ચાંદી એક કિલોના ભાવમાં રૂપિયા 2000નો જંગી ઉછાળો


- ક્રૂડ તેલમાં આગળ ધપતો સુધારોઃ મુખ્ય વિદેશી ચલણો સામે રૂપિયામાં સ્થિરતા

(વાણિજ્ય પ્રતિનિધિ)   મુંબઈ, તા. 15 મે 2020, શુક્રવાર

અમેરિકા-ચીન વચ્ચેના સંબંધો વણસતા અને અમેરિકામાં જોબલેસ આંકડા વધી જતાં વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં સોનાચાંદીમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. કોરોનાવાઈરસની તાણ વચ્ચો સોનામાં નવા વિક્રમી ભાવ જોવા મળ્ય છે. ચાંદીમાં આજે કિલો દીઠ રૂપિયા ૨૦૦૦નો ઉછાળો રહ્યો હતો. અમેરિકાના બેરોજગારીના આંકડા ઊંચે જતા વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ ઘટયો હતો. ઘરઆંગણે કરન્સી બજારમાં વિવિધ ચલણો સામે રૂપિયો ટકેલો હતો જ્યારે વિદેશમાં ક્ડ તેલમાં સુધારો જળવાઈ રહ્યો હતો.

સ્થાનિકમાં ગોલ્ડ ૯૯.૫૦ના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે ગઈકાલે રૂપિયા ૪૬૧૩૬ બંધ રહ્યા હતા તે આજે ઉછળીને ૪૬૮૭૯ બંધ રહ્યા હતા. ૯૯.૯૦ના જીએસટી વગરના ભાવ રૂપિયા ૪૬૩૨૨ પરથી વધીને રૂપિયા ૪૭૦૬૭ બંધ રહ્યા હતા. દસ ગ્રામના જીએસટી સાથેના ભાવ રૂપિયા ૪૮૫૦૦ સાથે નવી ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા. આમ કોરોનાવાઈરસ વચ્ચે ગોલ્ડ રૂપિયા ૫૦,૦૦૦ તરફ ધસી રહ્યું છે. ગોલ્ડની પાછળ ચાંદીમાં એક કિલોમાં રૂપિયા ૨૦૦૦નો ઉછાળો આવ્યો હતો. ચાંદી જે ગઈકાલે જીએસટી વગર એક કિલોના ભાવ રૂપિયા ૪૨૯૮૫ હતા તે આજે રૂપિયા ૪૫૦૦૦ને પાર કરી રૂપિયા ૪૫૦૩૫ બંધ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. 

વિશ્વ બજારમાં ગોલ્ડ એક ઔંસના ભાવ જે ગઈકાલે ૧૭૧૫ ડોલર રહ્યા હતા તે આજે વધીને ૧૭૩૮ ડોલર બોલાતા હતા. ચાંદી ઔંસ દીઠ વધી ૧૫.૫૩ ડોલર પરથી વધી ૧૬.૪૦ ડોલર બોલાતી હતી. અન્ય કિંમતી ધાતુઓ પ્લેટિનમના ભાવ ઔંસ દીઠ ૭૬૪ ડોલર પરથી વધી ૭૭૬ ડોલર બોલાતા હતા, જ્યારે પેલેડિયમ ૧૮૧૧ ડોલર પરથી ઉછળી ૧૮૩૦ ડોલર જોવાયું હતું. 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના પ્રમુખ સાથે હાલમાં કોઈપણ વાતચીત કરવાનું નકારી કાઢતા બન્ને દેશો વચ્ચે તાણ વધવાના સંજોગો ઊભા થયા છે. ચીનના માલ પર ડયૂટી વધારવાના મુદ્દે ટ્રમ્પ ટસના મસ થવા માગતા નથી. આમ વિશ્વ બજારમાં બન્ને મહાસત્તાઓ વચ્ચે ફરી વેપાર વ્યવહાર મુદ્દે અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું થયું છે. 

સ્થાનિક કરન્સી બજારમાં મુખ્ય ચલણો સામે રૂપિયો ટકેલો રહ્યો હતો. ડોલર ઈન્ટ્રાડેમાં નીચામાં ૭૫.૪૧ રૂપિયા થઈ છેવટે ૭૫.૫૭ રૂપિયા બંધ રહ્યો હતો. પાઉન્ડ ૯૨.૨૮ રૂપિયા જ્યારે યુરો ચાર પૈસા સુધરી ૮૧.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. ક્ડ તેલમાં સુધારો આગળ ધપ્યો હતો. ન્યુયોર્ક પ્રતિ બેરલ ૨૮.૫૦ ડોલર જ્યારે બ્રેન્ટ ક્ડ બેરલ દીઠ ૩૧ ડોલર પાર કરીને ૩૧.૮૦ ડોલર બોલાતું હતું. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LwlUZV
via Latest Gujarati News

Post a Comment

0 Comments