
મુંબઈ, તા. 3 મે 2020, રવિવાર
મહરાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના તિલ્લારી ઝોન (દોદામાર્ગ)ના ગામોનાં રહેવાસીઓ આજકાલ કોરોનાની મહામારીથી નહીં પણ ગજરાજોની તોફાન મસ્તથી ડરી રહ્યા છે. હાલ આખા રાજ્યમાં કોરોના લોકડાઉનની નિરવ શાંતિ હોવાથી નજીકના કર્ણાટક રાજ્યનાં જંગલોમાંથી હાથીઓના ઝૂંડ અહીં આવે છે. એક સાથે પાંચ-છ હાથી-હાથણીઓને જોઈને ગામ લોકોમાં ઊંડી ચિંતા અને ભયપ્રસરી ગયો હોવાના સમાચાર મળે છે.
સિંધુદુર્ગ જિલ્લાના વન અધિકારીઓને દરરોજ હાથીઓનાં ઝૂંડ આવ્યા હોવાના ટેલિફોન પણ મળે છે. તીલ્લારી ઝોનના ગામનાં લોકો ટેલિફોન કરીને વન અધિકારીઓને ગજરાજોને આ ગામોમાંથી જંગલોમાં તગેડી મૂકવા વિનંતી કરે છે.
સિંધુદુર્ગ જિલ્લાના ડેપ્યુટી વન સંરક્ષક સમાધાન ચવ્હાણે એવી માહિતી આપી હતી કે તીલ્લારી ઝોનનાં ગામડામાં છેલ્લા થોડા દિવસોથીત પાંચ પાંચ ગજરાજ- બે દંતશૂળવાળા નર, એક હાથણી અને બે બચ્ચા આવે છે. આમ તો આ વિસ્તારમાં સાંજના સમય બાદ હાથીઓ આવતા હોવાની ઘટના અગાઉ બની હતી પરંતુ હમણાં આ પાંચ હાથી દિવસ દરમિયાન આવે છે. દિવસે ગ્રામજનો તેમનાં રોજબરોજના ખેતીકામ કરતાં હોવાથી તેઓને જબરો લાગે છે. આમ પણ આ પાંચ હાથીઓએ અત્યાર સુધીમાં લગભગ ખેતીના ૧૬ લાખ રૂપિયાના પાકને નુકસાન કર્યું હોવાનો અંદાજ છે. આ પંજ ગજરાજ માર્ચના છેલ્લા સપ્તાહથી તીલ્લારી ઝોનના ગામડાનાં ખેતરોમાં ધમાલ મચાવે છે.
રાજ્યના મુખ્ય વન સંરક્ષક નીતિન કાકોડકરે એવી માહિતી આપી હતી કે અમે આ વિસ્તારમાં હાથીઓ વિશે જાગૃતિ ફેલાવવા આમ ઝુંબેશ શરૂ કરી છે. ગજરાજો દિવસ દરમિયાન આવતા હોવાથી આ વિસ્તારમાં ખેડૂતો સહિત અન્ય નાગરિકો સાથે હાથીઓની ટક્કર થવાનું જોખમ પણ રહે છે. આમ છતાં અમારા કર્મચારીઓ તમામ પરિસ્થિતિ પર નજર રાખે છે. નાગરિકો અને કિસાનોના રક્ષણ માટે બધી વ્યવસ્થા પણ કરી છે. આમ પણ અમે લોકડાઉન અગાઉ રાતના સમયે હાથીઓ દ્વારા થતા ખેતીના પાકના નુકસાન માટે ખેડૂતોને દર મહિને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવતા હતા. જો કે હાથીઓ દિવસે પણ આવતા હોવાથી ખેતીના પાકને કદાચ બમણું નુકસાન થયું હોવાની શક્યતા છે.
વનખાતાએ હાલ હેવારે, ભપેકૂલી અને સાતેલી એમ ત્રણ ગામમાં એલિફન્ટ કેમ્પનું આયોજન કર્યું છે. આ બધા કેમ્પમાં પાંચ સ્વયંસેવકો હોય છે, જેઓ ગામમાં હાથીઓ વિશે જાગૃતિ ફેલાવે છે.
વન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ૨૦૦૨થી હાથીઓ કર્ણાટકના જંગલોમાંથી અહીં સિંધુદુર્ગના ગામોમાં આવવાનું શરૂ થયું છે.હાથીઓ ખોરાક અને પાણીની શોધમાં ફરતા ફરતા છેક અહીં સુધી આવે છે. હાલ મહારાષ્ટ્રમાં નવ હાથી છે. વધુ એક દંતૂશૂળવાળો હાથી તીલ્લારી ડેમ વિસ્તારમાં ફરતો હોવાની માહિતી મળે છે. ઉપરાંત ઘાટકરવાડીના પહાડી વિસ્તારમાં પણ ત્રણ હાથીઓ ફરતા હોવાના સમાચાર મળ્યા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dgFRQ7
via Latest Gujarati News
0 Comments