હોટેલ ઇન્ડસ્ટ્રીને રૂ. 90,000 કરોડનો ફટકો


કો રોના મહામારીના કારણે તમામ પ્રકારની આર્થિક ગતિવિધીઓ ઠપ થઇ ગયા બાદ જૂન માસથી શરૂ થયેલ અનલોકના તબક્કામાં વિવિધ ધંધા-રોજગાર/ઉદ્યોગો પુનઃ ધમધમતા થતા આર્થિક ગતિવિધીઓ વધવાની સાથે અર્થતંત્ર પણ પુનઃધબકતું થયું છે પરંતુ દેશની હોટલ ઇન્ડસ્ટ્રી આ વાસ્તવિક સ્થિતિથી ઘણી દૂર છે. ગત માર્ચ માસથી ઠપ થયેલ આ ઇન્ડસ્ટ્રીને અનલોક તબક્કા દરમિયાન વિવિધ છૂટછાટો અપાઈ હોવા છતાં પણ આ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણપણે ઠપ થઇ ગઇ છે. આમ, સતત ત્રણ માસથી આ ઇન્ડસ્ટ્રીમાં કામકાજ ઠપ થઇ જતા રૂ. ૯૦,૦૦૦ કરોડનો તોતિંગ ફટકો પડયો છે તેમ હોટલ ઊદ્યોગની સંસ્થા હોટલ એસોસીએશન ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું.

ઉપલબ્ધ ડેટા મુજબ દેશમાં કુલ ૨૮ લાખ જેટલી હોટલો છે. જેમાંથી ૧૫ ટકા બ્રાન્ડેડ હોટલ છે. લોકડાઉન પહેલા સમગ્ર દેશના નાના-મોટા શહેરોમાં આ ઉદ્યોગ ધમધમતો હતો. લોકડાઉનના પ્રથમ બે માસમાંતો આ ઇન્ડસ્ટ્રી ઠપ જ થઇ ગઇ હતી. જૂન માસથી શરૂ થયેલ અનલોકના તબક્કા દરમિયાન આ ઇન્ડસ્ટ્રી માટે પણ છૂટછાટો જાહેર થઇ હતી. પરંતુ આ છૂટછાટોથી આ ઇન્ડસ્ટ્રીને સ્હેજ પણ રાહત થઇ નથી.

અનલોકના તબક્કામાં ચોક્કસ સરકારી નીતિનિયમોના અમલના કારણે લોકો હાલ પ્રવાસ કરવાનું ટાળે છે. જો પ્રવાસ કરે તો પણ હોટલોથી દૂર રહી વૈકલ્પીક વ્યવસ્થા કરે છે. આ ઉપરાંત, હાલ દેશના ઘણા બધા રાજ્યોમાં આંશિક લોકડાઉનનો અમલ થઇ રહ્યો હોઈ લોકોમાં ગભરાટ યથાવત જ છે.

ઉદ્ભવેલ આ પ્રતિકૂળ સ્થિતિના કારણે ચાલુ વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં પણ આ સ્થિતિમાં કોઈ જ બદલાવ આવે તેવી શક્યતા નથી. એક અંદાજ મુજબ આ ઇન્ડસ્ટ્રીને પુનઃ ધમધમતી થવા અંદાજે ૩૦થી ૩૬ મહિના જેટલો સમય લાગી જશે. આ સમય બાદ પણ આ ઇન્ડસ્ટ્રી ૫૦થી ૬૦ ટકા જેટલી જ કાર્યરત થશે તેવો અંદાજ મુકાઇ રહ્યો છે. આમ, કોરોના મહામારીના કારણે હોટલ ઇન્ડસ્ટ્રી ઠપ થઇ જવા પામી છે.

રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલ મોરેટોરિયમ યોજનાનો આ ઇન્ડસ્ટ્રીએ પણ લાભ લીધો હતો. પરંતુ, તેની સમયમર્યાદા હવે પૂર્ણ થવા તરફ છે. જેના કારણે બેંકો દ્વારા આ ઇન્ડસ્ટ્રી પર લોનની વસુલાતનું દબાણ વધી રહ્યું છે. ઉદ્ભવેલ આ પ્રતિકૂળ સ્થિતિના કારણે હોટલ ઇન્ડસ્ટ્રીની સર્વોચ્ચ સંસ્થાએ આ ઇન્ડસ્ટ્રીને બેંકનું દેવું (લોન) ચૂકવવામા વધુ રાહત આપવા રજૂઆત કરી છે.

અંદાજે ૧૬ કરોડ લોકોને રોજગાર પૂરો પાડતી આ ઇન્ડસ્ટ્રીએ એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૩ સુધીમાં વ્યાજ પેટે રૂ. ૬૭૫૦ કરોડ ચૂકવવાના છે. જો રિઝર્વ બેંક આ ઇન્ડસ્ટ્રી માટે રાહત જાહેર કરે તો પણ ઇન્ડસ્ટ્રી માથે પ્રતિકૂળતાઓ યથાવત જ રહેશે. લોનના વ્યાજ સિવાયની અન્ય જવાબદારીઓ જોતા રાહત મળશે તો પણ આ ઇન્ડસ્ટ્રી માથેનું ૯થી ૧૦ જેટલું દેવું એનપીએમાં રૂપાંતરિત થવાની સંભાવના છે. જો બેંકો કોઈ ચોક્કસ પગલાં નહીં ભરે તો રૂ. ૨૨,૫૦૦ કરોડની એનપીએ વધી જશે. આમ, કોરોના મહામારીના પગલે હોટલ ઇન્ડસ્ટ્રીનું ભાવિ અંધકારમય બની જવા પામ્યું છે.

રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીના ભાવિ સામે પ્રશ્નાર્થ...

કોરોના મહામારીના પગલે રેસ્ટોરેન્ટ, ડાઈન ઇન હોટલોના ભાવિ સામે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. અનલોકના તબક્કામાં આ ઇન્ડસ્ટ્રીને પણ રાહત આપવામાં આવી છે. પરંતુ, સમય મર્યાદા, સોશિયલ ડિસ્ટન્સના નિયમનો અને ભયના કારણે લોકો બહાર જમવા જવાનું ટાળે છે.

ગુજરાત રાજ્યમાં હાલ રાત્રે નવ વાગ્યા સુધી છૂટ આપવામાં આવી છે. પરંતુ લોકો કોરોનાનો ગભરાટ અને અમલી બનાવેલ 

નિયમનોના કારણે રેસ્ટોરેન્ટનું પગથિયું જ ચઢતા નથી.

બીજી, તરફ આ ઇન્ડસ્ટ્રીમાં પણ સ્કીલ્ડ શ્રમિકોની ખેંચ વર્તાઈ રહી છે તેની સાથોસાથ વેઇટર સહિત અન્ય મજૂરી કાર્ય કરતા શ્રમિકો પોતાના વતન ભેગા થઇ ગયા છે. તેથી સ્થાનિક શ્રમિકોથી કામ ચલાવવામાં આવી રહ્યું છે.

રેસ્ટોરન્ટ, ડાઈન ઇન હોટેલોની બીજી તરફ ઓછા કિંમતમાં ભોજન પૂરૂ પાડતા નાના ઢાબાઓ તેમજ નાની નાની રેસ્ટોરેન્ટ મર્યાદિત પ્રમાણમાં ખૂલી છે પણ ત્યાં પણ ગ્રાહકો દેખાતા નથી. અગાઉના સમયની તુલનાએ હાલ વીસેક ટકા જેટલો બિઝનેસ થાય છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Zk2Sxz
via Latest Gujarati News

Post a Comment

0 Comments