
રાજ્યમાં વાવણીનું કાર્ય સામાન્ય રીતે ૧૫મી જૂન પછી શરૂ થતું હોય છે પરંતુ આ વર્ષે ચોમાસુ અઠવાડિયા પહેલા બેસતા ખેડૂતોએ ત્રણેક લાખ હેક્ટરમાં વાવણીના કામકાજના જોરશોરથી શ્રીગણેશ થયા છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં કપાસ તથા મગફળી જેવા રોકડિયા પાકોનું વાવેતર વધું થાય છે. સાથે સાથે જુવાર, બાજરી, મકાઈ તથા અન્ય પાકોનું ચોમાસું વાવેતરની કામગીરી ઝડપથી વધી રહી છે. ગત વર્ષે લાંબા સમય સુધી ચોમાસુ સક્રિય રહેવાના તેમજ વધુ વરસાદને કારણે જમીનમાં ભેજ પ્રમાણ જળવાઈ રહેતાં રવિ તથા ઉનાળુ પાકના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો હતો. જો કે, રવિ પાકની કાપણી સમયે જ દેશમાં કોરોનાની મહામારી વકરતા સમયસર પાકોના વેચાણની કામગીરી શરૂ નહિ થતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. સરકાર ખેડૂતોની આવકો વર્ષ ૨૦૨૨ સુધીમાં ડબલ કરવાના પ્રયાસો સંદર્ભે કૃષિ ક્ષેત્રમાં અસામાન્ય ફેરફારો સુધારા કરીને ગ્લોબલાઇઝ તરફ આગળ વધી રહી છે. આત્મનિર્ભર થવાની સરકારની નીતિ અન્વયે કૃષિ ક્ષેત્રમાં નિકાસ વધારવા ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે. સમગ્ર વિશ્વ કોરોનાથી પીડિત છે ત્યારે ફ્રોઝન ફૂડની વધતી જતી માંગ તેની નિકાસમાં હજુ ઘણી આગળ વધી શકે એમ છે. પૂર્વ એશિયાના દેશોમાં ફ્રોઝન ફૂડની માંગ સતત વધી રહી હોવાથી ભારતીય કંપનીઓને સરકારે આ દિશામાં નિકાસ વધારવા અપીલ કરી છે.
સમગ્ર વિશ્વમાં ખાદ્ય ઉત્પાદનમાં ભારત બીજા નંબરે છે. દેશમાં થતા કુલ ઉત્પાદન પૈકી માંડ દશેક ટકા ઉત્પાદનનું પ્રોસેસિંગ થઈ રહ્યું છે. ઉત્પાદિત પાકોના સંરક્ષણ માટે દેશમાં સ્ટોરેજ કેપેસીટી નબળી છે દેશમાં ઉત્પાદિત પાકોને સમયસર રક્ષણ નહિ મળવાથી બગડી જતા પાકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. કોલ્ડ સ્ટોરેજ, પાક વિમા તેમજ પાકના ખરીદ- વેચાણની પ્રક્રિયા સહિતની અનેક પ્રક્રિયાઓ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે તો સરવાળે ખેડૂતોની આવકમાં વધારો થવાની વિપુલ તકો જોવા મળી રહી છે. ફ્રોઝન- ફૂડ તેમજ રેડી ટુ ઇટ જેવા સેગમેન્ટમાં હજી કામ બાકી છે. કોરોનાને કારણે ચીનનો લગભગ બહિષ્કાર થઈ રહ્યો છે. ત્યારે ખાદ્ય નિકાસમાં ભારતને ફાયદો થઈ શકે તેવી સ્થિતિ છે.
જો કે ભારતમાંથી ખાદ્ય ચીજોની ખાસ કરીને મસાલા જેવી ચીજોની નિકાસમાં નોંધપાત્ર વધારો થયેલ છે. કોરોનાને કારણે વિશ્વમાં નોન-વેજ ખાણુ લેનારની સંખ્યા ઝડપથી ઘટી રહી હોવાથી મસાલા પાકના વપરાશમાં ઘટાડો થઈ રહ્યો છે. સાથે સાથે હોટલો, રેસ્ટોરન્ટો, ટુરિઝમ સેક્ટર પણ બંધ થઈ જતાં મસાલા ચીજોનો વપરાશ ઘટયો છે. જેના કારણે જીરા સહિત મસાલા બજારમાં આજકાલ સુસ્તી પ્રવર્તી રહી છે. કોરોનાની મહામારીમાં પણ જીરાના મુખ્ય બજાર ઉંઝામાં સમયાંતરે પણ હરાજીના કામકાજો શરૂ થતા રાજસ્થાન તરફથી ૨૦થી ૨૨ લાખ બોરી તથા ગુજરાતમાંથી ૧૫થી ૧૬ લાખ બોરીની આવકો થઈ હોવાનો અંદાજ છે. જે પૈકી જીરાની નિકાસ મે માસમાં લગભગ છથી સાત લાખ બોરી હોવાની શક્યતા છે. વૈશ્વિક સ્તરે જીરાના ભાવો નીચા હોવાથી ડિમાન્ડ ધીરે ધીરે વધી રહી છે. ચાઇનીઝ જીરાના ભાવો પ્રતિ ટને ૨૪૦૦થી ૨૫૦૦ ડોલરની સામે ભારતીય જીરૂની બજાર ૧૮૦૦થી ૧૯૦૦ ડોલરની આસપાસ હોવાથી આ વર્ષે જીરાની નિકાસમાં વધારો થવાની શક્યતા વેપારી વર્ગ જણાવી રહ્યો છે. જો કે, માર્ચ માસમાં જીરા ઉત્પાદિત રાજસ્થાનમાં થયેલા માવઠાઓને જીરાના પાકમાં થયો હોવાની ગણત્રીથી અપેક્ષિત ઉત્પાદનમાં ગાબડું રહે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. રાજસ્થાનના માલોમાં બગાડ થતાં ગુણવત્તા નબળી પડી રહી હોવાની ચર્ચા છે. જીરા ઉત્પાદિત અન્ય દેશોમાં અફઘાનિસ્તાનમાં તથા ઇરાકમાં પાક દોઢા કરતા વધુ છે. અફઘાનિસ્તાનમાં જીરાની માંગ યુરોપિયન તેમજ બાંગ્લાદેશ, તુર્કી જેવા દેશોમાં વધી રહી છે. ઇરાનમાં જીરાની લોકલ ડિમાન્ડની સાથે સાથે જાપાનની માંગ પણ વધી રહી હોવાના અહેવાલ છે. તુર્કીમાં રાજકીય બગડેલી સ્થિતિને કારણે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડા માંડ પાંચથી સાત હજાર ટન રહે તેવી ગણત્રી છે. તુર્કીમાં માલોની હેરાફેરીમાં પણ મોટી સમસ્યાઓ નડી રહી હોવાની રાવ છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zxu029
via Latest Gujarati News
0 Comments