
- કેન્દ્ર સરકારે ખાદ્યતેલોના વેપારને નિયંત્રણ મુક્ત કરતા બજારમાં આવકારની લાગણી જોવા મળી
(પ્રતિનિધિ દ્વારા), મુંબઈ, તા.15 મે 2020, શુક્રવાર
મુંબઈ તેલ-તેલીબિયાં બજારમાં આજે પામતેલની આગેવાની હેઠળ વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવ વધુ ઊંચકાયા હતા, જ્યારે સિંગતેલના ભાવ ઊંચા મથાળે સૂસ્ત રહ્યા હતા. વિશ્વબજારના સમાચાર પ્રોત્સાહક હતા. મલેશિયા ખાતે આજે પામતેલનો વાયદો ૫૬ પોઈન્ટ ઊછળ્યો હતો. મલેશિયાથી પામતેલની કુલ નિકાસ ૧થી ૧૫ મે દરમિયાન આશરે ૬થી ૭ ટકા વધ્યાના નિર્દેશો હતા. દરમિયાન, મલેશિયાએ ભારત સાથે વણસેલા સંબંધો સુધારવા ભારત ખાતેથી ૧ લાખ ટન ચોખાની આયાત કરવા નિર્ણય કર્યાના સમાચાર હતા. ભારત સરકારે આજે ખાદ્યતેલોના વેપારને નિયંત્રણ મુક્ત કરવા નિર્ણય કરતા બજારમાં આવકારની લાગણી જણાઈ હતી.
મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ વધી પામતેલના રૂ.૭૧૫ બોલાયા હતા. રૂ.૭૧૨થી રૂ.૭૧૪માં રેડી ડિલિવરીના છૂટાછવાયા વેપાર થયા હતા, જ્યારે ૧થી ૧૦ જૂનની ડિલિવરી માટે રૂ.૭૧૦માં ૨૦૦થી ૨૫૦ ટનના વેપાર થયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ) કંડલાના ભાવ વધી રૂ.૬૩૫ રહ્યા હતા, જ્યારે વાયદા બજારમાં સાંજે સીપીઓના ભાવ વધી રૂ.૬૧૧.૫૦ તથા સોયાતેલ વાયદાના ભાવ વધી રૂ.૭૯૮.૬૦ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ હાજર બજારમાં સિંગતેલના ભાવ રૂ.૧,૪૪૦થી રૂ.૧,૪૫૦, કપાસિયા તેલના રૂ.૮૨૫, સોયાતેલના ડીગમના રૂ.૭૬૦ તથા રિફાઈન્ડના રૂ.૭૯૫, સનફ્લાવરના રૂ.૮૪૫ તથા રિફાઈન્ડના રૂ.૮૯૦થી રૂ.૮૯૫ તથા મસ્ટર્ડના રૂ.૮૮૦ રહ્યા હતા. સિંગતેલના ભાવ ઉત્પાદક મથકોએ રૂ.૧,૩૭૫થી રૂ.૧,૪૨૫ અને કોટન વોશ્ડના રૂ.૭૯૦ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે દિવેલના ભાવ ૧૦ કિલોના વધુ રૂ.૭ ઘટી રૂ.૮૦૮થી રૂ.૮૨૮ બોલાયા હતા, જ્યારે હાજર એરંડાના ભાવ રૂ.૩,૯૭૫વાળા રૂ.૩,૯૪૦ રહ્યા હતા. નવી નિકાસ માગ અપેક્ષાથી ઓછી બતાવાતી હતી. એરંડા વાયદાના ભાવ આજે જૂનના રૂ.૪૦થી રૂ.૪૫ ઘટી સાંજે ભાવ રૂ.૩,૬૨૦થી રૂ.૩,૬૨૫ બોલાઈ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં ૧ ટનના ભાવ આજે સનફ્લાવર ખોળના રૂ.૫૦૦ વધી રૂ.૨૦,૦૦૦ રહ્યા હતા, જ્યારે અન્ય ખોળો ટકેલા હતા. દરમિયાન, અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૯ પોઈન્ટ વધ્યા પછી આજે સાંજે પ્રોજેક્શનમાં ભાવ વધુ ૧૫થી ૧૬ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડ તેલ ઊંચકાતાં ખાદ્યતેલોના ભાવમાં વૈશ્વિક સ્તરે તેજીનો ચમકારો જોવા મળ્યાનું જાણકારોએ જણાવ્યું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fWpdYf
via Latest Gujarati News
0 Comments