ક્રૂડ તેલ ઊંચકાતા વિશ્વબજારમાં પામતેલના ભાવમાં ઉછાળોઃ આયાતી ખાદ્યતેલોમાં મજબૂતાઈ


મુંબઈ,03 જુન 2020 બુધવાર

મુંબઈ તેલ-તેલીબિયાં બજારમાં આજે સિંગતેલની આગેવાની હેઠળ વિવિધ આયાતી ખાદ્યતેલોના હાજર ભાવમાં તેજી આગળ વધી હતી, જ્યારે વાયદા બજારમાં વધ્યામથાળે ઉછાળો પચાવાઈ રહ્યો હતો. જોકે, સિંગતેલના ભાવ ઘટયામથાળે સૂસ્ત રહ્યા હતા તથા સ્થિર થવા મથી રહ્યા હતા, એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વબજારના સમાચાર પ્રોત્સાહક હતા. વિશ્વબજારમાં ક્રૂડ તેલ ઊંચકાતા વૈશ્વિકસ્તરે વિવિધ ખાદ્યતેલોના ભાવમાં નવો ઉછાળો જોવા મળ્યો હતો.

મલેશિયા ખાતે પામતેલનો વાયદો દૂરની ડિલિવરીમાં 55થી 62 પોઈન્ટ ઊંચકાયો હતો, જ્યારે ત્યાં પામ પ્રોડક્ટના ભાવ 7.50થી 10.00 ડોલર ઊછળ્યા હતા. અમેરિકાના શિકાગો બજારમાં સોયાતેલનો વાયદો ઓવરનાઈટ 34 પોઈન્ટ ઊંચકાયા પછી આજે સાંજે પ્રોજેક્શનમાં ભાવ વધુ 8થી 9 પોઈન્ટ ઊંચા બોલાઈ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે 10 કિલોના ભાવ પામતેલના ઊંચકાઈ રૂ.755, જ્યારે ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ) કંડલાના ભાવ પણ મક્કમ રહ્યા હતા. વાયદા બજારમાં આજે સોયાતેલ વાયદાના ભાવ સાંજે રૂ.814.80 તથા સીપીઓના રૂ.664 બોલાઈ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં સિંગતેલના ભાવ 10 કિલોના રૂ.1,320, કપાસિયા તેલના રૂ.828, સોયાતેલ ડીગમના રૂ.780થી રૂ.785 તથા રિફાઈન્ડના રૂ.815થી રૂ.820, સનફ્લાવરના રૂ.875 તથા રિફાઈન્ડના રૂ.920, મસ્ટર્ડના રૂ.930 રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે દિવેલના ભાવ રૂ.5 વધી રૂ.769થી રૂ.789 રહ્યા હતા, જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.3,720થી વધી રૂ.3,745 બોલાતા હતા.

 મુંબઈ ખોળ બજારમાં આજે કપાસિયા ખોળના ભાવ 1 ટનના રૂ.500 વધી રૂ.24,000 બોલાયા હતા, જ્યારે અન્ય ખોળો શાંત હતા. દરમિયાન, ઉત્પાદક મથકોએ આજે સિંગતેલના ભાવ રૂ.1,275 તથા કોટન વોશ્ડના રૂ.780થી રૂ.783 રહ્યાના સમાચાર હતા. મુંબઈ બજારમાં આજે પામતેલમાં રૂ.755ના મથાળે છૂટાછવાયા વેપાર થયા હતા. મુંબઈ શહેરમાં વાવાઝોડાની હવા વચ્ચે આજે બજારમાં હાજરી પાંખી અને વેપારો ધીમા રહ્યા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, અમેરિકાના કૃષિબજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનનો વાયદો 100 પોઈન્ટ તથા કોટન વાયદો 31 પોઈન્ટ અને સોયાખોળનો વાયદો 8 પોઈન્ટ ઊંચકાયાના સમાચાર મળ્યા હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cCHBTr
via Latest Gujarati News

Post a Comment

0 Comments