ચાર ઇન્ટનેટ જાયન્ટસ પર તોળાતી એન્ટી ટ્રસ્ટની તલવાર


- ભૂતકાળમાં અમેરિકાએ તગડો નફો રળતી  સ્ટાન્ડર્ડ ઓઇલ, આઇબીએમ,માઇક્રોસોફ્ટની પાંખો કાપી નાખી હતી...

ટોચની ચાર ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓ એમેઝેાન, ગુગલ, એપલ અને ફેસબુક પર વિંઝાનારી એન્ટી ટ્રસ્ટની તલવાર તેમને લગભગ ઢીલી પાડી દેશે કે બજારમાં કોમ્પીટેશનને લાયક નહીં રહેવાદે. ભારતની કંપનીઓને એન્ટી ટ્રસ્ટ સાથે કોઇ લેવા દેવા નથી પરંતુ જો આ ઇન્ટરનેટ જાયન્ટસ ઢીલી પડે તો તેને લાભ ભારતને મળી શકે છે. ચીન પણ તેનો લાભ ઉઠાવી શકે છે. 

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની જાયન્ટ વેબ સાઇટો પાછળ પડી ગયા છે. સોશ્યલ નેટવર્ક પાછળ પડી ગયા પછી હવે તે અલિબાબાની પાછળ પડવાના છે. અમેરિકામાં સોશ્યલ નેટવર્ક કે બિઝનેસના નામે ઝેર ફેલાવતી કંપનીઓ સામે તે લાલ આંખ બતાવી રહ્યા છે.

એન્ટી ટ્રસ્ટન બાબતે થતી તપાસ તેમનું કંઇ બગાડી શકે નહીં એમ માનીને ફરતી ટોચની ચાર કંપનીઓને ખબર નથી કે જ્યારે તેમને સાણસામાં લેવાશે ત્યારે તેમની શાખ પણ ઓછી થઇ જશે અને કાયદાના વધુ બંધનોમાં આવી જશે.

જ્યારે કોઇ બિઝનેસ કંપનીઓ અમેરિકા કરતાં પણ વધુ પાવરફૂલ બનવા લાગે ત્યારે એન્ટી ટ્રસ્ટ જેવા હથિયારથી તેમની પાંખો કાપી નાખવાની ટેવ અમેરિકા ધરાવે છે. ફેડરલ ટ્રેડ કમિશન એક્ટ હેઠળ અમેરિકી સરકાર કંપનીઓનેા પ્રભાવ નાથવા પગલાં લેતી હોય છે. ભૂતકાળમાં એમેરિકાએ સ્ટાન્ડર્ડ ઓઇલ, આઇબીએમ,માઇક્રોસોફ્ટની પાંખો કાપી નાખી હતી.

એમેઝોન,એપલ, ગુગલ, ફેસબુકનો પ્રભાવ અમેરિકાના બજારો પર ેએટલો બધો વધ્યો છે કે તે અનેક મુદ્દે સિન્ડીક્ટ રચીને પ્રજાને મૂંઝવી શકે છે. ભાવો બાબતે પણ તે સિન્ડીકેટ રચીને પ્રજાને બાનમાં લઇ શકે છે.

છેલ્લા અહેવાલો અનુસાર કોવિડ-૧૯ના સમયગાળામાં જ્યાં સર્વત્ર મંદી છવાયેલી હતી ત્યારે ઉપરોક્ત ચાર ઇન્ટરનેટ જાયન્ટ્સે તગડી કમાણી કરી હતી.  કોરોના કાળમાં પણ તેમણે કમાવવાની કોઇ તક છોડી  નહોતી. એન્ટી ટ્રસ્ટના હીયરીંગ દરમ્યાન તેમની બિઝનેસ પ્રેકટીસ અને માર્કેટ પર પ્રભુત્વ જાળવી રાખવા બાબતે છ કલાક સુધી પૂછપરછ ચાલી હતી. જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

ભારતમાં ઇ કેામર્સ પર મળતી ચીજો બજાર કરતાં પણ સસ્તા ભાવે મળતી હોવાનું જણાયું છે. આ બાબતે વેપારીઓએ કોમ્પીટીશન કમિશન ઓફ ઇન્ડીયાને રજૂઆત પણ કરી છે. બજાર કરતાં સસ્તા  ભાવે વેચાતી ચીજો ના કારણે ઓન લાઇન ખરીદી તરફ લોકો વળ્યા છે. વેપારીઓની આ ફરિયાદનો હજુ કોઇ નિકાલ નથી થયેા.

કોરોના કાળમાં ઇન્ટરનેટ જાયન્ટસના નફામાં કોઇ ધટાડો નહોતો થયેા તે તો ઠીક પણ બમણો નફો નોંધાયો હતો. એમેઝોનના નફાની વાત કરીએ તો ૩૦ જુને પુરા થતા ત્રિમાસિક ગાળામાં તેની આવક ૫.૨ અબજ ડોલર નોંધાઇ હતી. એવીજ રીતે ફેસબુકની આવક લગભગ બમણી થઇ હતી. એપલનું વેચાણ ૧૧ ટકા વધ્યું હતું તો ગુગલનો પ્રોફીટ સ્થિર  રહ્યો હતો.

કોરોના વાયરસનું સંકટ હોવા છતાં એપલે દુનિયામાં છેલ્લા છ મહિનામાં સ્માર્ટ વોચ સેગમેન્ટમાં જબરદસ્ત કારોબાર કર્યો છે. કંપનીએ સ્માર્ટ વોચ માર્કેટના તેના તમામ પ્રતિદ્વંદિઓ ગાર્મિન, સેમસંગ અને હ્યુવાવે સહિત બાકી કંપનીઓને પાછળ છોડી દીધી છે. આ વર્ષના પહેલા ૬ મહિનામાં એપલે મજબૂત પ્રદર્શન કરતાં પાછલા વર્ષ કરતા તેની આવક ૪૩.૨ ટકા સુધી વધી છે.

કાઉન્ટર પોઇન્ટ રિસર્ચ અનુસાર આ વર્ષ એટલે કે ૨૦૨૦ના પહેલા ૬ મહિનામાં (જાન્યુઆરીથી જૂન)માં વૈશ્વિક બજારના અડધો અડધ રેવન્યુ એપલના નામે છે. જે ગયા વર્ષ કરતાં ૪૩.૨ ટકા વધુ છે કોરોના વાયરસ અને લૉકડાઉન વચ્ચે એપલ તેના સિપમેન્ટની લીધે માર્કેટ લીડર બની હતી.

વૈશ્વિક સ્માર્ટ વોચ માર્કેટમાં એપલે ગાર્મિન, સેમસંગ અને હ્યુવાવે સહિતની અન્ય તમામ કંપનીઓને પાછળ છોડી દીધી છે. એનબીટીના સમાચાર અનુસાર વર્ષ ૨૦૨૦ના પહેલા ૬ મહિનામાં એપલે સારું પ્રદર્શન કરતા ગયા વર્ષ કરતા તેની રેવન્યુને ૪૩.૨ ટકા સુધી સફળતા મેળવી છે આ સમય દરમ્યાન સ્માર્ટ વોચ માર્કેટમાં વર્ષ ૨૦૨૦ના પહેલા ૬ મહિનામાં ગાર્મિન બીજી સૌથી વધુ કમાણી કરનારી કંપની બની છે.

એપલે વિતેલા સપ્તાહે એક નવો ઇતિહાસ રચ્યો હતો. કંપનીની માર્કેટ કેપ ૨ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છ. આ સાથે કંપની અમેરિકામાં આ આંકડો હાંસલ કરનારી પહેલી કંપની બની છે એટલું જ નહીં તેનું માર્કેટ કેપ ઇટાલી, બ્રાઝિલ, કેનેડા, રશિયા, દક્ષિણ કોરિયા, સ્પેન, મેક્સિકો, ઇન્ડોનેશિયા, સાઉદી અરબના જીડીપીથી વધારે છે.

વેચાણ તરફ નજર ના કરીએ તો પણ પ્રતિષ્ઠાની નજરે આ જાયન્ટ્સ કંપનીઓની વગ તેમજ બિઝનેસ પરની પંક્કડ વધી છે.

એન્ટી ટ્સ્ટની તલવાર વિંઝાઇ રહી છે.  ઇન્ટરનેટ જાયન્ટ્સનો પ્રભાવ વધવા દેવા અમેરિકા તૈયાર નથી તે દેખાઇ આવે છે .

ભારત  સરકાર આઘુનિકીકરણમાં માને છે . એટલે તે ઇ કોમર્સને આવકારે છે. પરંતુ જે ઇ કોમર્સ માટે લાલ જાજમ બિછાવાઇ છે તે કરિયાણાના વેપારીઓ માટે મોતનો માર્ગ બની જશે તે કોઇએ વિચાર્યું હોય એમ લાગતું નથી. 

બજારમાં કોઇ કંપનીના પ્રભાવ બાબતે ભારતમાં કોઇ બહુ  વિચારતું નથી. એવું પણ નથી કે તે બાબતે ભારતમાં કોઇ કાયદા નથી. કાયદા છે જેવાંકે  ૧૯૬૯નો મોનોપોલીસ એન્ડ રીસ્ટ્રીક્ટીવ ટ્રેડ પ્રેકટીસ ઓફ ઇન્ડીયા એકટ(એમઆરટીપી એક્ટ). પરંતુ તેના અમલ માટે કોઇને પડી નથી હોતી. એવી રીતે કોમ્પીટેશન કમિશન ઓફ ઇન્ડીયા પણ છે જેમાં રિટેલ વેપારીઓએ ઇકોમર્સ સિસ્ટમ હેઠળ અપાતી સસ્તી ચીજો બાબતે ફરિયાદ કરી છે.

જો કે, આ કવાયત વચ્ચે એમ કહી શકાય કે,  ઇન્ટરનેટ જાયન્ટ્સની જેટલી પાંખો અમેરિકા કાપશે એટલી નવી પાંખો ભારતની કંપનીઓને ફૂટશે એ નક્કી છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FJVV1q
via Latest Gujarati News

Post a Comment

0 Comments