
મુંબઈ,તા.7 મે 2020, ગુરુવાર
કોરોના મહામારીએ માઝા મૂકી છે ત્યારે સેવા માટે આગળ આવવાને બદલે લગભગ ૧૫ હજાર ખાનગી ડાક્ટરોએ દવાખાના બંધ કરી દીધા છે. આ ડાક્ટરો સેવા માટે આગળ નહીં આવે તો તેમની વિરુદ્ધ આકરાં પગલાં લેવામાં આવશે, એવી સ્પષ્ટ ચેતવણી ડિરેક્ટોરેટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ તરફથી આપવામાં આવી છે. આ ચેતવણી સામે ડાક્ટરોએ ઓનલાઈન મિટીંગ યોજી તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી.
ખાનગી ડાક્ટરોએ સેવાના બદલામાં કેટલું મહેનતાણું અપાશે, રહેવાની શું વ્યવસ્થા હશે અને ખાસ તો કોરોનાના દરદીની સારવાર કરવાવાળા તબીબોને રક્ષાત્મક સાધનો અને પીપીઈ (પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ) સૂટ અપાશે કે નહીં વગેરે બાબતો પર ચર્ચા કરી હતી. આ સાથે જ આકરાં પગલાંની ચેતવણી આપવામાં આવી છે, તેની સામે નારાજગી દર્શાવી હતી.
ડિરેક્ટોરેટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના ડાયરેક્ટર ટી.પી.લહાણે એ જણાવ્યું હતું કે, સરકારી ડાક્ટરોને વિમા કવચ સહિત જે લાભો જાહેર કરવામાં આવ્યા છે એ બધા જ લાભો ખાનગી ડાક્ટરોને આપવામાં આવશે.
અનેક ખાનગી ડાક્ટરો પ્રાઈવેટ હાસ્પિટલોમાં સેવા આપી રહ્યા છે. પ્રાઈવેટ પ્રેક્ટિશનરોના દવાખાના પણ ચાલું છે એ અમને ખબર છે. પરંતુ લગભગ ૧૫ હજાર ડાક્ટરો છે, જેમણે દવાખાના બંધ કરી દીધા છે. અમે તેમને ફક્ત ૧૫ દિવસ સેવા બજાવવાની અપીલ કરી છે. વારંવાર વિનંતી કર્યા છતાં ખાનગી ડાક્ટરો માનશે નહીં તો પછી અમારે આકરાં પગલાં લેવા પડશે. ૫૫ વર્ષથી મોટી ઉંમરના ડાક્ટરોની સેવા નહીં લેવાય.
બીજી તરફ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના રાજ્યના પ્રેસિડેન્ટ ડા. અવિનાશ ભોંડવેએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી જે પગલાં લેવાઈ રહ્યાં છે તેને અમે આવકારીએ છીએ. પણ અમારે માટે અમુક ચિંતાની બાબત છે. અનેક ખાનગી ડાક્ટરો મોબાઈલ ક્લિનિકમાં સેવા આપી રહ્યા છે અને કન્ટેન્મેન્ટ ઝોનમાં કોરોના વિરોધી ઝુંબેશમાં સરકારને મદદ કરી રહ્યા છે. છતાં સરકાર તરફથી તેમને નોટિસો ફટકારાઈ રહી છે એ ખોટું છે. બીજું આયુર્વેદ અને હામિયોપેથીના ડાક્ટરોની પણ સરકારે મદદ લેવી જોઈએ.
આ સંદર્ભે ડા.ટી.પી. લહાણેએ જણાવ્યું હતું કે, આયુર્વેદ અને હોમિયોપેથીના ડાક્ટરોને પણ પત્ર પાઠવવામાં આવ્યા છે. તેમને ક્વારેન્ટીન સેન્ટરમાં મૂકવામાં આવશે. જ્યારે અન્ય ડાક્ટરોને કોવિડ કેર આઈસોલેશન સેન્ટરમાં ફરજ સોંપાશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c9XwsK
via Latest Gujarati News
0 Comments