ડિરેક્ટરોના ચૂકવણા ઉપર GST અને GST કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલ રાહત


GST કાયદા હેઠળ તકરારો ઘણી થવાની વારંવાર સરકાર દ્વારા ગતકડા કરવામાં આવે અને પછી માન. વડી અદાલતોના આદેશને લીધે તુઘલકી પરિપત્રો પાછા ખેંચવામાં આવે અને કાયદો સુધારવામાં આવે વર્તમાન પરિસ્થિતિ કટોકટીની છે. તાજેતરમાં GSTકાઉન્સિલની ૪૦મી સભા થઈ અને તેમાં લાભદાયક નિર્ણય લેવામાં આવ્યા છે. તદ્ઉપરાંત કંપની એક્ટ હેઠળ રચાયેલી કંપનીઓના ડિરેક્ટરના પગાર ઉપર GST કાયદા હેઠળ મોટી જવાબદારી ઉદ્ભવે તેવો ભય દૂર કરવા માટે સરકારશ્રી દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આજના લેખમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી છે.

GST કાઉન્સિલની ૪૦મી સભા

તા. ૧૨ જૂન ૨૦૨૦ના રોજ થયેલ GST કાઉન્સિલની સભામાં જૂના બાકી ભરવાપાત્ર પત્રકો તથા હાલ ચાલી રહેલ કપરા સમય માટે ભરવાના થતા પત્રકો માટે રાહત આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. વ્યાપાર સુવિધા માટેના પગલા હેઠળ અગાઉના સમય માટેના પત્રક ફોર્મ GSTR3B  ભરવા ઉપર લાગતી લેટ ફીમાં રાહત આપવામાં આવી છે. જુલાઈ ૨૦૧૭થી જાન્યુઆરી ૨૦૨૦ સુધીના GSTR3B ભરવાના બાકી હશે જેમાં કોઈ કર જવાબદારી આવતી ન હોય તો કોઈ પણ લેટ ફી વગર પત્રક ભરી શકાશે. અન્ય કિસ્સા રૂા. ૧૦,૦૦૦ની મહત્તમ લેટ ફીના બદલે હવે મહત્તમ રૂા. ૫૦૦ લેટ ફી સાથે ભરી શકાશે. વ્યાજમાં કોઈ રાહત આપવામાં આવી નથી. આ લાભ તારીખ ૧-૭-૨૦૨૦થી ૩૦-૯-૨૦૨૦ દરમિયાન રજૂ કરવામાં આવેલ તમામ GSTR3B પત્રકને લાગુ પડશે વધુમાં ૫ કરોડ કે તેનાથી ઓછું એગ્રિગેટ ટર્નઓવર કરનારા કરદાતાઓ માટે ફેબુ્રઆરી ૨૦૨૦, માર્ચ ૨૦૨૦ અને એપ્રિલ ૨૦૨૦ માસના પત્રક  GSTR3B માં ભરવાપાત્ર રકમ ઉપર વિલંબના કારણે વ્યાજનો દર ૧૮%ના બદલે ૯% રાહતના દરે ૩૦-૯-૨૦૨૦ સુધી ભરી શકાશે. હાલમાં આવા કરદાતાઓ માટે તબક્કાવાર ૬ જુલાઈ ૨૦૨૦ સુધી વ્યાજ વગર પત્રક ભરવાની રાહત આપી હતી. તદ્ઉપરાંત આવા ૫ કરોડ સુધી ટર્નઓવર કરનારા સપ્લાયરોને મે, જૂન તથા જુલાઈ ૨૦૨૦ના માસ પત્રક GSTR3B ભરવા માટે સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં (તબક્કાવાર તારીખો સૂચિત કરવામાં આવશે.) ભરવાથી કોઈ વ્યાજ કે લેટ ફી લાગશે નહીં તા. ૧૨ જૂન ૨૦૨૦ સુધી નાના કરદાતા જેમનો નોંધણી નંબર રદ કરવામાં આવેલ હોય અને તેને પુનઃસ્થાપિત ન કરી શક્યા હોય તેવા તમામ કિસ્સામાં તા. ૩૦-૯-૨૦૨૦ સુધીમાં નોંધણીનું રદ્દીકરણ પાછું ખેંચવા માટે અરજી કરવાની તક આપવામાં આવશે.

ડિરેક્ટરોના ચૂકવણા ઉપર GST 

ડિરેક્ટર દ્વારા કોઈ સેવા કંપનીને પૂરી પાડવામાં આવતી હોય તો તે રકમ ઉપર કંપનીએ રિવર્સ ચાર્જ ભરવાનો થાય સમગ્ર GST કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે ડિરેક્ટરોના પગાર ઉપર રિવર્સ ચાર્જ હેઠળ GST ભરવો પડે. તેમ છતાં રાજસ્થાન રાજ્યની એડવાન્સ રૂલિંગ ઓથોરિટી દ્વારા ક્લે ક્રાફ્ટ્સ ઇ.પ્રા.લિ. RAJ/AAR/ 2019-20/33 ના કેસમાં તા. ૨૦-૦૨-૨૦૨૦ અપાયેલા ચૂકાદામાં એમ ઠરાવ્યું કે ડિરેક્ટર કંપનીનો કર્મચારી નથી અને તેને ચૂકવાતા મહેનતાણા ઉપર કંપની દ્વારા GST ભરવાની ફરજ પડે. GST કાયદાની કલમ ૭ (૨)ની જોગવાઈ મુજબ કાયદાની અનુસૂચિ III માં દર્શાવેલ પ્રવૃત્તિઓ અને વ્યવહારો માલ કે સેવાના વ્યવહાર ગણવામાં આવશે નહીં. જેમાં કર્મચારી દ્વારા માલિકને નોકરી દરમ્યાન કે તે પેટે અપાતી સેવાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ કર્ણાટકના એડવાન્સ રૂલિંગ ઓથોરિટીએ તા. ૪-૫-૨૦૨૦ના રોજ અનિલકુમાર અગ્રવાલ KAR/ AORG/ 30/2020ની અરજીમાં એમ ઠરાવેલ કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરને ચૂકવાતા પગાર ઉપર GST ન લાગે અને નોન- એક્ઝિક્યુટિવ ડિરેક્ટરને અપાતા પગાર ઉપર GST લાગે અને આ દુવિધા દૂર કરવા માટે સરકારશ્રીએ પરિપત્ર નં. ૧૪૦/૧૦/૨૦૨૦ તા. ૧૦ જૂન ૨૦૨૦ના રોજ જાહેર કરી ચોખવટ કરી કે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર સિવાયના તમામ ડિરેક્ટરને જે રકમ પગાર તરીકે ચૂકવાતી હોય અને હિસાબી સાહિત્યમાં પણ પગાર તરીકે દર્શાવવામાં આવે તેવી રકમ ઉપર GST ભરવાનો થાય નહીં. વધુ ચોખવટ કરી છે કે, જે રકમ ઉપર ઇન્કમટેક્સ કાયદા હેઠળ કલમ ૧૯૨ હેઠળ ટીડીએસ કપાતપાત્ર હોય તે પગાર ગણાશે અને GST લાગશે નહીં પણ જોકોઈ રકમ ઉપરકલમ ૧૯૪ જે હેઠળ ટીડીએસ કપાત કરી હશે તેના ઉપર GST ભરવાનો થશે. પરિપત્રમાં ચોખવટ કરી નથી પણ ડિરેક્ટરને ઓફિસ ફેક્ટરી માટે રાખવાના ભાડા ઉપર પણ રિવર્સ ચાર્જ હેઠળ GST ન લાગે.




from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hoGL09
via Latest Gujarati News

Post a Comment

0 Comments