
- ૮૧૩૩.૫ ટન સોના સાથે અમેરિકા ટોપ પર, જ્યારે ૬૫૭.૭ ટન સોના સાથે ભારત નવમા સ્થાને
વૈશ્વિક પરિબળો પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઉછળતા ઘરઆંગણાના બજારમાં પણ સોનું આભને આંબી જતા સામાન્ય માણસ માટે સોનાની ખરીદી એક સ્વપ્ન સમાન બની જવા પામી છે. આ વાસ્તવિક્તાની બીજી તરફ વિશ્વમાં એવા ૧૦ દેશો છે જેઓ સૌથી વધુ સોનાનો જથ્થો ધરાવે છે. સોનાના આ જથ્થાનું મુલ્ય અબજો રૂપિયાનું થાય છે.
તાજેતરમા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સોનું ધરાવતા ટોપ ટેન દેશોની યાદી જાહેર કરી છે. આ યાદી મુજબ સોનાનો સૌથી વધુ જથ્થો ધરાવતા ટોપ ટેન દેશમાં અમેરિકા પ્રથમ સ્થાને છે. ટોપ ટેન દેશોની આ યાદીમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
આ રિપોર્ટ મુજબ અમેરિકા પાસે સોનાનો સૌથી મોટો ભંડાર છે. ઉપલબ્ધ ડેટા મુજબ અમેરિકા કુલ ૮૧૩૩.૫ ટન સોનું ધરાવે છે. સમગ્ર વિશ્વમાં આ સૌથી મોટો જથ્થો છે. અમેરિકાના વિદેશી હુંડિયામણ ભંડોળમાં સોનાનો હિસ્સો ૭૯ ટકા જેટલો છે. ટોપ ટેન દેશોની આ યાદીમાં જર્મની બીજા ક્રમાંકે છે. જર્મની કુલ ૩૩૬૩.૬ ટન સોનું ધરાવે છે. તેના વિદેશી હુંડિયામણ ભંડોળમાં સોનાનો હિસ્સો ૭૫.૬ ટકા છે.
આ યાદીમાં ત્રીજા સ્થાને ઇટાલી આવે છે. ઇટાલી પાસે ૨૪૫૧.૮ ટન સોનું છે. તેના વિદેશી હુંડિયામણ ભંડોળમાં સોનાનો હિસ્સો ૭૧.૩ ટકા છે. ૨૪૩૬ ટન સોના સાથે ફ્રાંસ ચોથા ક્રમાંકે છે. તેના વિદેશી હુંડિયામણ ભંડોળમાં સોનાનો હિસ્સો ૬૫.૫ ટકા છે. જ્યારે ૨૨૯૯.૯ ટન સોના સાથે પાંચમા ક્રમાંકે રશિયા છે. તેના હુંડિયામણ ભંડોળમાં સોનાનો હિસ્સો ૨૩ ટકા છે.
૧૯૪૮.૩ ટન સોના સાથે ચીન આ યાદીમાં છઠ્ઠા ક્રમાંકે આવે છે. તેના હુંડિયામણ ભંડોળમાં સોનાનો હિસ્સો ૩.૪ ટકા છે. ૧૦૪૦ ટન સોના સાથે સ્વિટઝરલેન્ડ સાતમા ક્રમાંકે છે. તેના વિદેશી હુંડિયામણ ભંડોળમાં સોનાનો હિસ્સો ૬.૫ ટકા છે. જ્યારે આઠમા ક્રમાંકે જાપાન આવે છે. જાપાન પાસે ૭૬૫.૨ મેટ્રિક ટન સોનું છે. તેના હૂંડિયામણ ભંડોળમાં સોનાનો હિસ્સો ૩.૨ ટકા છે.
ટોપ ટેન દેશોની યાદીમાં ભારત નવમા ક્રમાંકે છે. ભારત પાસે ૬૫૭.૭ ટન સોનું છે. તેના હૂંડિયામણ ભંડોળમાં સોનાનો હિસ્સો ૭.૫ ટકા છે. જ્યારે દસમા ક્રમાંકે ૬૧૨.૫ ટન સોના સાથે નેધરલેન્ડ છે. તેના હૂંડિયામણ ભંડોળમાં સોનાનો હિસ્સો ૭૧.૪ ટકા છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ભારતના સોનાના ભંડોળમાં ચાલુ વર્ષે ફેબુ્રઆરી પછી સતત વધારો થયો છે. ઉપલબ્ધ ડેટા મુજબ ભારતે ફેબ્રુઆરીમાં ૬.૮ ટન, માર્ચમાં ૧૧.૨ ટન, એપ્રિલમાં ૧.૨ ટન અને મે માસમાં ૨.૮ ટન સોનાનો જથ્થો વધાર્યો હતો.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EjxLKW
via Latest Gujarati News
0 Comments