પુણેમાં ગાજવીજ, તીવ્ર પવન સાથે મુશળધાર વર્ષા થઈ: રાજ્યમાં આવતા ચાર દિવસ વરસાદી વરતારો



મુંબઈ, તા. 2 મે, 2020, શનિવાર

પુણે અને  આજુબાજુના વિસ્તારમાં  શુક્રવારે સાંજે  હવામાનમાં અચાનક  જબરું  પરિવર્તન  આવ્યું હતું.  આકાશમાં  કાળાં ડિબાંગ જ વરસાદી વાદળનાં દળ કટક  ઉમટી પડયા હતા.  પવન અતિ તીવ્ર ગતિએ ફૂંકાવા લાગ્યો હતો.  સાથોસાથ  વીજળીના  પ્રચંડ  કડાકાભડાકા  સાથે મેઘગર્જનાન માહોલ પણ સર્જાયો  હતો.  આટલું જ નહીં  મુશળધાર વર્ષા પણ  થઈ હતી.  આવા અચાનક  પલટાયેલા  હવામાનથી  પુણેકરોને જબરું આશ્ચર્ય થયું હતું.

હવામાન ખાતાનાં પુણે કેન્દ્રના  ડાયરેક્ટર  ડો. કશ્યપએ  એક ખાસ ટેલિફોનિક  ઈન્ટરવ્યૂમાં  'ગુજરાત સમાચાર' ને જણાવ્યું  હતું  કે અમે ગુરુવારે જ આવા બદલાઈ રહેલા  હવામાનની  આગાહી  કરી હતી.  પુણેમાં  હાલ ઉનાળાના  બળબળતા  દિવસો ચાલી રહ્યા છે.  દિવસના તાપમાનનો  પારો ૩૫ ડિગ્રી  સેલ્સિયસ  જેટલું  રહે  છે.  શુક્રવારે પણ  મહત્તમ  તાપમાન ૩૮.૩  ડિગ્રી  નોેંધાયું  હતું.  અતિ ગરમી  સાથે ભેજનું  પ્રયાસ પણ ઘણું  વધી ગયું હતું.   સાથોસાથ  વાતાવરણના  ઉપરના પટ્ટામાં  બે વિરુધ્ધ  દિશાના  પવનોની  પણ જબરી  ટક્કર  થઈ રહી  છે. આવી  સ્થાનિક  પરિબળોની  તીવ્ર અસરને  કારણે પુણેમાં  શુક્રવારે  સાંજે  ચાર વાગે  આખો  માહોલ  જબરો  તોફાની થઈ  ગયો હતો.

ડો. કશ્યપએ  એવી માહિતી  પણ આ હતી કે શુક્રવારે સાંજે ચાર વાગે  પુણે શહેર, શિવાજીનગર અને  એરપોર્ટ વિસ્તારમાં  ભારે વરસાદ  સાથે વીજળીના પ્રચંડ  કડાકા,  મેઘગર્જના અને તોફાની  પવનનું  વાતાવરણ  સર્જાયું  હતું.  પુણેમાં  ૧૯.૭ મિલીમીટર  વરસાદ નોેંધાયો હતો. 

વળી પવનની  ગતિ એટલી  તીવ્ર હતી  કે પુણેમાં  બે મોબાઈલ ટાવર  પણ પ્રચંડ ધડાકા સાથે તૂટી પડયા હોવાના  સમાચાર  પણ મળે છે.

હવામાન  ખાતાના  પુણે કેન્દ્રના  સૂત્રોએ  એવી માહિતી પણ આપી હતી કે  શુક્રવારે   સાંજે  ચાર વાગે લગભગ  બે કલાક સુધી ભારે વર્ષા થઈ  હતી.  આમ તો હાલ ઉનાળો  હોવા છતાં  આવા બદલાયેલા  હવામાનથી  પુણેકરોને  જબરુ આશ્ચર્ય  થયું હતું.  વરસાદને  કારણે  પુણે અને આજુબાજુના  વાતાવરણમાં  ઠંડક  પ્રસરી ગઈ હતી.

બીજી બાજુ  હવામાન ખાતાના  ડેપ્યુટી  ડાયરેક્ટર  જનરલ  ડો.  કે. એસ.  હોસાલીકરે  'ગુજરાત સમાચાર' ને એવી માહિતી આપી હતી  કે હાલ મુંબઈ નજીકના  અરબી સમુદ્ર  પર  પર અચાનક  જ એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશન  સર્જાયું  છે.  પરિણામે  મુંબઈ સહિત  રાયગઢ,  રત્નાગિરી, સિંધુદુર્ગ વગેરે  દરિયાકાંઠાનો  સ્થળોએ  ભેજનું  પ્રમાણ  ઘણું  વધી ગયું  છે.  ભેજની  માત્રા વાતાવરણમાં  વધી  જવાથી  નાગરિકોને  બફારો  અને અકળામણનો  અણગમતો  અનુભવ  પણ  થાય  તે સ્વાભાવિક  છે.

હાલ  હવાના  હળવા દબાણનો  પટ્ટો મરાઠવાડાથી તામિલનાડુ  સુધી ફેલાયો  છે.  ઉપરાંત મધ્ય પ્રદેશના  દક્ષિણ હિસ્સામાં  સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું  છે,  જેની  અસર મહારાષ્ટ્રમાં  થઈ રહી છે. આવાં  કુદરતી  પરિબળોને  કારણે  રાજ્યમાં  આવતા  ચાર દિવસ(૩,૪,૫,૬- મે)  દરમિયાન  દક્ષિણ  કોંકણ  (રત્નાગિરી, સિંધુદુર્ગ), મધ્ય મહારાષ્ટ્ર (નાશિક, પુણે,  સાતારા, સાંગલી, કોલ્હાપુર) મરાઠવાડા (લાતુર, નાંદેડ) અને વિદર્ભ (નાગપુર,વર્ધા) માં  ભારે ગાજવીજ સાથે વરસાદી માહોલ  સર્જાય  તેવાં  પરિબળો  ઘુમરાઈ રહ્યાં  છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dbwC3W
via Latest Gujarati News

Post a Comment

0 Comments