
નવી દિલ્હી/ મુંબઈ, તા.1, મે, 2020, શુક્રવાર
કેન્દ્રના ગૃહમંત્રાલયે રાજ્યો માટે પોતાના રાજ્યના વતની વિદ્યાર્થીઓ, પર્યટકો અને વસાહતી મજુરોને પાછા લાવવા માટેની ગાઈડલાઈન્સ જાહેર કરી એના બીજા દિવસે રાજ્યોએ આ કામ શરૃ કર્યું હતું. ઓછામાં ઓછા ૨૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧ કરોડથી વધુ લોકોની વાપસી ભારતમાં જોવાયેલી કદાચ આજ સુધીની સૌથી મોટી ક્વાયત બની રહેશે.
આ ભગીરથ કાર્ય સાથે ઘણાં બધા પડકારો જોડાયેલા છે. સૌથી પહેલી વાતઃ હાલ આખા ભારતમાં ટ્રેનો બંધ છે એટલે રાજ્યોએ વસાહતી મજુરો અને બીજાઓને પાછા લાવવા સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની માગણી કરી છે. જ્યારે ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન્સમાં અત્યાર સુધી માત્ર બસોમાં રોડ માર્ગે વસાહતીઓને પાછા લાવવાની પરવાનગી અપાઈ છે.
ત્રીજી મેએ દેશવ્યાપી લોકડાઉનનો હાલનો તબક્કો પુરો થઈ રહ્યો છે અને ત્યાર પછી પણ ટ્રેનો દોડશે કે કેમ એ વિશે કોઈ સ્પષ્ટતા નથી.
બીજુ, ઓછામાં ઓછા સમયમાં અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો પાળીને આ કામ પાર પાડવું લોઢાના ચણા ચાવવા સમાન છે અને ત્રીજુ, બીજા રાજ્યોમાંથી પાછા આવનારા લોકો માટે સ્ક્રીનિંગ, ક્વોરન્ટાઈન અને હોસ્પિટલોની પુરતી સગવડો ઊભી કરવી એક વિરાટ કાર્ય છે.
બિહારના મકાન બાંધકામ પ્રધાન અશોક ચૌધરી ભગીરથ કાર્યમાં વિરાટ સમસ્યાઓ હોવાનું કબુલતા કહે છે કે અમારી પાસે બિહારના વતની એવા ૨૫ લાખ વસાહતી કામદારોની માહિતી છે. અમે જો સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો પાળીએ તો એક બસમાં ૧૫-૨૦ જણ જ પ્રવાસ કરી શકે. એ ગણતરીએ બધા વર્કરોને પાછા લાવવા ૧,૭૦,૦૦૦ બસની જરૃર પડે. ચૌધરીનું આ નિવેદન દર રાજ્ય સમક્ષ આવનારા પડકારોનો ખ્યાલ આપે છે.
વસાહતી મજુરોના માનીતા મહારાષ્ટ્રમાં અત્યારે બીજા રાજ્યોના અંદાજે ૧૦ લાખ કામદારો છે. મહારાષ્ટ્રમાંથી પોતાના વતનીઓને લઈ જવા બીજા રાજ્યોએ બસો મોકલવી પડશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Smitcb
via Latest Gujarati News
0 Comments