
કરાચીના વ્હાઈટ હાઉસમાં રહેતા 'ડોન' દાઉદ ઉપરાંત હાફિઝ, મસૂદની સંપત્તિ જપ્ત થશે, કડક આર્થિક પ્રતિબંધો મૂક્યા
કુલ 88 આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહીનું ઈમરાન ખાનની સરકારનું નાટક
2018માં પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં મૂકાયું હતું ઓક્ટોબરમાં પાક.બ્લેકલિસ્ટ થાય તેવી શક્યતા
(પીટીઆઈ) ઈસ્લામાબાદ, તા. 22 ઓગસ્ટ, 2020, શનિવાર
ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના બ્લેકલિસ્ટથી બચવા પાકિસ્તાને 88 આતંકવાદીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. એમાં પાક. સરકારે દાઉદ ઈબ્રાહિમનો પણ સમાવેશ કર્યો હતો. દાઉદ પર પ્રતિબંધ મૂકીને પાક. સરકારે તેનું કરાચીનું સરનામું લખ્યું હતું.
પાકિસ્તાન પોતાના જ નાટકમાં ભરાઈ પડયું હતું. પાક.સરકારે પહેલી વખત સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું કે દાઉદ ડોન પાકિસ્તાનમાં જ રહે છે. દાઉદ, મસૂદ અને હાફિઝ સહિતના આતંકવાદીઓના બેંક એકાઉન્ટ્સ સીઝ કરવા ઉપરાંત તેની પ્રોપર્ટી જપ્ત કરવાની પણ પાક. સરકારે જાહેરાત કરી છે.
ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના ભયથી પાકિસ્તાને દાઉદ ઈબ્રાહિમ, હાફિઝ સઈદ અને મસૂદ અઝહર સહિત 88 આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરી છે. ઓક્ટોબરમાં એફએટીએફની બેઠક મળશે અને એમાં પાક.ને બ્લેકલિસ્ટ કરવાનું ગંભીરતાથી વિચારાય તેવી શક્યતા છે.
પાકિસ્તાન સરકારે એક નોટિફિકેશન જારી કરીને 88 આતંકવાદીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. એમાં દાઉદ ઈબ્રાહિમ, હાફિઝ સઈદ અને મસૂદ અઝહરનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તાલિબાની આતંકવાદીઓ ઉપર પણ પ્રતિબંધ મૂકાયાની જાહેરાત પાક. સરકારે કરી હતી. આ આતંકવાદીઓ પર આિર્થક પ્રતિબંધો મૂકીને તેની પ્રોપર્ટી, બેંક એકાઉન્ટ્સ વગેરે જપ્ત કરાયા હોવાનો દાવો પાક સરકારે કર્યો હતો.
એફએટીએફની ગત બેઠકમાં પાક.ને ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું હતું. છેક 2018થી પાકિસ્તાન એફએટીએફના ગ્રે લિસ્ટમાં છે અને દર વખતે બ્લેકલિસ્ટ થવાનું જોખમ પાકિસ્તાન પર મંડરાઈ રહ્યું છે. કોરોના મહામારીના કારણે એક બેઠક મુલતવી રહી હતી. તેના કારણે હવે ઓક્ટોબરમાં એફએટીએફની બેઠક મળશે.
એફએટીએફની ઓક્ટોબર-2020ની બેઠક પહેલાં જો પાકિસ્તાન બ્લેકલિસ્ટમાં આવતા બચવું હોય તો આતંકવાદી સંગઠનો પર કાર્યવાહી કરવી જરૂરી છે. એફએટીએફે ચોક્કસ માપદંડો નક્કી કર્યા છે. છેલ્લી બેઠકમાં પાકિસ્તાનને ટાસ્ક આપીને નિયત સમયમર્યાદામાં એ માપદંડો પૂરા કરવાનો આદેશ એફએટીએફે કર્યો હતો.
ગ્રે લિસ્ટમાં યથાવત રહેવા માટે પણ પાકિસ્તાને દેખાડા ખાતર આ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવી જરૂરી હતી. તેના ભાગરૂપે ઈમરાન ખાનની સરકારે આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદના ચાર્ટના આધારે આ પગલું ભરાયું છે.
ઉલ્લેખનીય છે કે જો એફએટીએફ કોઈ દેશને બ્લેકલિસ્ટમાં મૂકે તો એ દેશને આિર્થક ફંડ મેળવવાનું કામ કપરૂં બની જાય. એફએટીએફ આતંકવાદીઓને મળતા ફંડિંગનું મોનેટરિંગ કરે છે. આઈએમએફ જેવા વૈશ્વિક સંગઠનો ફંડિંગ માટે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના લિસ્ટનેે માપદંડ તરીકે ધ્યાનમાં લે છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QgGcZN
via Latest Gujarati News
0 Comments