્રાફી રજૂ કરતી ફિલ્મ બનાવવાનો છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TJeMht
via Latest Gujarati News

Post a Comment

0 Comments