
નવી દિલ્હી તા.15 મે 2020, શુક્રવાર
આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર સર્વિસ દ્વારા ભારતીય પાવર ક્ષેત્ર માટેના આઉટલૂકને સ્ટેબલ થી ડાઉનગ્રેડ નેગેટીવ કરાયું છે. દેશમાં પાવરની માંગમાં ઘટાડા, ચૂકવણીમાં વિલંબો અને સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલા પગલાંમાં યુટિલિટી કંપનીઓને બદલે ગ્રાહકોની તરફેણ કરાઈ હોઈ તેની વિપરીત અસરના અંદાજે આ રેટીંગ આઉટલૂક ડાઉનગ્રેડ કરાયું છે.
અલબત મૂડીઝના આ રીપોર્ટમાં ૧૩,મે ૨૦૨૦ના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા જાહેર કરાયેલા પાવર ક્ષેત્ર માટે રૂ.૯૦,૦૦૦ કરોડની પ્રવાહિતાના પ્રોગ્રામની અસર બાબતે ચૂપકીદિ સેવાઈ છે. મૂડીઝનું કહેવું છે કે, વીજળીની માંગમાં ઘટાડાથી ટૂંકાગાળા માટે પાવરના દરોને અસર થશે અને કોલસા આધારિત પાવર પ્લાન્ટોના વપરાશ-સરકારી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ જે સબસીડિઓ પર નિર્ભર છે, એમની પાવર કંપનીઓને ચૂકવણી વિલંબમાં પડશે. કેમ કે સરકાર સબસીડિઓ સામાજીક અને સ્વાસ્થ્ય ખર્ચ પાછળ કરે એવી શકયતા છે. આ સાથે મોટાભાગના રેટેડ ઈસ્યુઅર્સ ચૂકવણીમાં વિલંબમાં વધારાને પચાવી લશે, પરંતુ કેટલીક કંપનીઓ પ્રવાહિતાની તાણ અનુભવશે એવું મૂડીઝનું કહેવું છે.
કંપનીઓની ધિરાણ શાખ-પ્રોફાઈલ માટે લિક્વિડિટી બફર જાળવવું ખૂબ જરૂરી છે. કેન્દ્ર સરકાર હસ્તકના સાહસો આ મંદ માંગ અને વિલંબથી ચૂકવણીની પરિસ્થિતિમાં સારી સ્થિતિમાં રહેશે. જ્યારે રેટેડ રીન્યુએબલ પાવર કંપનીઓ તેમના સાધારણ થી ઊચા ફાઈનાન્શિયલ લિવરેજથી અનિશ્ચિત રહેશે. લિક્વિડિટી પેકેજ મુજબ આરઈસી અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશન પાવર ઉત્પાદક કંપનીઓના બિલોની ચૂકવણીમાં મદદ માટે ડિસ્કોમ્સને રૂ.૯૦,૦૦૦ કરોડની રાહતના દરે લોન ઓફર કરશે. સરકાર એનટીપીસી, એનએચપીસી અને પીજીસીઆઈએલ જેવા કેન્દ્રિય પાવર સાહસોને ડિસ્કોમ્સ દ્વારા લોકડાઉનના સમયગાળામાં નહીં લેવાયેલા ફિક્સ્ડ ચાર્જિસ ઉઘરાવવાનું મોકૂફ રાખવા જણાવશે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WXDSK8
via Latest Gujarati News
0 Comments