
કોરોના મહામારીના પગલે ધંધા-રોજગાર તેમજ વ્યક્તિગત રીતે તમામ સ્તરે લોકોના ગણિત ખોરવાઈ ગયા છે. સંખ્યાબંધ લોકોની આવક પર પ્રતિકૂળ અસર થવા પામી છે. તો બીજી તરફ બેરોજગારીમાં પણ વધારો થયો છે. આ પ્રતિકૂળ માહોલ વચ્ચે શેરબજારમાં સાનુકૂળ માહોલ ઉદ્ભવ્યો છે. કોરોના મહામારીના પગલે માર્ચ માસના અંતિમ તબક્કામાં શેરબજાર તળિયે પટકાયું હતું. ત્યારબાદ વિવિધ સાનુકુળ અહેવાલોને પગલે તે ઝડપથી બાઉન્સબેક થવા પામ્યું હતું. માર્ચ માસની તળિયાની સપાટીથી અત્યાર સુધી બજારમાં ૫૦ ટકાની આસપાસ સુધારો જોવાયો છે.
આ વખતે બજારમાં જે ઝડપી સુધારાની ચાલ જોવાઈ છે તેમાં નાના રોકાણકારોનો સિંહ ફાળો છે. લોકડાઉનના કારણે લોકો ઘરમાં કેદ હતા તે વેળાએ પોતાની આવક જળવાઈ રહે તે હેતુસર અનેક નવા નાના રોકાણકારોએ બજારમાં પ્રવેશ કર્યો હતો. તો બીજી તરફ, જે રોકાણકારો વોલેટાલિટીના કારણે બજારથી દૂર થઇ ગયા હતા. તે રોકાણકારો પણ બજારમાં પાછા ફર્યા હતા. આ કારણથી જ લોકડાઉનના સમયગાળા દરમિયાન ડિમેટ એકાઉન્ટની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. આમ, બજારની તાજેતરના સમયની તેજીમાં નાના રોકાણકારોની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહી છે.
ઉદભવેલ આ સાનુકુળ સ્થિતિના કારણે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં એનએસઇ પર લિસ્ટેડ ૧૦૧૮ કંપનીઓમાં નાના રોકાણકારોના રોકાણમાં (હિસ્સામાં) વધારો થવા પામ્યો છે. સૂચિત સમય દરમિયાન બજારના મુખ્ય ઇન્ડેક્સમાં પણ ૧૮ ટકાનો સુધારો નોંધાયો હતો.
ઉપલબ્ધ ડેટા મુજબ ચાલુ નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક એટલે કે જૂન ત્રિમાસિકમાં એનએસઇ પર કુલ શેરોની વેલ્યુમાં નાના રોકાણકારોનો હિસ્સો વધીને ૬.૭૪ ટકા થયો છે. જે તેની અગાઉેના ત્રિમાસિક દરમિયાન ૬.૫૪ ટકા હતો. આ ઉપરાંત એનએસઇ પર લિસ્ટેડ શેરોમાં નાના રોકાણકારોનો હિસ્સો વધીને ૧૫.૨૯ ટકા થયો છે. જ્યારે તેમના રોકાણનું સંયુક્ત મુલ્ય રૂ. ૯.૧૬ લાખ કરોડ પહોંચ્યું છે.
આ સમય દરમિયાન વિદેશી પોર્ટફોલીયો રોકાણકારોના (એફપીઆઈ) રોકાણનું સંયુક્ત મુલ્ય રૂ. ૨૮.૬ લાખ કરોડ રહ્યું હતું. જ્યારે સ્થાનિક સંસ્થાઓના રોકાણનું સંયુક્ત મુલ્ય રૂ. ૧૯.૪૮ લાખ કરોડ રહ્યું હતું. બજારમાં સક્રિય આ બે મોટા રોકાણકારોની તુલનાએ નાના રોકાણકારોનો હિસ્સો ઘણો ઓછો છે. જો કે, મહત્ત્વની બાબત એ છે કે જૂન ત્રિમાસિકમાં નાના રોકાણકારોના હિસ્સામાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.
જૂન ત્રિમાસિક દરમિયાન બજારમાં નોંધાયેલ સંગીન સુધારા દરમિયાન કંપનીઓના પ્રમોટરોનો હિસ્સો વધીને ૩૪.૮૬ ટકા થયો હતો. જે તેની અગાઉના ત્રિમાસિક દરમિયાન ૨૬.૪૫ ટકા હતું. આમ, આ સમય દરમિયાન પ્રમોટરોના હિસ્સામાં ૮.૪૧ ટકાની વૃધ્ધિ નોંધાઈ છે. વિદેશી પ્રમોટરોની વાત કરીએ તો આ સમય દરમિયાન તેમનો હિસ્સો વધીને ૯.૫૭ ટકા થયો હતો. જે તેની અગાઉના ત્રિમાસિકમાં ૭.૧૬ ટકા હતો.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે આ સમય દરમિયાન મ્યુચ્યુઅલ ફંડોનો હિસ્સો ઘટીને ૭.૮૧ ટકાની સપાટીએ રહ્યો હતો. સતત ૨૪ ત્રિમાસિક સુધી પોઝિટીવ વલણ રહ્યા બાદ જૂન ત્રિમાસિકમાં પ્રથમ વખત જ મ્યુચ્યુઅલ ફંડોના હિસ્સામાં ઘટાડો નોંધાયો છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EjOGgn
via Latest Gujarati News
0 Comments