
કો રોનાવાઈરસના ફેલાવાને કારણે છેલ્લા ત્રણ મહિનામાં દેશના ઉત્પાદન ક્ષેત્ર તથા સેવા ક્ષેત્રની સ્થિતિ કથળેલી જોવા મળી હતી. દેશના જીડીપીમાં ૬૦ ટકાથી વધુ યોગદાન ધરાવતા સેવા ક્ષેત્રનો પીએમઆઈ સતત નીચો જોવા મળ્યો છે. કોવિડ-૧૯ની અસરને બાદ કરીએ તો પણ છેલ્લા કેટલાક સમયથી દેશનું મુખ્ય સેવા ક્ષેત્ર નબળું પડી રહ્યાનું જોવા મળી રહ્યું છે. મુખ્ય સેવાની નિકાસ કરતા આયાતમાં વધારો થઈ રહ્યો છે.
જેને કારણે સેવા ક્ષેત્રના વેપારમાં પુરાંત ઘટી રહી છે. જો સેવા ક્ષેત્રની નિકાસ કરતા આયાત વધતી રહેશે તો દેશની એકંદર વેપાર સમતુલામાં તબક્કાવાર ઘસારો જોવા મળશે, કારણ કે દેશના માલસામાનની નિકાસ પણ તાજેતરના વર્ષોમાં ખાસ પ્રોત્સાહક રહી નથી. સેવા તથા માલસામાનની નિકાસમાં ઘટાડા ઉપરાંત કોરોનાની અસરે દેશના નીતિવિષયકોની ચિંતામાં વધારો કર્યો છે.
મરચંડાઈઝ વેપાર ખાધ જે નાણાં વર્ષ ૨૦૧૬માં ૧૧૯ અબજ ડોલર હતી તે નાણાં વર્ષ ૨૦૨૦માં વધીને ૧૬૧ અબજ ડોલર રહી હતી. ક્રુડ ઓઈલના વૈશ્વિક ભાવ સાનકૂળ સપાટી પર હોવા છતાં આ વધારો જોવાયો છે.
ટેલિકમ્યુનિકેશન, કમ્પ્યુટર તથા ઈનફરમેશન સર્વિસીઝ જે ભારતના મુખ્ય સેવા ક્ષેત્રો છે તેનો હિસ્સો એકંદર સેવાની નિકાસમાં નાણાં વર્ષ ૨૦૧૯માં ઘટીને ૪૧.૫૦ ટકા પર આવી ગયો હતો જે ૨૦૧૭માં ૪૬.૯૦ ટકા હતો. ભારત અત્યારસુધી વિશ્વ બજારમાં આ સેગમેન્ટમાં જે પ્રભુત્વ ધરાવતું હતું તે ગુમાવી રહ્યાના સંકેત મળી રહ્યા છે. અમેરિકા દ્વારા વિઝા ધોરણો સખત બનાવવાને કારણે પણ આ સેગમેન્ટના વેપાર પર અસર જોવા મળી રહી છે.
કોઈપણ દેશની વેપાર કામગીરી પર વિદેશી તથા આંતરિક પરિબળો અસર કરતા રહેતા હોય છે. વૈશ્વિક આર્થિક મંદી, બજાર જોડાણો તથા વેપાર કરારો બહારી પરિબળો છે જ્યારે ઘરેલું પરિબળોમાં વિનિમય દર, સેવા તથા માલસામાનની ગુણવત્તા તથા વેપાર નીતિનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
આ બધા પરિબળો કોઈપણ દેશની નિકાસ સ્પર્ધાત્મકતા નિશ્ચિત કરે છે. દેશની નિકાસમાં તાજેતરના એકધારા ઘટાડા માટે નિકાસ બજારમાં સ્પર્ધા કરવાની આપણી અક્ષમતા દર્શાવે છે, જે કોવિડ-૧૯ પછીની સ્થિતિમાં કોઈપણ હિસાબે દૂર થવી રહી. વૈશ્વિક વેપારમાં મંદી અને વિશ્વના અનેક દેશોએ કોરોનાની અસરને કારણે તાજેતરમાં આયાત પદ્ધતિમાં કરેલા ફેરબદલ નિકાસમાં વધુ ઘટાડા માટે કારણભૂત બની શકે છે.
નિકાસ ઘટવાના કારણ ભલે તે હશે પરંતુ તેમાં ઘટાડો ભારત જેવા મોટા આયાતકાર દેશને લાંબો સમય સુધી પરવડી શકે નહીં એ પણ એક હકીકત છે. વિશ્વમાં ભારત ક્રુડ ઓઈલનો મોટો આયાતકાર દેશ છે. દેશની ક્રુડની ૭૦ ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે. સમશ્યા હોય તેના ઊકેલ પણ હોય છે. આ ઉક્તિને ધ્યાનમાં રાખી નિકાસ વધારવાના પગલાં ઓળખીને તેનો અમલ કરવો રહ્યો.
ડોલર સામે હાલમાં રૂપિયો ભલે નબળો હશે પરંતુ જ્યાંસુધી માલ કે સેવાના કોઈ કાયમી લેવાલ નહીં હોય ત્યાંસુધી આ ગણિત કામ આવતા નથી.
નિકાસ વધારવા રૂપિયાને નબળો રાખી મૂકવો એ કોઈ કાયમી દવા કે ઊકેલ નથી. આવી દવા હમેશા કારંગત નીવડતી નથી એ હકીકત છે. જો કે જાગતિક સ્પર્ધામાં ટકી રહેવા માટે દરેક નિકાસકાર દેશ માટે તેમના ચલણનું મૂલ્ય યોગ્ય રીતે મુકાય તે આવશ્યક છે.
અમેરિકા તથા યુરોપના દેશોની બજારો પર દેશના નિકાસકારોની વધુ પડતી નિર્ભરતા પણ દેશની નિકાસ ઘટવાનું એક કારણ માનવામાં આવે છે. ભારતની કુલ નિકાસમાંથી ચાલીસ ટકા નિકાસ આ દેશોની બજારોમાં થાય છે. આ દેશોમાં માગ ઘટવા સાથે તેની સીધી અસર આપણી નિકાસ પર પડે છે.
કોવિડ-૧૯ની અસર અમેરિકા તથા યુરોપના દેશો પર ઘણી જ ગંભીર પડી છે. જો કે વિવિધ દ્વીપક્ષી કરારોને કારણે ભારતની એશિયા વિસ્તારોની બજારોમાં નિકાસ વધી રહી છે પરંતુ પરંપરાગત માર્કેટોથી આગળ જઈને દેશના નિકાસકારોએ આફ્રિકા, દક્ષિણ અમેરિકા તથા અન્ય બિન-પરંપરાગત નિકાસ બજારોમાં પગપેસારો કરવા ખાસ પરિશ્રમ કર્યો નથી અથવા તો તેમાં તેમને સફળતા મળી નથી. વિશ્વમાં બદલાઈ રહેલી બજાર પદ્ધતિ તથા કોવિડ-૧૯ પછીની સ્થિતિમાં વૈશ્વિક માગમાં સૂચિત વધારાને ધ્યાનમાં રાખી નિકાસ બજારમાં વૈવિધ્યતા લવાય તે જરૂરી બની ગયું છે.
કોઈપણ દેશની નિકાસનો આધાર ભાવમાં સ્પર્ધાત્મકતા પર પણ રહેલો છે. એટલે કે વૈશ્વિક બજારોમાં ભાવની દ્રષ્ટિએ જે તે દેશના પ્રોડકટસ કેટલી સ્પર્ધા કરી શકે છે તેના પર પણ તેમની નિકાસ માગનો આધાર રહેતો હોય છે.
કર્મચારીબળ પાછળના ઊંચા ખર્ચને પરિણામે ચીન જેવા દેશો સામે ભારતની સ્પર્ધાત્મકતા પર અસર પડી છે. ડોલર સામે હાલમાં રૂપિયો નબળો પડવાને કારણે દેશની સેવાની નિકાસને ટેકો મળવાની તકો ઊભી થઈ છે પરંતુ ડોલર સામે માત્ર રૂપિયો જ નહીં પરંતુ અન્ય દેશોના ચલણને પણ ઘસારો પહોંચ્યો છે ત્યારે આ તક કેટલી પરિણામકારક રહે છે તે જોવું રહ્યું. સેવા ક્ષેત્રની બજારો માં પગપેસારો કરવા કરાતી ઓફરો વ્યાપક બનાવવા ઉપરાંત કૂશળ કર્મચારીબળ મળતું રહે તેની પણ ભારતે તકેદારી રાખવી રહી.
ભારતના સેવા ક્ષેત્રને સરહદપાર વિસ્તારવા ઉપરાંત જે રાષ્ટ્રો આપણી સેવાની આયાત કરે છે તે રાષ્ટ્રોમાં વધુ સ્થાન મેળવવા અથવા ત ટકાવી રાખવા ભારત હવે આક્રમક બને તે જરૂરી છે. આઈટી તથા આઈટી એનેબલ્ડ સેવા આપણું જમા પાસું છે ત્યારે આ સેવા ક્ષેત્રને સ્ટેપિંગ સ્ટોન બનાવી અન્ય નોન-આઈટી વ્યવસાયીક સેવામાં નિકાસ વધારવા પ્રયત્ન હાથ ધરવા રહ્યા. માત્ર ચોક્કસ પ્રકારની સેવાની નિકાસ પર નિર્ભર રહ્યા વગર ભારતે શિક્ષણ, આરોગ્ય સંભાળ તથા હોસ્પિટાલિટી જેવા પોતાના સેવા ક્ષેત્રની વિદેશમાં માગ અને આકર્ષણ વધે તેવા પગલાં લેવા પણ આજના સમયની માગ છે.
કોરોનાવાઈરસના ફેલાવાએ વિશ્વભરમાં આરોગ્યસંભાળ સેવાની જંગી માગ ઊભી કરી છે જેનો ભારતે લાભ ઉઠાવવો રહ્યો. કોરોનાને કારણે ચીન વિરુદ્ધ વિશ્વના મોટાભાગના દેશોની નારાજગીથી ચીનમાં ઊભી થયેલી ડામાડોળ સ્થિતિમાં વૈશ્વિક વિકાસના એન્જિન બનવાની સાંપડેલી તકનો ભારતે હવે પૂરતો લાભ લઈ લેવો રહ્યો, એમાં જ શાણપણ રહેલું છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fnBGnh
via Latest Gujarati News
0 Comments