
સમય ગાંધી પરિવારના નેતૃત્વ પર શંકાઓનો નહીં પણ એનડીએ સામે સંગઠીત થવાનો : અમરિન્દરસિંહ
નવી દિલ્હી, તા. 23 ઓગસ્ટ, 2020, રવિવાર
કોંગ્રેસ અધ્યક્ષ પદેથી સોનિયા ગાંધી રાજીનામુ આપશે, જેને પગલે આ પદ પર કોઇ અન્ય નેતાની પસંદગી કરવામાં આવશે. રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં પક્ષની હાર બાદ પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધુ હતું. જે બાદ સોનિયા ગાંધીને વચગાળાના પ્રમુખ નિમવવામાં આવ્યા હતા.
જોકે તેઓ એક વર્ષ માટે જ આ પદ પર હતા જેનો સમયગાળો પુરો થતા હવે સોનિયા ગાંધી આ પદને છોડશે તેવા અહેવાલો છે. સોનિયા ગાંધીના રાજીનામા બાદ આ પદ પર કોંગ્રેસના અન્ય કોઇ નેતાની પસંદગી કરવામાં આવી શકે છે. જોકે આ અંગે સત્તાવાર રીતે જાહેરાત નથી કરવામાં આવી. સોમવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાવા જઇ રહી છે જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે.
જે બેઠક યોજાવા જઇ રહી છે તેમાં પક્ષના સંગઠનોમાં મોટા ફેરફાર કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. જોકે સંગઠનમાં ફેરફારની ચર્ચા ચાલી રહી છે ત્યારે પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે ગાંધી પરિવારને જે પડકારો પક્ષમાં આપવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કર્યો હતો.
આ પહેલા કોંગ્રેસના નેતા સંજય નિરૂપમ પણ ગાંધી પરિવારના નેતૃત્વ પર જે શંકાઓ ઉઠી રહી છે તે અંગે વાંધો ઉઠાવ્યો હતો અને હવે તેમાં અમરિંદરસિંહ પણ જોડાયા છે,
તેમણે કહ્યું હતું કે આ સમય ગાંધી પરિવારના નેતૃત્વ પર શંકાઓનો નથી, હાલ એનડીએ સામે બધા વિપક્ષોએ એક થવાની જરૂર છે. એનડીએએ દેશના લોકતંત્રનો નાશ વાળ્યો છે. એવામાં તે મામલે વધુ ધ્યાન આપવાની જરૂર છે. બીજી તરફ સોનિયા ગાંધીએ પક્ષના નેતાઓને કહ્યું છે કે તેઓ પ્રમુખ પદ માટે નવા નેતાની શોધ શરૂ કરી દે.
એવા પણ અહેવાલો છે કે કોંગ્રેસના 23 નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને પૂર્ણકાલિક એટલે કે કાયમી અધ્યક્ષ પદ માટે કોઇને પસંદ કરવામાં આવે તેવી માગણી કરી છે. બીજી તરફ કોંગ્રેસમાં બે ભાગલા જોવા મળી રહ્યા છે, અનેક નેતાઓ રાહુલ ગાંધીને પ્રમુખ પદ સોપવાની માગણી કરી રહ્યા છે. જ્યારે કેટલાક નેતાઓ એવા પણ છે કે જે સામુહિક નેતૃત્વની માગણી કરી રહ્યા છે.
એવા અહેવાલો છે કે સોમવારે રાહુલ ગાંધીને ફરી પક્ષના પ્રમુખ બનાવવા માટે વર્કિંગ કમિટીના નેતાઓ દબાણ કરશે. જોકે રાહુલ ગાંધીએ આ પદ સંભાળવાની ના પાડી દીધી છે અને કોઇ બિન કોંગ્રેસીને આ પદ સોપવામાં આવે તેમ કહ્યું છે. જેનું પ્રિયંકા ગાંધીએ પણ સમર્થન કર્યું છે. સોમવારે સવારે વીડિયો કોન્ફરન્સથી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવા જઇ રહી છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારની આ બેઠકનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો પ્રમુખ પદનો રહેશે. આ સિૃથતિ વચ્ચે કોંગ્રેસના એક વરીષ્ઠ નેતાએ મીડિયાને કહ્યું હતું કે હું મારા તરફથી રાહુલ ગાંધીનું નામ આ પદ માટે રજુ કરીશ કેમ કે કોંગ્રેસના કાર્યકર્તાઓથી લઇને અનેક નેતાઓની ઇચ્છા છે કે રાહુલ ગાંધી આ પદને સંભાળે.
જો રાહુલ ગાંધી તૈયાર ન થાય તો કોંગ્રેસના નેતાઓ કોઇ અન્ય નેતાને કાયમી માટે પ્રમુખ પદ સોપવાની માગણી કરી શકે છે તેમ પણ કોંગ્રેસના આ નેતાએ કહ્યું છે. હાલ સૌની નજર સોમવારે મળનારી બેઠક પર છે જેમાં મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aXM9o8
via Latest Gujarati News
0 Comments