
મુંબઈ, તા. 2 મે, 2020, શનિવાર
મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય ખાતાએ શહેરની ખાનગી હોસ્પિટલો સામે લાલ આંખ કરી છે. ખાનગી હોસ્પિટલો કોરોનાનાં અને કોરોનાની અસર વગરનાં એમ તમામ દરદીઓ પાસે બેફામ ચાર્જ વસુલ કરતી હોવાની ગંભીર ફરિયાદો મળી હોવાથી આરોગ્ય ખાતાએ તમામ ખાનગી હોસ્પિટલો અમુક ચોક્કસ ચાર્જ વસુલ કરવા મર્યાદા મૂકી દીધી હોવાનું જાણવા મળે છે.
આરોગ્ય ખાતાના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે જે દરદીઓ પાસે વીમાની પોલીસી નથી હોતી તેઓ પાસેથી ખાનગી હોસ્પિટલો મોટો ચાર્જ વસુલ કરે છે. વળી, અમુક હોસ્પિટલો તો ચોક્કસ પ્રકારના પેકેજ ચાર્જીસ પણ રજૂ કર્યાં છે. પણ આવી હોસ્પિટલોમાં દરદીઓ દાખલ નથી થતા.
મુંબઈ, થાણે, નવી મુંબઈ પનવેલ અને પુણે વગેરે શહેરોની હોસ્પિટલોએ તો જનરલ ઈન્સ્યુરન્સ પબ્લિક સેક્ટર, એસોસિએશન (જીઆઈપીએસએ) સાથે અમુક ખાસ પ્રકારના કરાર પણ કર્યાં હોય છે. આ કરાર મુજબ તેઓ દરદીની સારવાર કરતા હોય છે. જો કે આવા કરાર મુજબ ખાનગી હોસ્પિટલો દરદીઓ પાસેથી અમુક નિશ્ચિત રકમ કરતાં પણ વધુ પૈસા લઈ શકતી નથી. એટલે દરદીની પથારીના ચાર્જ કરતાં વધારે ન હોવા જોઈએ. જીઆઈપીએસએ જીવન વીમાની સરકારી કંપનીઓનું એસોસિએશન છે. આ એસોસિએશનની માર્ગદર્શિકા મુજબ દરદીના ઓપરેશનના ચાર્જીસ પણ નિશ્ચિત થયા હોય છે.
આમ છતાં જે ખાનગી હોસ્પિટલો જીઆઈપીએસ સાથે જોડાયેલી નથી હોતી તે પણ સરકારના જાહેરનામામાં દર્શાવેલા ચાર્જીસ કરતાં વધુ ચાર્જ લઈ શકતી નથી. ઉદાહરણરૃપે એન્જિયોગ્રાફી માટે દરદી પાસેથી ૧૨,૦૦૦ રૃપિયા કરતાં વધુ રકમ ન લઈ શકાય. કુદરતી સામાન્ય પ્રસુતિ માટે ૭૫,૦૦૦, હૃદયનો વાલ્વ બદલવા માટે ૩.૨૩ લાખ, કાયમી સ્વરૃપે પેસમેકર ગોઠવવા માટે ૧.૩૮ લાખ અને આંખનો મોતિયો ઉતરાવવા માટે ૨૫,૦૦૦ રૃપિયા લઈ શકાય છે.
ઉપરાંત પેસ મેકર, પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વીપમેન્ટ, સ્ટેન્ટ, લેન્સ, કેથેટર અને બલુન વગેરેની સુવિધા માટે પણ ખાનગી હોસ્પિટલો આ બધા તબીબી ઉપકરણોની કિંમત કરતાં ૧૦ ટકા વધુ ચાર્જ ન લઈ શકે. સરળ રીતે સમજીએ તો હૃદયમાં બેસાડવામાં આવતાં સ્ટેન્ટની કિંમત ૧૦૦ રૃપિયા હોય તો કોઈપણ ખાનગી હોસ્પિટલ દરદી પાસેથી ૧૧૦ રૃપિયા ન વસુલી શકે.
બીજીબાજુ ખાનગી હોસ્પિટલોએ એવી સ્પષ્ટતા કરી હતી કે હાલ અમે સરકારી જાહેરનામાની વિગતોનો અભ્યાસ કરીએ છીએ. ત્યારબાદ અમે સરકાર સાથે વાતચીત કરીશું.
અમુક હોસ્પિટલનો ઉચ્ચ અધિકારીઓએ જો કે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી કે સરકારી જાહેરનામા મુજબ અમુક નિશ્ચિત ચાર્જીસ લેવાથી હોસ્પિટલો દરદીને હલકી કક્ષાનો, હલકી ગુણવત્તાવાળાં તબીબી સાધનો આપે તેવું પણ બની શકે. સાથોસાથ અમુક પ્રસિદ્ધ અને મોટી હોસ્પિટલોએ એમ કહ્યું હતું કે અમે સરકારની માર્ગદર્શિકાનો સંપૂર્ણ અમલ કરીશું કારણ કે અમે જીવતા જાગતા દરદીના આરોગ્ય સાથે કોઈ રમત ન થાય, તેની કાળજી લઈશું. ખાસ કરીને કોરોનાના લોકડાઉનની કટોકટીભરી પરિસ્થિતિમાં દરદીઓને સારી અને સમયસરની સારવાર આપવી જરૃરી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xtb9UV
via Latest Gujarati News
0 Comments