લાંબા કલાક સુધી ઓનલાઈન અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના માતાપિતા ચિંતિત


નવી દિલ્હી, તા. 5 મે 2020, મંગળવાર

દક્ષિણ દિલ્હીની એક શાળાનો નવમા ધોરણનો વિદ્યાર્થી સવારના સાત વાગે ઉઠીને આઠ વાગે કોમ્પ્યુટર સામે બેસી જાય અને બપોર સુધી એક પછી એક ઓનલાઈન કલાસ ભરે. સાંજે પણ તે ત્રણથી વધુ કલાક જેટલો સમય તેના કલાસમાંથી મળેલું કામ પૂરું કરવા કોમ્પ્યુટર સામે બેસીને ગાળે.

દક્ષિણ દિલ્હીની અન્ય એક શાળાના ૧૦મા ધોરણના વિદ્યાર્થી શાશ્વત વિનાયકનો રોજિંદો ક્રમ ઋષભથી નોખો નથી. શાશ્વત કહે છે કે કમ્પ્યુટર પર સામસામે બેસીને ભણવાથી વિદ્યાર્થીઓને તેમના પાઠ ભણવાનું સહેલું લાગે છે. જોકે તેને એ વાતનો રંજ પણ છે કે બધા છાત્રોને લાંબા કલાકો સુધી ઓનલાઈન અભ્યાસ કરવો પડે છે.

માત્ર ઋષભ અને શાશ્વત જ નહીં, દેશભરના લાખો વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણવા સિવાય છૂટકો નથી. આ શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ પૂરો થાય તેનાથી પહેલા ફાટી નીકળેલી કોવિડ-૧૯ મહામારીને પગલે બંધ કરી દેવામાં આવેલી શાળાઓ ફરીથી ક્યારે ખુલશે તેની કોઈને ખબર નથી અને શાળાઓ તેમજ વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન અભ્યાસક્રમ પૂરો કરવા સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો, પરંતુ આ રીતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓને એવી ચિંતા સતાવી રહી છે કે આ રીતે લાંબા કલાકો સુધી સ્ક્રીન સામે બેસી રહેવા  છતાં તેમના સંતાનો ઊંડાણપૂર્વક અભ્યાસ નથી કરી શકતા. તેમને એ વાતની ચિંતા પણ સતાવે છે કે આટઆટલા કલાક સુધી કમ્પ્યુટર કે મોબાઈલની સ્ક્રીન સામે જોતાં રહેવાથી (બેસી રહેવાથી) તેમના સ્વાસ્થ્ય પર કેવી અસર પડશે.

ઋષભના માતા એકતા સકસેના કહે છે કે આમેય તેના પુત્રની વયના લોકો દરરોજ અનેક સ્ક્રીન સામે બેસી રહે છ. તેઓ ચિંતા વ્યક્ત કરતાં કહે છે કે શું દરરોજ આટલા લાંબા કલાક સુધી સ્ક્રીન સામે જોતા રહેવું તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક પુરવાર નહીં થાય ને? શું આવી જીવનશૈલીને કારણે તેઓ સુસ્ત નહીં બની જાય ને?

જોકે ઘણાં માતાપિતા માને છે કે આવી જીવનશૈલી હંગામી છે. લોકડાઉન સમાપ્ત થશે અને શાળાઓ ખુલશે એટલે તેમના સંતાનો ફરીથી પહેલાની જેમ અભ્યાસ કરતાં થઈ જશે. જ્યારે કેટલાંક લોકો એમ માને છે કે કોવિડ-૧૯ મહામારીનો અંત આવી જશે ત્યાર પછી પણ અભ્યાસ કરવાની આ રીત જારી રહેશે. બલ્કે ઓનલાઈન અભ્યાસ કરવો સામાન્ય બની જશે.

ડો. કનિકા આહુજા કહે છે કે લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસી રહેતા બાળકો તેમજ તરૂણા વયના લોકોમાં આળસુ થ જાય છે. તેની ચયાપચયની ક્રિયા પ્રભાવિત થાય છે, તેમનું ઊંઘનું ચક્ર ખોરવાઈ જાય છે, તેઓ બેબાકળા અને અસ્વસ્થ થઈ જાય છે. દિલ્હીની લેડી શ્રીરામ કોલેજના સાઈકોલોજીના આ શિક્ષક વધુમાં કહે છે કે અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કેટલા કલાક સ્ક્રીન સામે બેસી રહેવું વધારે પડતું ગણાય. આપણી પાસે આનો કોઈ સ્પષ્ટ ઉત્તર નથી અને હવે ઓછામાં ઓછા એકાદ-બે વર્ષ સુધી તો વિદ્યાર્થીઓને મોટાભાગે ઓનલાઈન જ ભણવાનું છે. બહેતર છે કે ભારતમાં તેના વિશે વહેલી તકે સંશોધન કરવામાં આવે.

છેલ્લા બે દશકમાં કરવામાં આવેલા સંખ્યાબંધ સંશોધનોમાં સામાન્ય રીતે એવો જ નિષ્કર્ષ જોવા મળ્યો છે કે વધારે કલાક સુધી સ્ક્રીન સામે બેસી રહેનારા લોકો સમાજના અન્ય લોકો સાથે ઝટ ભળી શકતા નથી અને ઝટ હતાશામાં સરી પડે છે. જ્યારે એક નવા અભ્યાસ અનુસાર સ્ક્રીન ટાઈમને આ બધી બાબતો સાથે ઝાઝી લેવા દેવા નથી. તરૂણ વયના લોકોની તંદુરસ્તી તેને કારણે અસર પામે છે એ વાત સાચી, પરંતુ અલ્પ માત્રામાં. તેઓ વધુમાં કહે છે કે તેને કારણે તેમના સ્વાસ્થ્ય પર થનારી માઠી અસર માત્ર ૦.૪ ટકા જેટલી જ હોય છે. આ અભ્યાસમાં એમ જણાવવામાં આવ્યું હતું કે આ અસર  નજીવી હોવાથી તેને માટે કાર્યપધ્ધતિ બદલવાની આવશ્યકતા નથી.

'નેચર હ્યુમન બીહેવિયર' જર્નલમાં તરૂણોની તંદુરસ્તી અને ડિજિટલ ટેકનોલોજી વિશે 'યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ' દ્વારા કરવામાં આવેલો અભ્યાસ વર્ષ ૨૦૧૯ના જાન્યુઆરી માસમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

દિલ્હીની 'ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીસ'ના મનોરોગ ચિકિત્સા વિભાગના પ્રાધ્યાપક રાજેશ સાગર કહે છે કે બે વર્ષથી નાના બાળકોને ગેઝેટ આપવામાં ન આવે તે સ્થિતિ આદર્શ ગણાય. જ્યારે બે વર્ષથી ઉપરની વયના બાળકોને એક સાથે અડધા કલાકથી વધુ સમય સુધી સ્ક્રીન સામે બેસવા ન દેવા જોઈએ. આમ છતાં તેમને સાગમટે વધારે કલાક સુધી કમ્પ્યુટર સામે બેસવાની નોબત આવે તો દર અડધા કલાકે થોડીવાર માટે બ્રેક લેવો જોઈએ.

આ વર્ષના આરંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે 'પરીક્ષા પે ચર્ચા' દરમિયાન વાતચીત કરી હતી ત્યારે તેમણે પણ તેમને વિવિધ ઉપકરણોની લત ન લાગી જાય તેની કાળજી રાખવાની ચેતવણી આપતાં કહ્યું હતું કે હું પણ આપણા જીવન વિકાસ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરું છું. પરંતુ આપણે ટેકનોલોજીના ગુલામ ન બની જઈએ એ વાતનું ધ્યાન રાખવું એટલું જ આવશ્યક છે.

જ્યારે માનવ સંશાધન વિકાસ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે આ શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ ન ખોરવાય અને શાળાઓનું કામ સારી રીતે ચાલતું રહે એટલા ખાતર જ વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવી રહ્યાં છે. બાકી કોઈપણ કટોકટીની સ્થિતિ પેદા થશે તો મંત્રાલય તેના સમાધાનના પગલાં લેશે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b2OTid
via Latest Gujarati News

Post a Comment

0 Comments