- ક્રિકેટની દુનિયામાં ટોચે પહોંચનાર ધોની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ ટોચ પર : હાલ 25 બ્રાન્ડ્સ હાથ પર
તાજેતરમાં જાણીતા ક્રિકેટર ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરતા ક્રિકેટના રસિકોએ આંચકો અનુભવ્યો હતો. ધોનીની ફટકાબાજી અને વિકેટકીપર તરીકેની ભૂમિકા વર્ષોના વર્ષ સુધી યાદગાર રહેશે. લોકો તેમાં ય ખાસ કરીને ક્રિકેટના ચાહકો ધોનીની માત્ર એક જ સાઇડ એટલે કે તેની મેદાન પરની કામગીરીને તો સારી રીતે જાણે જ છે. પરંતુ તેની બીજી સાઇડથી જોઈએ તેટલા વાકેફ નથી. બીજી સાઇડ એટલે બ્રાન્ડોની દુનિયામાં ધોનીની હાજરી.
યસ, બ્રાન્ડની દુનિયામાં પણ મહેન્દ્રસિંહ ધોનીનો ટોપ ટેનમાં સમાવેશ થાય છે. ડફ એન્ડ ફેલ્પ દ્વારા ૨૦૧૯ના સેલિબ્રિટી બ્રાન્ડ મૂલ્યાંકનના એક રિપોર્ટમાં ધોનીનો સમાવેશ નવમા ક્રમાંકે કરાયો હતો. ધોનીનું બ્રાન્ડ મૂલ્ય રૂા. ૩૧૦ કરોડ આંકવામાં આવ્યું હતું જે તેની અગાઉના વર્ષે રૂા. ૨૦૨ કરોડ આસપાસ હતું. અહીં એ બાબત ઉલ્લેખનીય રહેશે કે ગત વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર વખતે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી કરતાં ધોનીએ વધુ બ્રાન્ડ કરાર કર્યા હતા.
ચાલુ વર્ષના પ્રારંભે એડેક્સ ઇન્ડિયા અને ટીમ મીડિયા રિસર્ચના રિપોર્ટ મુજબ વિરાટ કોહલી ૪૦ આસપાસ બ્રાન્ડો સાથે સંકળાયેલા હતા. જ્યારે મહેન્દ્રસિંહ ધોની ૪૪ બ્રાન્ડ સાથે સંકળાયેલ હતા. ધોની હાલ ૨૫ બ્રાન્ડ સાથે સંકળાયેલ છે. જેમાં માસ્ટર કાર્ડ નેટમેક્સ, અશોક લેલેન્ડ, કાર્સ ટચ અને રેડ બસ જેવી કંપનીઓ સામેલ છે. એક અંદાજ મુજબ બ્રાન્ડ તરીકે વિજ્ઞાાપનની ફી એક દિવસ માટે રૂા. ૧થી ૨ કરોડની વચ્ચે છે. ધોની ક્રિકેટમાં સંપૂર્ણ સક્રિય હતા ત્યારે આ રકમ ત્રણથી ચાર ગણા વધુ હતી.
લોકો માટે આ બાબત આમ તો સામાન્ય લાગતી હશે પરંતુ એકી સાથે બે અલગ અલગ ક્ષેત્રમાં ટોચનું સ્થાન હાંસલ કરવું એ એક નોંધપાત્ર બાબત છે. ક્રિકેટની દુનિયામાં ટોચનું સ્થાન હાંસલ કરવાની સાથોસાથ ધોનીએ બ્રાન્ડ એમ્બેસેડરની દુનિયામાં પણ પોતાનું આગવું સ્થાન હાંસલ કરી ટોચ પર પહોંચ્યો હતો.
બ્રાન્ડ એમ્બેસેડરની દુનિયામાં ટોચ પર પહોંચવા પાછળ એક રસપ્રદ કહાની છે. ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ હ્યુમન બ્રાન્ડસના જણાવ્યા મુજબ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આગળ વધવા માટે ધોનીએ જાણી જોઈને બ્રાન્ડ કરાર ફી ઓછી કરી દીધી હતી. ધોની હાલ એક દિવસની રૂા. ૧થી ૨ કરોડ આસપાસની વિજ્ઞાાપન ફી વસુલે છે. તે જ્યારે ક્રિકેટની દુનિયામાં ટોચ પર હતો ત્યારે હાલની ફી કરતા ત્રણથી ચાર ગણી ફી લેતો હતો. આમ, ઓછી ફી અને ઘરે ઘરે જાણીતું નામ હોવાથી ધોનીને બ્રાન્ડ એમ્બેસેડરના નવા નવા કરાર મળતા ગયા અને આ દુનિયામાં પણ તે ટોચ પર પહોંચી ગયો.
અહીં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી છે. તો આગામી સમયમાં તેની બ્રાન્ડ એમ્બેસેડરની કેરિયરને અસર થશે ખરી ? આ પ્રશ્નનો જવાબ ના છે. ક્રિકેટના મેદાનમાં ધોનીના તરખાટમાં, તેના જલવામાં ઘટાડો થયો હોવા છતાં ય કોઈ પણ બ્રાન્ડ ધોનીની દૂર થઈ નહોતી બલ્કે નવી બ્રાન્ડો ધોની તરફ વળી હતી. ગત વર્ષે ફોર્બ્સ ઇન્ડિયાની ટોપ ૧૦૦ સેલેબ્રિટી રિપોર્ટમાં ધોની અંદાજે રૂા. ૧૩૬ કરોડની કમાણી સાથે પાંચમા ક્રમાંકે હતો. આજે પણ ધોની ૨૫ જેટલી બ્રાન્ડ સાથે સંકળાયેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ધોની હજી ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન છે અને આગામી મહિને યુએઇમાં આઇપીએલ રમાનાર છે. આ ટુર્નામેન્ટમાં ધોનીનો દેખાવ તેની બ્રાન્ડ એમ્બેસેડરની ઇમેજ માટે નિર્ણાયક પુરવાર થશે. આ ક્ષેત્રના નિષ્ણાતોના મત મુજબ આઇપીએલ ટુર્નામેન્ટમાં ધોનીની સફળતા- નિષ્ફળતા બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની ઇમેજ માટે નિર્ણાયક પુરવાર થશે. લેઇટ અસ વેઇટ ટીલ આઇપીએલ...
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34mlrUS
via Latest Gujarati News
0 Comments